ગીયર અને એકસેલ નબળી ગુણવતાના ધાબડી કૌભાંડ આચર્યું: એલસીબીને તપાસ સોંપાઈ
શહેરના સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ પાસે રહેતા અને ગોંડલ નજીકના ભુણાવા ખાતે સાનિધ્ય ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ભગીરથ ઈક્વિપમેન્ટ નામની ફેકટરી સાથે મેટોડાના બે કારખાનેદારે નબળી ગુણવત્તાનો ગીયર અને એકસેલ સહિતનો માલ ધાબડી રૂ.૩ કરોડની છેતરપિંડી કર્યાની ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ એલસીબીને તપાસ સોંપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ પાસે શ્યામલ વિહાર સોસાયટી બંગલા નં.૫માં રહેતા અને ગોંડલ તાલુકાના ભુણાવા ગામે સાનિધ્ય ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ભગીરથ ઈક્વિપમેન્ટ નામની ફેકટરી ધરાવતા યોગેશભાઈ હરીભાઈ ગજ્જરે ગોંડલ તાલુકાના ડાળીયા ગામે રહેતા અને મેટોડા જીઆઈડીસીમાં ફેકટરી ધરાવતા મુકેશ પંચાસરા અને મહેન્દ્ર પંચાસરા સામે ૩ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
યોગેશભાઈ ગજ્જરે પોતાની ફેકટરી માટે મેટોડામાં ફેકટરી ધરાવતા મુકેશ પંચાસરા અને મહેન્દ્ર પંચાસરા પાસેથી ચાર વર્ષ પહેલા ગીયર અને એકસેલના સ્પાર્ટસ ખરીદવાનું નકકી કર્યું હતું. બન્ને શખ્સોએ પૂર્વયોજીત કાવતરુ રચી નબળી ગુણવત્તાના ગીયર અને એકસેલ હોવા છતાં વધુ ભાવના બીલ બનાવી છેતરપિંડી કર્યાનું તેમજ બન્ને શખ્સો પાસેથી ખરીદ કરેલા ગીયર અને એકસેલ સાથે મશીન બનાવતા ૧૫ જેટલા મશીનમાં ફોલ્ટ આવતા મોટુ નુકશાન થયાનું ફરિયાદમાં જણાવાયું છે. જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ તપાસ એલસીબીને સોંપતા પીઆઈ એમ.એન.રાણાએ તપાસ હાથ ધરી છે.