સ્પોર્ટસ કોમ્પલેક્ષના પ્લાનિંગની બ્લુ પ્રિન્ટ તૈયાર: સ્કેટીંગ રીંગ, શુટિંગ રેન્જ, આર્ચરી પોઈન્ટ, બેડ્મીન્ટન, ટેબલ ટેનિસ, બાસ્કેટ બોલ, વોલીબોલ સહિતની 11 ગેમનો સમાવેશ કરાયો, ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિધ્ધ કરાશે: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલની જાહેરાત
ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ માટે બજેટમાં રૂા.6 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. મેયર ડો.પ્રદિપ ડવના મત વિસ્તાર એવા વોર્ડ નં.12માં મવડીમાં પ્રગ્ટેશ્ર્વર મહાદેવ મંદિર રોડ નજીક રામધણ ગૌશાળા પાસે અત્યાધુનિક સુવિધાથી સજ્જ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે તેવી જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું કે, શહેરમાં હાલ રેસકોર્સ સંકુલમાં ઈન્ડોર સ્ટેડિંયમ છે. જેમાં અલગ અલગ રમતો રમાઈ રહી છે. બજેટમાં ન્યુ રાજકોટમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંગે વોર્ડ નં.12ના મવડી વિસ્તારમાં પ્રગટેશ્ર્વર મંદિરવાળા રોડ પર રામધણ ગૌશાળા નજીક સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં 10,000 ચો.મી.ના વિશાળ પ્લોટમાં આશરે 7500 ચો.મી. એરીયામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ આકાર લેશે.
જેમાં અંદાજે 60,000 ચો.મી.નું બાંધકામ કરવામાં આવશે જેના માટે 9 થી 10 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં વિશાળ પાર્કિંગ અને 1500 લોકો એકી સાથે બેસી વિવિધ રમતોનો આનંદ ઉઠાવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે જેમાં વિવિધ 11 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈન્ડોર ગેમમાં બેડમીન્ટન, ટેબલ ટેનિશ, સ્કવોશ, મેઈલ અને ફીમેલ માટે શુટિંગ રેન્જ, આર્જરી પોઈન્ટ જ્યારે આઉટ ડોર ગેમમાં બાસ્કેટ બોલ, ટેનીશ, વોલીબોલ અને સ્કેટીંગ રીંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષના પ્લાનીંગની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી દેવામાં આવી છે.
ટૂંક સમયમાં એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે. સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, હાલ રેસકોર્સ સંકુલ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમમાં 722.50 ચો.મી. વિસ્તારમાં પ્લેકોર્ટ એરીયા છે જેની સામે મવડીમાં બનનારા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં 1800 સ્કવેર મીટરમાં પ્લેઈંગ એરીયા બનાવવામાં આવશે. ઈન્ડોર સ્ટેડિયમમાં સ્પેસ એરીયા સવા બે મીટરનો છે જ્યારે અહીં 6.25 મીટરનો સ્પેઈસ એરીયા હશે. રાજ્યનું આ પ્રથમ એવું સ્પોર્ટસ કોમ્પલેક્ષ હશે જેમાં સ્પેટીંગ રીંગ અને આર્ચરી પોઈન્ટ સહિત અલગ અલગ 11 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હોય.