પતિની યાદ શક્તિની બીમારીથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું: બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
શહેરના સ્વાતિ પાર્ક વિસ્તારમાં આવેલા માટેલ પાર્કમાં રહેતા કારખાનેદારની પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. બે દિવસ પહેલા દવા પી લેતા સારવારમાં પરિણીતાનું મોત નિપજ્યું હતું. પતિની યાદ શક્તિની બીમારીથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સ્વાતિપાર્ક પાસે આવેલા માટેલ પાર્ક શેરી-૩માં રહેતા કારખાનેદાર સંજયભાઈ હરસોડાની ૪૦ વર્ષીય પત્ની નિશાબેન હરસોડાએ ગત તા.૨જી જાન્યુઆરીના રોજ પોતાના ઘરે ઘઉમા નાખવાના ટીકડા પી લેતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ છે.
આ ઘટના અંગે આજીડેમ પોલીસ મથકને જાણ થતાં એ.એસ.આઇ. વી.બી.સુખાનંદી અને હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ધરજિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં પરિતીનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી હતી.
જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક નિશાબેનના પતી સંજયભાઇએ લોઠડામાં હાર્ડવેરનું કારખાનું ધરાવે છે. ભૂતકાળમાં સંજયભાઈને એક અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા થઈ હતી. જેથી તેઓને યાદ શક્તિની બીમારી રહેતી હતી. જેથી પતિની બીમારીથી કંટાળી પત્નીએ આપઘાત કરી લેતા બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.