રાઇડસ માટે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ રિપોર્ટ, ફાઉન્ડેશન, ફિટનેસ સર્ટિ સહિતના નવા નિયયો મેળાને રાઈડ વિહોણો કરી નાખશે : રાઈડ જ નહિ હોય તો સૌરાષ્ટ્રના મેળાઓ ફિક્કા પડી જશે
ગેમઝોનની દુર્ઘટના બાદ તંત્રએ જડ નિયમો બનાવ્યા, સુરક્ષા માટે તકેદારી સારી પણ જડતાની સાથે થોડું પ્રેક્ટિકલ બનવું પણ ખૂબ જરૂરી : રાજ્ય સરકાર હવે આ મામલે હસ્તગત નહિ કરે તો ઉત્સવપ્રેમી લોકોની જન્માષ્ટમી બગડશે
લોકમેળોએ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિ સાથે વણાયેલો છે. દર વર્ષે જન્માષ્ટમી સહિતના અલગ અલગ પ્રસંગોએ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકમેળાઓ યોજાઈ છે. પણ હવે ફજર ફારકાના ’ફતવા’ ભાતીગળ લોકમેળાને ’જાખપ’ આપી દયે તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે હવે રાજ્ય સરકાર આ પ્રશ્ને કઈક વચ્ચેનો રસ્તો લઈ આવે તે જરૂરી બન્યું છે.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પગલે આ વખતે રાજ્ય સરકાર દ્વારા એમ્યુઝમેન્ટ પાર્કના વેપારીઓ માટે એસઓપી જાહેર કરવામાં આવી છે. જેમાં રાઇડસ સંચાલકો માટે રાઇડસ માટે એનડિટી (નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ) રિપોર્ટ, ફાઉન્ડેશન, ફિટનેસ સર્ટિના નવા નિયમ બનાવવામાં આવ્યા છે, જે નિયમ લોકમેળાના રાઈડ સંચાલકોને પરવડે તેમ નથી. સંચાલકો આ નિયમો પાળવાને બદલે મેળામાં ભાગ ન લેવાનું પસંદ કરી રહ્યા છે.
રાજકોટમાં આગામી 24થી 28મી ઓગસ્ટ દરમિયાન યોજાનારા જન્માષ્ટમીના લોકમેળામાં લાગુ કરવામાં આવતા રાઇડસ ધારકો શરૂઆતથી વિરોધ કરી રહ્યા છે. યાંત્રિક રાઈડસ માટે થયેલી
રાજ્ય સરકાર છૂટછાટ આપે તો જ અમે મેળો કરી શકીએ : રાઈડ સંચાલકો
રાઈડ સંચાલક ઝાકીર બ્લોચ જણાવે છે કે, અમારી જે માંગણીઓ હતી તેનું કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. જેથી અમે હરાજીમાં ભાગ લેતા નથી. અમારા ત્રણ પ્રશ્નો હતા. જેમાં, જમીનની ક્ષમતાનો રિપોર્ટ, એનડીટી રિપોર્ટ અને રાઈટ્સ માટેનું સ્ટ્રક્ચર એટલે કે ફાઉન્ડેશન ભરવાના નિયમનો વિરોધ છે. આ પ્રકારના નિયમો પાલન કરવા માટે ત્રણથી છ માસનો સમય આપવાની જરૂર છે. થોડું રાજ્ય સરકાર બાંધછોડ કરે અને થોડું અમે બાંધછોડ કરીએ કારણ કે, રાજકોટના લોકમેળા સાથે અમારી માંગણીઓ જોડાયેલી છે. આ લોકમેળામાં અમે 35 વર્ષથી ભાગ લઈએ છીએ.
ચકડોળ સહિતની રાઈડ્સ વિના મેળો નીરસ રહેશે
રાજકોટના લોકમેળામાં મુખ્ય આકર્ષણ ચકડોળ સહિતની રાઈડસ હોય છે. મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના, હરણી બોટકાંડ, કાંકરિયા કાંડ જેવી દુર્ઘટનાઓ બનેલી છે. જેના લીધે સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા રાઈડ્સ માટે જે એસઓપી બનાવવામાં આવી છે. તે જટિલ છે. આ એસઓપીનું પાલન કરવું રાઈડ્સ સંચાલકો માટે શક્ય નથી. જો નિયમોમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે તો અમે મેળામાં રાઈડસ મૂકી શકીશું નહીં.તેવું રાઈડ્સ સંચાલકો જણાવી રહ્યા છે.
પાંચ દિવસ રાઈડ્સ ચલાવવા ફાઉન્ડેશન કેમ કરવું ?
સરકારની રાઈડ્સની નવી એસઓપી મુજબ રાઈડ્સ મુકવા માટે ફરજીયાત ફાઉન્ડેશન કરવું પડે તેમ છે. પણ રાઈડ્સ સંચાલકો કહે છે કે પાંચ દિવસના મેળા માટે અમે ફાઉન્ડેશન કેમ કરી શકીએ ? ફાઉન્ડેશન માટે એક મકાનની છત ભરીએ તેટલો ખર્ચ આવે છે. ઉપરાંત જો બધી રાઈડ્સ માટે ફાઉન્ડેશન કરવામાં આવે તો રેસકોર્સનું મેદાન કોંક્રીટનું થઈ જાય. મેદાનની દશા પણ બગડી જાય. આ નિયમ જો કાયમી રાઈડ્સ રાખવી હોય તો લાગુ કરવામાં આવે તો વાંધો નથી. પણ માત્ર પાંચ દિવસ માટે આવો જટિલ નિયમ પરવડે તેમ નથી.
જો રાઈડ્સ નહિ હોય તો મેળામાં ભીડ પણ ઘટી જશે
સૌરાષ્ટ્રના મેળાઓમાં અમુક પબ્લિક એવું છે જે રાઈડ્સની મજા માણવા માટે જ આવતું હોય છે. પણ જો જન્માષ્ટમીના મેળામાં રાઈડ્સ જ રાખવામાં નહિ આવે તો મેળાઓમાં ભીડ પણ ઘટી જશે. કારણકે મેળામાં મુખ્ય આકર્ષણ જ રાઈડ્સનું હોય છે. તેવામાં જો રાઈડ્સની જ મજા માણી શકાશે નહીં તો અનેક લોકો મેળાના આવવાની તસ્દી જ નહીં લ્યે.