મુળ મઘ્યપ્રદેશની આ મહીલા ૧૯ ઓગષ્ટે હોસ્પિટલમાં દાખલ થઇ હતી અને ર૪ ઓગષ્ટે બાળકી ત્યજી ફરાર થઇ ગઇ
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલી સીવીલ હોસ્પિટલમાં એક મહીલા તેની નવજાત બાળકીને હોસ્પિટલમાં ત્યજી ફરાર થઇ ગઇ છે. ઘટનાની વિગત એવી છે કે પ્રસુતિ માટે દાખલ થયેલી મહીલા પ્રસુતિ બાદ તેની બાળકીને ત્યજી ગઇ છે જેના કારણે હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ છે.
ફિલહાલ આ નવજાત બાળકીને સીવીલ હોસ્ટિપલના આઇસીયુમાં દાખલ કરવામાં આવી છે. અને હોસ્પિટલનો સ્ટાફ બાળકીની સારસંભાળ લઇ રહ્યો છે. અને ફરાર થઇ ગયેલી માતાને શોધવાની પણ કાર્યવાહી થઇ રહી છે. મળતી માહીતી મુજબ ૧૯ ઓગષ્ટે મુળ મઘ્યપ્રદેશની રહેનાર સોમવતી બલરામ જેઠવા નામની આ મહીલા તેની નવજાત બાળકીને ત્યજીને ર૪ ઓગષ્ટે ફરાર થઇ ગઇ છે. ત્યારથી જ હોસ્પિટલનો સ્ટાફ ફરાર માતાને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે.
જો કે તેનો હજુ સુધી કોઇ પત્તો ન લાગતા હોસ્ટિપલ સ્ટાફે બાળકીને આસીયુમાં દાખલ કરી દીધી છે. હોસ્પિટલમાં દાખલ થતા સમયે મહીલાએ જે મોબાઇલ નંબર આપ્યો હતો તે પણ ખોટો છે. જેને લઇ હોસ્પિટલનો સ્ટાફ પરેશાન છે. આ સમગ્ર ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરવામાં આવી છે અને પોલીસે ફરાર માતાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.