હેલ્થ સપ્લીમેટરી તરીકે ઉપયોગમાં લેવાતી કોપેટરી-પ્લસ નામની કેપ્સુલમાં
કલરનો વધુ ઉપયોગ થતો હોય કલેકટર તંત્રે હાથ ધરી કડક કાર્યવાહી
હેલ્થ સપ્લીમેટરી તરીકે ઉપયોગમાં લેવાતી શક્તિ વર્ધક કેપ્સુલનો નમૂનો ફેઈલ જતાં કલેકટર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તંત્ર દ્વારા કેરેલા સ્થિત કંપની અને તેના ડિસ્ટ્રીબ્યુટર અને વિક્રેતાને રૂ.૨.૫૫ લાખનો દંડ ફટકારી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હેલ્થ સપ્લીમેટરી તરીકે કોપેટરી-પ્લસ નામની એક કેપ્સુલ ઉપયોગમાં લેવાય છે જે શક્તિ વધારવામાં મદદરૂપ હોય છે. આ કેપ્સુલનું ઉત્પાદન કેરેલા ખાતે કરવામાં આવે છે. કેપ્સુલમાં કલરનો ઉપયોગ વધુ થતો હોય તેવી ફરિયાદ મળતા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગે આ કેપ્સુલનું સેમ્પલ લઈ જેમાં હકીકતનો કલરનો ઉપયોગ વધુ થતો હોવાનું સામે આવ્યું હતું. જેથી કલેકટર તંત્રએ કેરેલાની કંપનીને રૂ.૧.૨૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત સોહમ મેડિકલ એજન્સી કે જે ગોંડલ ખાતે સ્થિત છે અને આ કેપ્સુલના વિક્રેતા છે તેને રૂ.૩૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે બોમ્બે સ્થિત કોર્પ નામના ડિલરને રૂ.૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ તંત્ર દ્વારા કુલ ૨.૫૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.