પાંચ રાજયોનાં દરિયાઈ કિનારા વિસ્તારોને સુરક્ષા દળો દ્વારા ખાલી કરાવાયા
ચક્રવાતી વાવાઝોડું ફેની ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી દરિયા કિનારાનાં રાજયો તરફ આગળ વધી રહ્યું છે. ગુરુવાર સુધીમાં આંધ્રપ્રદેશ અને શુક્રવારે બપોરે સુધીમાં ઓરીસ્સાનાં ગોપાલપુર અને ચાંદબલી કિનારે ટકરાવવાની આશંકા છે. હવામાન વિભાગ મુજબ ઓરીસ્સાનાં કિનારે ટકરાતી વખતે ફેની વાવાઝોડાની ઝડપ ૧૭૫ થી ૧૮૫ કિલોમીટર પ્રતિ કલાક આજુબાજુની રહેશે કે જે ૨૦૫ કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી શકે છે તે માટે ઓરીસ્સાનાં ૮ લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગે ઓરિસ્સા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરલ, પોંડીચેરીનાં દરિયાકિનારાનાં વિસ્તારોને ખાલી કરવાનું સુચન કરવામાં આવ્યું છે ત્યારપછી લોકોને સલામત જગ્યાઓ પર મોકલી રહ્યા છે ત્યારે કેન્દ્રએ દરિયા કિનારાનાં રાજયોને ૪૮૫ કરોડ ‚પિયાનું નવું ઈમરજન્સી ફંડ આપ્યું છે.
આ પહેલા મંગળવારે ૧૦૮૬ કરોડનું ફંડ અપાયું હતું. ફેનીને ગયા વર્ષે આવેલા તીતલી અને ગાઝા તોફાન કરતાં વધુ ખતરનાક મનાઈ રહ્યું છે જેમાં બંનેમાં ૮૦ લોકોનાં મોત નિપજયા હતા. સ્કાયમેન્ટ મુજબ ફેની પહેલા આંધ્રપ્રદેશ પહોંચશે પરંતુ તેની મહતમ ઝડપ ઓરિસ્સામાં જોવા મળશે તે અત્યંત ભયંકર શ્રેણીનું ચક્રવતી વાવાઝોડું છે.
ઓરીસ્સામાં પ્રવેશ કરશે ત્યારે રાજયનાં કિનારાનાં ભાગો માટે તે કોઈ આફત કરતાં ઓછું નહીં હોય. તે દરમિયાન કિનારાનાં શહેરોમાં વિનાશક વરસાદ જોવા મળી શકે છે. ભારતનાં પૂર્વીય કિનારા પાસે બંગાળની ખાડીમાં સમુદ્રમાં ભારે ઉથલ પાથલની સ્થિતિ પણ ચાલુ રહેશે. આગામી ૭૨ કલાક દરમિયાન ઉતર ભારતનાં અનેક રાજયોમાં મુશળધાર વરસાદ થઈ શકે છે ત્યારે ખાસ કરીને યુપીમાં ૨ થી ૪ મે વચ્ચે અનેક ભાગોમાં વરસાદ સાથે ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાય શકે છે.