માનસરોવર વિસ્તાર પાસે બીમારીથી કંટાળી નવોઢાએ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં કલ્પાંત
શહેરમાં જુદા જુદા બે સ્થળોએ આપઘાતના બનાવ સામે આવ્યા છે. જેમાં રૈયાધાર પાસે રહેતા કારખાનેદાર ના પુત્રએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તો બીજા બનાવમાં માનસરોવર વિસ્તારમાં નવોઢાએ બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે બંને ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રૈયાધાર સ્લમ પ્લોટ -355માં રહેતા અને દાંડિયા બનાવવાનું કારખાનું ધરાવતા ધર્મેન્દ્રભાઈ રાઠોડના 20 વર્ષીય પુત્ર જય રાઠોડે ગત રાત્રીના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક જય રાઠોડ તેના પિતા સાથે કારખાનામાં મદદ કરવતો હતો. ગત રાત્રીના પરિવારજનો જમીને છૂટા પડ્યા બાદ યુવાને આપઘાત ગળાફાંસો ખાઇ લીધો હતો. પાણી લેવા નીચે ઉતરેલા પિતાએ પોતાના વ્હાલસોયા પુત્રને લટકતી હાલતમાં જોતા બેશુદ્ધ થઈ ગયા હતા. પોલીસે મૃતક પાસેથી સૂસાઇડનોટ પણ મેળવી હતી. જેમાં યુવાને પોતાનાથી સહન ન થતાં આપઘાત કર્યાનું લખ્યું હતું.
તો અન્ય બનાવમાં માનસરોવર મેઇન રોડ પાસે શેરી -1માં રહેતા સોનમ જલંધર યાદવ નામની 20 વર્ષીય નવોઢાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સોનમ અને જલંધરના નવ માસ પહેલા જ લગ્ન થયા હતા. નવોઢા બીમારીના કારણે કંટાળી ગઈ હોય જેથી આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.