ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ટોળકી સક્રિય થઇ : પંજાબથી રેકેટ ઓપરેટ કરાતું’તું
અનેક રાજકારણીઓ સાથે નાણાંકીય છેતરપિંડી આચરનાર અને રાહુલ ગાંધીના પીએ હોવાનો ઢોંગ આચરનાર શખ્સની પંજાબથી ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ ચૂંટણીમાં ટીકીટ ઝંખતા રાજકારણીઓ પાસેથી યુક્તિ-પ્રયુક્તિથી નાણાંકીય છેતરપિંડી આચરતો હોવાનું સામે આવ્યું છે. વડોદરાની સાયબર સેલની ટીમે પંજાબથી આ શખ્સની ધરપકડ કરી છે.
પંજાબના રહેવાસી રજત કુમાર મદાન જેણે છેલ્લા ઘણા વર્ષોમાં આ મોડસ ઓપરેન્ડીથી દેશભરના ઘણા રાજકારણીઓને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા હતા તેની રવિવારે સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી છે.
મદાનને પંજાબથી ઝડપી લેવામાં આવ્યો છે. જ્યાં તે તેના સાથી ગૌરવ શર્મા સાથે રેકેટ ચલાવતો હતો. પોલીસે કહ્યું છે કે, આ બંનેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અંગત મદદનીશ તરીકેની ઓળખ આપીને એક જ પક્ષના ઘણા રાજકારણીઓને છેતર્યા છે.
સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું છે કે, તેઓ વર્ષોથી આ પ્રકારનું રેકેટ ચલાવી રહ્યા છે. જ્યારે પણ કોઈપણ રાજ્યની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય છે, ત્યારે આ ગેંગ સક્રિય થઈ જાય છે અને સંભવિત ઉમેદવારો અને વર્તમાન ધારાસભ્યો વિશે માહિતી એકત્ર કરવાનું શરૂ કરે છે. ત્યારબાદ તેઓ ચૂંટણી ટિકિટ પર નજર રાખનારાઓને કોલ કરવાનું શરૂ કરે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ આઆ ટોળકી સક્રિય થઈ ગઈ અને રાહુલ ગાંધીના પીએ તરીકેની ઓળખ આપી ટિકિટ ઈચ્છુકોને ફોન કરવાનું શરૂ કર્યું. તેણે પહેલા ઉમેદવારો સાથે રાજકારણ પર ચર્ચા કરી અને પછી પાર્ટીના ચૂંટણી નિરીક્ષકોના રોકાણ માટે નાણાંની માંગણી કરી. જે રાજકારણીઓને ફોન કરવામાં આવ્યા હતા તે પૈકી એક આગેવાને થોડા દિવસ પહેલા શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ અને વર્તમાન કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવને કરેલા ઈન્ટરનેટ કોલના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આ કોલ્સ પોલીસને પંજાબ તરફ લઈ ગયા અને તેઓ મદાનને શોધવામાં સફળ થયા.
મદાન ત્યાં આવા જ ગુનામાં ધરપકડ થયા પછી જેલમાંથી બહાર આવ્યો હતો. તેણે અને શર્માએ જુદા જુદા રાજ્યોમાં રાજકારણીઓ સાથે છેતરપિંડી કરી રહ્યાનું જણાવ્યું છે. માંકડિયાએ જણાવ્યું હતું કે, તેઓએ બિહાર અને પંજાબમાં પણ સમાન ગુના કર્યા છે.
એકવાર શર્માની ધરપકડ કરી લઈએ તે પછી માહિતી સ્પષ્ટ થશે કે તેઓ કેવી રીતે ટિકિટ ઈચ્છુકો વિશે આટલી બધી માહિતી મેળવતા હતા તેવું એસીપીએ જણાવ્યું છે.