લાડુમાં પ્રતિબંધિત કલર, કૃત્રિમ ગળપણ અને હલકા લોટની ભેળસેળની શંકા ૭ સ્થળેથી મોદકના નમુના લેવાયા
આસ્થાભેર ઉપવાસ કરતા ભાવિકોની શ્રદ્ધા સાથે લેભાગુ અને લાલચુ વેપારીઓ ચેડા કરતા રતિભાર પણ અચકાતા નથી. શહેરના ભુપેન્દ્ર રોડ પર સ્વામિનારાયણ મુખ્ય મંદિરના પરિસરમાં પાર્થ ફરાળી લોટ વેચતા વેપારીને ત્યાંથી લેવામાં આવેલો ફરાળી લોટનો નમુનો પરીક્ષણમાં નાપાસ જાહેર થયો છે. ગણેશ મહોત્સવમાં લાડુમાં પ્રતિબંધિત કલર, કૃત્રિમ ગળપણ અને બીજા લોટની ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકાના પગલે આરોગ્ય વિભાગ દ્વારા ૭ સ્થળોએથી નમુના લેવામાં આવ્યા હતા.
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરની ભાડાની દુકાનમાં લક્ષ્મીનારાયણ દેવસત્સંગ સાહિત્ય ભંડાર નામની દુકાન ચલાવતા મગનભાઈ બચુભાઈ ઠુંમરને ત્યાંથી વિનાયક સેલ્સ એજન્સીના પાર્થ બ્રાન્ડ સ્પેશિયલ રાજગરા ફરાળી લોટનો નમુનો લેવામાં આવ્યો હતો અને તેને પરીક્ષણમાં મોકલવામાં આવ્યો હતો. લોટમાં જે ઈન્ગ્રીડીયન્સ દર્શાવવામાં આવ્યા હતા તે કોઈ વસ્તુ હાજર મળી ન હતી. પેકિંગ પર મેન્યુફેકચરની ડેટ અને લોટ નંબર દર્શાવવામાં આવ્યો ન હોવાના કારણે પરીક્ષણમાં નમુનો નાપાસ થયેલ હોવાનું આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગણેશ મહોત્સવ દરમિયાન મોદકના લાડુનું વેચાણ વધુ પ્રમાણમાં થતું હોય અમુક વેપારીઓ દ્વારા મોદકમાં પ્રતિબંધિત કલર, કૃત્રિમ ગળપણ, ચણાના લોટના બદલે ઘઉંનો લોટ, ચણાનો લોટ કે ચોખાના લોટની ભેળસેળ, ઘીની જગ્યાએ તેલ કે વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોવાની શંકાએ આજે અજય કુમાર મોરીયાને ત્યાંથી મોતીચુરના લાડુ, શ્રી ક્રિષ્ના ડેરીફાર્મમાંથી મોદકના લાડુ, જય ગણેશ ગૃહ ઉધોગમાંથી લુસ મોતીચુરના લાડુ, શ્રી ગૃહ ઉધોગમાંથી લુઝ મોતીચુરના લાડુ, રાધે ડેરીમાંથી લુઝ શુદ્ધ ઘીના રવાના લાડુ, જય ખોડિયાર ગૃહ ઉધોગ અને ખાતેશ્ર્વર સ્વીટમાંથી લુઝ મોતીચુરના લાડુ પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.