અબતક, રાજકોટ

આજના આધુનિક યુગને ફેશનનો યુગ જરૂર ગણી શકાય. ફેશન અને ફિટ રહેવાના ક્રેઝએ તો જાણે લોકોને આંધળા કરી દીધા હોય તેમ દોટ લગાવી રહ્યા છે. ફેશન અને ફીટ રહી સુડોળ, સુંદર દેખાવવામાં લોકો માયકાંગલા થઈ રહ્યા છે. દેખાવે ભલે હુષ્ટ ભૃષ્ટ હોય પણ અંદરથી નબળા પડી રહ્યા છે. ડાયટ ફોલો કરે, જીમમાં જઈ પરસેવો પાડે… તેનાથી ફિટ તો થાય પણ જીવનને ક્યાંકને ક્યાંક હિટ કરી નાખે છે. આનો જ તો બોલીવુડ એકટર અમિત મિસ્ત્રી, રાજ કૌશલ, સિદ્ધાર્થ શુક્લ, શ્રી દેવી સહિતના ઘણા નામી-અનામી વ્યક્તિઓ ભોગ બન્યા છે.

સુંદર, બેડોળ દેખાવવાની લ્હાયમાં ‘ફીટ’ રહી જિંદગીને કયાંકને કયાંક ‘હીટ’ કરતા ફેશનરસીકો

ડાયટ પ્લાન પણ જરૂરી છે પણ જો આ ડાયટના અવળા પરિણામો શરૂ થાય તો સમજી જવું જોઈએ. કારણ કે આપણા શરીરને જરૂરી વિટામિન, મિનરલ્સ, પ્રોટીન મળવું જ જોઈએ અને જો ડાયટની લ્હાયમાં, પાતળા થવાની લ્હાયમાં આ જરૂરી પોષક તત્વો ન મળે તો શરીર પાછું પડતું જાય છે. દેખાવે ફિટ લાગતા જઈએ પણ સ્વાસ્થ્ય પ્રશ્નો ઉભા થાય છે. આમ, સ્વાસ્થ્ય અને ફિટનેસ વચ્ચે રહેલી પાતળી ભેદરેખા સમજીને જ બાયોલોજીકલ ક્લોક ગોઠવવી જોઈએ. તાજેતરમાં સિદ્ધાર્થ શુકલનું હાર્ટ એટેકના કારણે નિધન થયું. આ અગાઉ પણ હૃદય હુમલાના કારણે ઘણા બોલીવુડ સિતારાઓએ જીવ ગુમાવ્યો છે.

શરીરને ફીટ રાખવા કરતા સ્વસ્થ રાખવું વધુ જ‚રી છે તે કયારેય ભૂલવું ન જોઇએ!!

બોલીવુડ સીતારાઓમાં હાર્ટ એટેકનું વધતું પ્રમાણ વધુ પ્રમાણમાં ફિટનેસ જાળવવી જ તો છે. કારણ કે, ફિટનેસના ચક્કરમાં જરૂરી સ્વાસ્થ્ય માટેના પોષક તત્વો ખૂટે છે. જેનાથી સ્ટ્રેસ વધે છે. આમ, આ વાત તો અહીં ખોટી જ સાબિત થાય છે જે જો ફિટ હે વો હીટ હે…. પણ ફિટ રહેવાની લ્હાય અને દેખાદેખીમાં જીવન હિટ થઈ જાય છે. ડોક્ટરોનું કહેવું છે કે નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. મુંબઈના  કાર્ડિયોલોજિસ્ટ ડો. તિલક સુવર્ણાએ કહ્યું કે, પુખ્ત વયના લોકોમાં પણ, હૃદયરોગના હુમલાના કેસ વધી રહ્યા છે. આ  જોખમમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કૌટુંબિક ઇતિહાસ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ધૂમ્રપાનનો સમાવેશ થાય છે.

તબીબી નિષ્ણાતો જણાવે છે કે યુવાન દર્દીઓમાં હૃદયની બિમારીઓના મોટાભાગના કેસો જીવલેણ કેમ બને છે અને ચેતવણીના ચિહ્નો કયા છે તે વિશે જાણવું જોઈએ..!! આજના યુવાનો ગમે તેટલા ફીટ હોય પરંતુ તેમ છતાં કોઈપણ પ્રકારની અગવડતાને હળવાશથી ન લેવી જોઈએ. સમયાંતરે હાર્ટ ચેક અપ પણ કરાવવું જોઇએ. જો કોઈ વ્યક્તિનો હૃદયરોગનો પારિવારિક ઇતિહાસ હોય અને તેની ઉંમર ૨૫ વર્ષથી વધુ હોય તો તેણે નિયમિત તપાસ માટે જવું જોઈએ. તબીબી નિષ્ણાતો કહે છે કે ફિટ દેખાવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો. નવી દિલ્હીના ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ્સના કાર્ડિયોથોરાસિક અને વેસ્ક્યુલર સર્જનના વરિષ્ઠ સલાહકાર ડો. મુકેશ ગોયલ કહે છે કે તમે જીમમા ફિટનેસ પ્રાપ્ત કરી શકો છો, પણ તમે તેની સાથે સ્વસ્થ થઈ શકતા નથી. ફિટનેસ અને હેલ્થ સંપૂર્ણપણે અલગ છે. જેને એકબીજા સાથે ભેળસેળ ન કરવી જોઈએ. તેનો અર્થ એ નથી કે ફિટનેસમાં ધ્યાન ન દેવું જોઈએ. લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ૨૫ પછી, દરેક વ્યક્તિએ સમયાંતરે હેલ્થ ચેક અપ કરાવવું જોઈએ. હૃદયના સ્વસ્થ આહાર તરીકે  કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીનનું સંતુલન જાળવી તાજા ફળો અને તાજા શાકભાજી શામેલ કરવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.