‘ગેરકાયદેસર’ સંબંધનો ખોટો આરોપ ક્રૂરતા સમાન !!
પત્ની દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને નિર્દયી ગણાવી હાઇકોર્ટે છૂટાછેડા મંજુર કર્યા
પતિ-પત્નીના સંબંધ અને છૂટાછેડા અંગેની એક અરજી મામલે સુનવણી કરતા ગુજરાત હાઇકોર્ટએ એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, લગ્ન સંબંધમાં જયારે એક પાત્ર બીજા પાત્ર પર આડા સંબંધનો ખોટો આક્ષેપ નાખે તો તે ક્રૂરતા સમાન છે અને આ આક્ષેપ છૂટાછેડાનો આધાર બની શકે છે.
આ કેસમાં ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના એક શાળાના શિક્ષક દંપતીનો સમાવેશ થાય છે. તેઓએ 1993 માં લગ્ન કર્યા અને 2006 માં એક પુત્રનો જન્મ થયો હતો. પતિએ 2009 માં ગાંધીનગરમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. તેની પત્ની પર “ત્યાગ અને ક્રૂરતા” નો આરોપ મૂકતા પતિએ કહ્યું હતું કે, તેણીએ 2006માં તેનું ઘર છોડી દીધું હતું અને બાળકના જન્મ પછી તે પાછી ફરી નથી.
તેણે કહ્યું કે તેની પત્નીએ એફઆઈઆર નોંધાવી આરોપ લગાવ્યો છે કે તે એક સાથીદાર સાથે લગ્નેતર સંબંધ ધરાવે છે. પરંતુ તેને ફોજદારી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની પત્ની દ્વારા ઘરેલુ હિંસા કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલી ફરિયાદ પણ કોર્ટે ફગાવી દીધી હતી.
ફેમિલી કોર્ટે 2014માં પતિને છૂટાછેડા મંજૂર કર્યા હતા, જેના પગલે વિખૂટી પડી ગયેલી પત્નીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેણીએ આરોપ લગાવ્યો કે તે પતિએ તેણીને છોડી દીધી હતી, પરંતુ તેણે રજૂઆત કરી હતી કે તેઓ છેલ્લા 16 વર્ષથી અલગ રહેતા હતા.
પતિએ કહ્યું હતું કે તેણીએ તેનું ઘર જાતે જ છોડી દીધું અને જ્યારે તેણે છૂટાછેડા માટે અરજી કરી ત્યારે તે પરત ફરી હતી. પરંતુ તેણીએ પતિ સાથે અને તેની વૃદ્ધ માતા સાથે ગેરવર્તણૂક કરી હતી જેથી તેઓને તેમનું પૈતૃક ઘર છોડીને ગાંધીનગર શિફ્ટ થવાનું કહ્યું.
આ દરમિયાન પત્નીએ અવાર નવાર પતિને કોઈક સ્ત્રી સાથે આડા સંબંધ છે તેવો પણ આક્ષેપ કર્યો હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા હાઇકોર્ટે છૂટાછેડા મંજુર કર્યા હતા અને પતિ પર લગાવવામાં આવેલા આક્ષેપોને ક્રૂરતા સમાન ગણાવ્યા હતા.