વેપારી સાથે 1.35 કરોડની ઠગાઇ આચરનાર નાઇજીરીયન શખ્સો સામે સીટી બી ડિવિઝન પોલીસે વધુ એક ફરિયાદ નોંધી છે. આઠ-દસ વર્ષથી ભારતમાં રહેતા મહિલા સહિતના ત્રણેય શખ્સોનો પાસપોર્ટ કર્ણાટક રાજય પોલીસમાં જમા હોવા છતા વગર પાસપોર્ટે ખોટા આધાર-પુરાવાઓ ઉભા કરી, બનાવટી પાસપોર્ટ સાથે રાખી છેતરપીંડી આચરતા હોવાનું સામે આવ્યું છે.
કોરોના કાળમાં દવાનો આંતરરાષ્ટ્રીય વેપાર કરાવી દેવાના બહાને અને મોટો નફો મળશે તેવી લાલચ આપી શહેરના એક વેપારીને રૂ.1.35 કરોડના સીસામાં ઉતારનાર નાઇજીરીયન ચીટર ટોળકીને જામનગર પોલીસે મુંબઇથી પકડી પાડી છે. આ ચીટર ટોળકીના રિમાન્ડ દરમ્યાન નકલી પાસપોર્ટના આધારે ભારતમાં રહેતા હોવાની બાબતનો ઘટસ્ફોટ થયો હતો.
જેને લઇને સીટી બી ડિવિઝનના પી.આઇ જે.કે.ભોયે ખુદ ફરિયાદી બની ઓનીયે ઝીલીગબો હેપ્રોચી એ ઉર્ફે ચિમા ઉર્ફે એનથોની ઉર્ફે કોંઝા રહે,નિલજે ગાવ ડોંબીવલી ઓકોનકવો પરપેચ્યુઅલ ગીફટ ઉર્ફે માઇકલ ગીફટ ઉર્ફે સોફીયા કેનેડી ઉ.વ.-37 રહે. તથા ઇસેલે નાઇઝીરીયા નામના શખ્સો સામે આઇપીસી કલમ 468, 471, 114 તથા ફોરેનર્સ એકટ કલમ 14એ(બી), 14બી મુજબ ફરિયાદ નોંધી છે.
જેમાં આ ત્રણેય શખ્સોએ છેલ્લા આઠથી દસ વર્ષના ગાળા દરમ્યાન નકલી પાસપોર્ટ બનાવી ભારતના જુદા-જુદા વિસ્તારોમાં રહ્યા હોવાનો આરોપ લગાવાયો છે. આ ત્રણેય શખ્સોના અસલ નાઇજીરીયન સરકાર દ્વારા આપવામાં આવેલ પાસપોર્ટ નવી મુંબઇ બેલાપુર કમિશ્ર્નર કચેરી ખાતે તથા કર્ણાટક રાજયના પોલીસ સ્ટેશનમાં જમા થયેલા છે. તેમ છતા ભારતમાં પાસપોર્ટ વગર રહેવા માટે ખોટા આધારો રજૂ કરી ભારતીય આમ જનતાને વિશ્ર્વાસમાં લઇ, તેમની સાથે છેતરપીંડી કરવા સામે બનાવટી પાસપોર્ટ સાથે રાખી, ખોટા વિઝાઓ દર્શાવી આ જ પાસપોર્ટને ખરા તરીકે રજૂ કરતા જામનગર પોલીસે કાર્યવાહી કરી હતી.