યુવાધન લોકસંગીતથી અવગત થાય એવા હેતુથી સપ્તાહ ઉજવણી: વિદ્યાર્થીઓ પણ કલા પ્રસ્તુત કરે એવું ડો.અંબાદાન રોહડિયાનું આહવાન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વર્ણિમ સ્થાપના વર્ષ નિમિતે મેઘાણી કેન્દ્ર દ્વારા ‘લોકસંગીત સપ્તાહ’: લોકગાયક નીલેશ પંડયા અને સાથી કલાકારોએ વિદ્યાર્થીઓને લોકસંગીતથી કર્યા સંમોહિત
લોકસંગીત લોકજીવનનું આભલું છે, તે લોકશિક્ષણનું કાર્ય કરે છે. આપણું લોકસંગીત ગંગા-યમુનાનાં નીર જેવું પાવનકારી છે, પૂર્વજો તરફથી વારસામાં મળેલું લોકસંગીત આપણી સંસ્કારિતાને નિખારે છે એવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે ‘લોકસંગીત સપ્તાહ’ના ઉદ્ઘાટન અવસરે જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વર્ણિમ સ્થાપના વર્ષ નિમિતે ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના ઉપક્રમે યુનિવસિર્ટી કેમ્પસ તથા વિવિધ કોલેજોમાં લોકસંગીત સપ્તાહ ઉજવાયું. પ્રથમ કાર્યક્રમ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ માટે યોજાયો હતો. જયાં કુલપતિના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. આ તકે મેઘાણી કેન્દ્રના નિયામક ડો.અંબાદાન રોહડિયાએ કહ્યું કે, ડો.પ્રતાપસિંહજી ચૌહાણના માર્ગદર્શનમાં ગત વખતની જેમ આ વખતે પણ ‘લોક સંગીત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ આપણા અમૂલ્ય લોકસંગીત વારસાથી અવગત થાય, નવી પેઢી તેમાં રસ લેતી થાય એવા હેતુથી આ સપ્તાહ ઉજવાશે. વળી વિદ્યાર્થીઓ પણ સ્ટેજ પર આવીને પોતાની કલા પ્રસ્તુત કરે એવું આહવાન તેમણે કર્યું. ડો.રોહડિયાએ મેઘાણી કેન્દ્રની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો.
સુપ્રસિઘ્ધ લોકગાયક નીલેશ પંડયા, મિત્તલબેન પટેલ, દિપ્તીબેન બાલાસરા, મગન વાળા, મહેશ પરમાર, હિતેશ ગૌસ્વામી, હરેશ વ્યાસ, રવિ યાદવ, હર્ષદ ત્રિવેદી, અમરશી પરમાર વગેરે કલાકારોએ યુનિવર્સિટી કેમ્પસ તથા સદ્ગુ‚ મહિલા કોલેજ, ટી.એન.રાવ કોલેજ, જે.જે.કુંડલિયા બી.એડ.કોલેજમાં મધુરા લોકગીતો વા વાયા ને વાદળ ઉમટયા, વનમાં બોલે ઝીણા મોર, આભમાં ઝીણી ઝબુકે વીજળી, ઉભી ઉભી ઉગમણે દરબાર, આવડા મંદિરમાં હું તો, મેંદી લેશું મેંદી લેશું, જોડે રે’જો હો રાજ, છેલ હલકે ઈંઢોણી, હાં હાં રે કોયલડી, ઉપરાંત ઝવેરચંદ મેઘાણી રચિત શિવાજીનું હાલરડું, મન મોર બની થનગાટ કરે, કસુંબીનો રંગ સાથે સાથે ભજનો, દુહા-છંદ, લગ્નગીતોની ઝલક આપી અને લોકગીતો સમજાવીને રજુ કર્યાં.
દરેક કાર્યક્રમમાં યુવા ભાઈ-બહેનોની અનેક ફરમાઈશ ચિઠ્ઠીઓને પણ નીલેશ પંડયા અને સાથી કલાકારોએ ન્યાય આપ્યો. આવી ફરમાઈશોથી યુવાધને સાબિત કર્યું કે, તેમને પણ લોકસંગીત ખૂબ જ પ્રિય છે, જો કોઈ સમજાવીને, યોગ્ય સ્વ‚પે રજૂ કરે તો ! વળી દરેક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પણ સ્ટેજ પર આમંત્રણ આપી તેમને પોતાની કલા પ્રસ્તુત કરવાની તક અપાઈ હતી. તેમની રજુઆત બાદ કલાકારોએ તેમને માર્ગદર્શન આપ્યું હતું, એટલે વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમો મનોરંજન સાથે સેમિનાર જેવા બની રહ્યા. ગુજરાતી લોકસંગીતની ગુણવતા અને કલાકારોની સબળ રજુઆતથી દરેક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંમોહિત થયા હતા.