કસ્ટમ્સના ‘સેટીંગ’ ઉપર હવે પૂર્ણ વિરામ!!!
દેશમાં સીબીઆઈસી દ્વારા ૧૧ રાષ્ટ્રીય એસેસમેન્ટ સેન્ટર બનાવવામાં આવશે: અલગ અલગ કસ્ટમ્સ સ્ટેશન અથવા પોર્ટમાં આયાતી માલની એન્ટ્રી મુદ્દે એક જ સ્થળે એસેસમેન્ટ થશે
દેશમાં અલગ-અલગ પોર્ટ અને કસ્ટમ સેન્ટર ઉપર આયાતી માલની આકારણી થતી હોય છે. અલબત, કસ્ટમના કેટલાક કર્મચારીઓના ‘સેટિંગ’ હોવાના કારણે આકારણીમાં ગોલમાલ જોવા મળે છે. જેનાથી દેશને આર્થિક મોરચે કેટલુક નુકસાન પણ થતું હોય છે. આવી સ્થિતિમાં સરકારે વચલો રસ્તો શોધી કાઢયો છે. જે મુજબ આગામી ૩૧મી ઓક્ટોબરથી આયાતી માલ ઉપર દેશભરમાં ફેશલેસ એસેસ્મેન્ટ કરવામાં આવશે. એકંદરે અલગ-અલગ પોર્ટના સ્થાને એક જ જગ્યાએથી એસેસ્મેન્ટ થવાથી કસ્ટમના કેટલાક સેટીંગ વિખરાય જશે તેવી અપેક્ષા છે.
દેશમાં ૩૧ ઓક્ટોબરથી ફેશલેસ એસેસમેન્ટ અમલમાં આવશે. પ્રારંભિક તબક્કે ચેન્નાઇ અને બેંગ્લુરુમાં ફેશલેસ એસેસ્મેન્ટ કરવામાં આવતું હતું. હવે વ્યાપ વધારવામાં આવશે. દેશભરમાં પોર્ટ ઉપર ઠલવાતા આયાતી માલનું ફેશલેસ એસેસ્મેન્ટ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ દ્વારા કરવામાં આવશે. આ પદ્ધતિ તાજેતરમાં ‘તુરંત’ કસ્ટમ યોજના હેઠળ અમલમાં મુકાશે. જેમાં અત્યાધુનિક ટેકનોલોજી સાથે નિષ્ણાંત પ્રોફેશનલની પણ મદદ લેવામાં આવશે. ડિજિટલ પદ્ધતિ હોવાના કારણે કોઇ ગોલમાલ થઇ શકશે નહીં.
નોંધનીય છે કે ઇન્કમટેક્ષ દ્વારા પણ ફેશલેસ પદ્ધતિનો ભરપૂર ઉપયોગ કરવામાં આવનાર છે. આ સેક્ટરમાં તો ૨૫ સપ્ટેમ્બરથી ફેશલેસ એસેસ્મેન્ટ શરૂ થવા જઇ રહ્યું છે. ઇન્કમટેક્ષ ક્ષેત્રમાં ફેશલેસ પદ્ધતિના કારણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ મળશે. ઉપરાંત ભ્રષ્ટાચાર પણ ઘટશે. કરચોરીના પ્રમાણમાં પણ કડાકો બોલશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. આવી જ રીતે આયાતી વસ્તુઓમાં પણ દેશભરમાં ફેશલેસ એસેસ્મેન્ટ થવાના કારણે ફાયદો થશે તેવી અપેક્ષા છે.
વર્તમાન સમયે સીબીઆઇસી દ્વારા દેશમાં ૧૧ નેશનલ એસેસ્મેન્ટ સેન્ટર ઉભા કરવાની તૈયારી થઇ છે. જે અંતર્ગત આકારણી માટેના અધિકારીને જે-તે કસ્ટમ સ્ટેશન અથવા પોર્ટમાં ઓટોમેટિક એસેસ્મેન્ટ માટેની સત્તા આપવામાં આવશે. આ પદ્ધતિ અંતર્ગત આયાતકાર કે કસ્ટમ ઓથોરિટી સાથે સંપર્ક કર્યા વગર જ ડિજિટલ એસેસ્મેન્ટ થશે.
નોંધનીય છે કે, દેશમાં આયાતી વસ્તુઓના બિલ અને કાયદેસરતા મુદ્દે કસ્ટમ વિભાગના કેટલાક કર્મચારીઓ સેટીંગ કરતા હોવાના આક્ષેપો અવાર નવાર સામે આવતા હોય છે. કસ્ટમના થતી ગોલમાલ ખૂબ મોટી છે. આ ઉપરાંત દેશની સુરક્ષા બાબતે આવા કૌભાંડ ખતરો બની જાય છે. જેથી પાન ઇન્ડિયા એટલે કે આખા દેશમાં ફેશલેસ એસેસ્મેન્ટના માધ્યમથી આયાતી વસ્તુઓ ઉપર બાઝ નજર રાખવામાં આવશે. જેનાથી ૩૧ ઓક્ટોબર બાદ કસ્ટમના સેટીંગ ઉપર પૂર્ણવિરામ મુકાઇ જશે. ફેશલેસ પદ્ધતિ આવકવેરા વિભાગની જેમ હવે કસ્ટમમાં પણ ફળશે તેવો આશાવાદ સરકારને છે. દેશભરમાં તબક્કાવાર મોટાભાગનું ગર્વનન્સ ફેશલેસ થવા તરફ છે. ત્યારે પોર્ટ અને કસ્ટમ સ્ટેશને એસેસ્મેન્ટની પદ્ધતિ ફેશલેસ થવાની હોવાથી ભ્રષ્ટાચાર અટકશે.