રાજકોટ
એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં હામીરભાઈ કાનાભાઈ ચૌહાણ નામના એક દર્દી ઈમરજન્સીમાં કાર્ડિયોરેસ્પિટરી અરેસ્ટ સાથે દાખલ થયેલ હતા. હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો.ધર્મેશ સોલંકી તથા ડો.જયદિપ દેસાઈએ તેમને તપાસેલ હતા. દર્દીના હૃદયનું પમ્પીંગ ઓછુ હતું. બી.પી.ઓછુ હતુ તથા કિડની પર સોજો હતો. દર્દીને વેન્ટીલેટર સપોર્ટ સાથે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા. દર્દીને ફલેઈલ ચેસ્ટને લીધે વેન્ટીલેટર બંધ કરવું શકય ન હતું પરંતુ દર્દીની પાંચ પાંસળીમાં ફેકચર હોવાના કારણે ફેફસા વેન્ટીલેટરને સપોર્ટ કરતા ન હતા. આ માટે હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ડો.ધરમ ચંદ્રાણી અને કાર્ડિયાક સર્જન ડો.ચિરંતન માંગુકીયાને આ માટે રીફર કરવામાં આવ્યા.
સામાન્ય રીતે પાંસળીનું ફેકચર નાબુદ કરવુ ખુબ જ મુશ્કેલ હોય છે અને આ ખુબ જ જુજ કેસમાં જોવા મળે છે પરંતુ આ ક્ષેત્રના વરિષ્ઠ અને ખુબ જ અનુભવી ઓર્થોપેડીક સર્જન ડો.ધરમ ચંદ્રાણીએ ત્રણ પાંસળીમાં પ્લેટ મુકી પાંસળીને કાર્યરત કરી પાંસળીનું ફેકચર નાબુદ કરેલ હતું. જેના કારણે ફેફસા પરનું દબાણ દૂર થતા ફેફસા સ્વતંત્ર રીતે કામ કરતા થયેલ. ફેફસા ખોલવામાં હોસ્પિટલના કાર્ડિયાક સર્જન ડો.ચિરંતન માંગુકીયા પણ સાથે રહ્યા હતા. આથી દર્દીના ફેકચર વાળી પાંસળીમાં પ્લેટ મુકવાથી ફેફસા સ્વતંત્ર રીતે કામ કરવા લાગતા દર્દીનું વેન્ટીલેટર પણ હટાવી લેવામાં આવેલ હતું.
ડો.ચંદ્રાણીના જણાવ્યા મુજબ આ અત્યંત જોખમી ઓપરેશનમાં દર્દીનું ટેબલ પર જ મૃત્યુ થવાનું જોખમ રહેલું હતું. સર્જરીના બધા જ જોખમ તથા ગંભીરતા વિશે દર્દીના સગા-સંબંધીઓને માહિતગાર કરવામાં આવેલ હતા. આ પ્રકારની જોખમી અને ગંભીર સર્જરી કરવા માટે દર્દીના પરીવારજનોએ સંમતિ આપતા ડો.ધરમ ચંદ્રાણી અને ડો.ચિરંતન માંગુકીયા દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને ફેફસા સ્વતંત્ર રીતે કામ કરવા લાગતા ચોથા દિવસે વેન્ટીલેટર સપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યો. દર્દીની જિંદગી બચી ગઈ અને દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.