આરોગ્ય કેન્દ્રો પર નિ:શુલ્ક કરાવી શકાશે ઈસીજી ટેસ્ટ
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હૃદય રોગના હુમલાના કિસ્સામાં વધારો થયો છે જે ચિંતાજનક બાબત છે. આ બાબતની ગંભીરતા દાખવી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના 23 આરોગ્ય કેન્દ્રમાં ઈસીજી મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. આરોગ્ય કેન્દ્રોમાં પ્રાથમિક તપાસ અને નિદાન કરવા માટે સાધનો વસાવવા માટે રૂ.2 કરોડના ખર્ચે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યાં હતાં. શહેરની અલગ અલગ વિસ્તારોમાં આવેલાં કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં હવે શહેરીજનો બી.પી. અને ઈસીજી સહીતના 25 રિપોર્ટ નિ:શુલ્ક કરાવી શકશે. હૃદય રોગના હુમલામાં સમયસર સારવાર થાય તે માટે શહેરના આરોગ્યકેન્દ્રમાં ઈસીજી મશીન મૂકવામાં આવ્યાં છે.
23 આરોગ્ય કેન્દ્રમાં ઈસીજી મશીન મુકાતા કોઈ વ્યક્તિને હાર્ટ એટેક અથવા તો છાતીમાં દુ:ખાવાની પીડાં થશે તો માત્ર પાંચ મિનીટમાં આરોગ્ય કેન્દ્ર પર પહોંચી શકાશે અને સારવાર થઈ શકશે.સૌથી મહત્વની વાત છે કે આ ટેસ્ટ સંપૂર્ણપણે વિનામુલ્યે કરવામાં આવે છે. તેથી ગરીબ અને મધ્યમ વર્ગ કે જેને આવી ઈમર્જન્સીમાં સિવિલ હોસ્પિટલ પહોચવામાં સમય લાગી શકે છે હવે તેને બદલે નજીકના જ આરોગ્ય કેન્દ્રમાં જઈને નિદાન કરાવી શકશે. આ રીતે અનેક લોકોના જીવ સમયસર નિદાનને કારણે બચાવી શકાશે.
રાજકોટ શહેરી આરોગ્ય કેન્દ્રના અધિકારી જયેશ વકાણીએ જણાવ્યુ કે રાજકોટ મનપા હેઠળના તમામ આરોગ્ય કેન્દ્રો પર ઈસીજી મશીન ઉપલબ્ધ કરવવામાં આવ્યાં છે. ગુજરાત સહિત રાજકોટ શહેરમાં પણ હુમલા ની સંખ્યા વધી રહી છે. અને છેલ્લા થોડા સમયમા ચાર જેટલા સ્પોર્ટ સાથે સંકળાયેલા 30 થી 40 વર્ષના વ્યકિતએ હૃદયરોગના હુમલાને કારણે જીવ ગુમાવ્યો છે. આ બાબતની ગંભીરતા લઈને રાજકોટ મહાનગરપાલિકાના 23 આરોગ્યકેન્દ્ર ખાતે હુમલાના કીસ્સામાં તુરંત સારવાર મળી રહે તે માટે ઈસીજી મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ રીપોર્ટ વિનામૂલ્યે કરવામાં આવે છે. જે લોકોને લાંબા સમયથી કોઈ બીમારી હોય અને સાથે છાતિના ભાગમાં દુખાવો થાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને પોતાના હૃદયની પટ્ટી એટલે કે કાર્ડિયોગ્રામ કઢાવી શકશે.