રાજસ્થાનના જેસલમેરમાં સીમા સુરક્ષા દળના 57માં સ્થાપના દિવસ સમારોહ સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી

 

અબતક-રાજકોટ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજસ્થાનના જેસલમેરમાં સીમા સુરક્ષા બળના 57મા સ્થાપના દિવસ સમારોહને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ દેશની સેવામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોના પરિવારજનો અને સેવારત બીએસએફકર્મીઓને બહાદુરી માટે પોલીસ મેડલ અને ઉત્કૃષ્ટ સેવા માટે સેવારત અને સેવાનિવૃત્ત કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કર્યા હતા. આ અવસરે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સેખાવત અને સીમા સુરક્ષા બળના મહાનિદેશક પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે મોદી સરકારે 1965માં બીએસએફની સ્થાપના બાદ પહેલી વાર બીએસએફના સ્થાપના દિવસને દેશના સરહદી જિલ્લામાં મનાવવાનો નિર્ણય લીધો છે અને આ પરંપરાને આપણે આગળ પણ ચાલુ રાખવી જોઇએ. તેમણે કહ્યું કે આ સ્થાપના દિવસ આપણી આઝાદીના અમૃત મહોત્સવનાં વર્ષનો સ્થાપના દિવસ છે. આઝાદી મળ્યાને 75 વર્ષો વીતી ગયા છે અને પ્રધાનમંત્રીએ આ વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. આઝાદીનાં શતાબ્દી વર્ષ સુધી 75 વર્ષથી 100 વર્ષ વચ્ચેનો જે સમયગાળો છે એ અમૃત કાળ છે અને આ અમૃત કાળમાં એ નક્કી કરવાનું છે કે જ્યારે આઝાદીનાં 100 વર્ષ થશે ત્યારે દરેક ક્ષેત્રમાં આપણે ક્યાં ઊભા હોઇશું.

અમિત શાહે કહ્યું કે દેશભરમાં સીમા સુરક્ષા બળ, પોલીસ બળ અને સીએપીએફના 35 હજારથી વધુ જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે અને બીએસએફ એમાં સૌથી આગળ છે કારણ કે સૌથી કઠિન સરહદોની સુરક્ષાની જવાબદારી બીએસએફને સોંપવામાં આવી છે. હું એ તમામ શહીદ દિવંગત વીર જવાનોને સમગ્ર દેશ અને દેશના પ્રધાનમંત્રી તરફથી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પવા માગું છું. સીમા સુરક્ષા દળનો બહુ ગૌરવપૂર્ણ ઇતિહાસ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીમાઓનાં પ્રહરીઓ પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહ્યા છે. આયુષ્યમાન યોજના હેઠળ દેશના તમામ સીએપીએફના જવાનો માટે અને એમના પરિવારોને એક કાર્ડના માધ્યમથી પૂર્ણ સ્વાસ્થ્ય કવર આપવામાં આવ્યું છે. આજે તમામ પરિજનો માટે એક કાર્ડ આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે જેનાથી કાર્ડ સ્વાઇપ કરતા જ આપ 21 હજારથી વધુ હોસ્પિટલોમાં આપ પોતાના અને પોતાના પરિવારજનોની મોટામાં મોટી સારવાર બહુ સારી રીતે કરાવી શકો છો. કેન્દ્રીય અનુદાન રકમ જે 35 લાખ રૂપિયા અને 25 લાખ રૂપિયાની છે એ પણ એક મહિનામાં શહીદના પરિવાર સુધી પહોંચાડી દેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.