દેશના ચૂંટણી કમિશનર તરીકે શેષાન આવ્યા પહેલાની ચૂંટણીઓ “ભવાઈ જેવી અને રાજકારણીઓ “તરગારા વેડા કરતા હતા !

ચૂંટણીની પ્રથા અને પરંપરા

તે સમયે ગુજરાત રાજયમાં સત્તાનું પરિવર્તન થતા રાષ્ટ્રવાદી પાર્ટીએ રાજય કક્ષાએ સત્તાના સુકાન સંભાળ્યા પછી તો ગ્રામ પંચાયતો, નગર પંચાયતો, તાલુકા પંચાયતો જીલ્લા પંચાયતો તથા સહકારી બેંકો તથા જે જે સહકારી સંસ્થાઓની સમય મર્યાદા પૂરી થતી હતી તેની જથ્થાબંધ ચૂંટણીઓ આવેલી અને તેમાં પણ જનતાએ પસંદગીનો કળશ લગભગ રાષ્ટ્રવાદી પાર્ટી ઉપર જ ઢોળ્યો હતો.આમ સમગ્ર રીતે સતા પરિવર્તન થવાનું ચાલુ હતુ તેથી રાષ્ટ્રવાદી પાર્ટીએ પોતાના મનગમતા અધિકારીઓને પસંદગીના સ્થળે નિમણુંક આપી હતી તેમાં જ ‘સુકા ભેગુ લીલુ પણ સળગી જતા’ જયદેવની પણ અમરેલી જીલ્લામાંથી જૂનાગઢ જીલ્લામાં બદલી થઈ હતી.

આમ હજુ ચૂંટણીઓ અને બદલીઓના જ નાટકો ચાલુ હતા દરમ્યાન માંગરોળ તાલુકાના જુથળ ગામની સહકારી મંડળીની ચૂંટણી જાહેર થઈ. જૂથળ ગામ માંગરોળ પોલીસ સ્ટેશનની સરહદે કેશોદની બાજુમાં અને માળીયા હાટીનાની નજીક આવેલુ ગામ હતુ જુથળની વસ્તી ઘણી મોટી હતી અને ખૂબ પ્રગતીશીલ તથા સુખી અને સધ્ધર ગામ હતુ આથી સહજ રીતે ગામની સહકારી મંડળી પણ આર્થિક રીતે સધ્ધર હોય અને તે તેના વહીવટ માટે પણ રાજકારણીઓને ‘મોઢામાં લાળ આવતી જ હોય. વર્ષોથી આ મંડળીનું સુકાન રાષ્ટ્રીય પાર્ટી પાસે જ હતુ અને હવે આવનાર ચૂંટણીમાં શું થાય તે ‘ભર્યા નાળીયેર’ જેવી સ્થિતિ હતી જોકે રાજકીય પવન જે રીતે વાતો હતો તે મુજબ જો કાયદેસર ચૂંટણી થાય તો રાષ્ટ્રીય પાર્ટી ને તો ‘હાથ ધોવાનો જ વારો આવે ’ તેવા સંજોગો હતા.

આથી લાંબો સમય સતામાં રહેલ રાષ્ટ્રીય પાર્ટીના માજી મીનીસ્ટર અને માંગરોળની સીટ ઉપરથી ગત વિધાનસભા ચૂંટણી હારી ચૂકેલા પૂર્વ મહિલા ધારાસભ્ય આ જુથળ મંડળીનું શાસન તેમની પાર્ટી પાસે જ રહે તેના પ્રયત્નો કરતા હતા. પણ ફોજદાર જયદેવની કડક પણ ચીકાશ વાળી કાયદેસરની કાર્યવાહીનો તેમને ખ્યાલ આવી ગયો હતો. અગાઉ તેમના સતાના દિવસોમાં તો તેમના પીએ જ ફોજદારને ફોન કરી દેતા કે બહેન શ્રી આમ આમ ઈચ્છે એટલે તે પ્રમાણે બધુ થઈ જતુ અને ગોઠવાઈ જતુ અને કામો પણ થઈ જતા જયારે જયદેવને તો ટેલીફોન કરવો હોય તો પણ કેટલીય વાર વિચારવું પડતુ કે વળતો વાકપ્રહાર સાંભળવો ન પડે.

આથી આ વિકટ સંજોગોમાં આ સધ્ધર જુથળ સહકારી મંડળીની સતા જાળવી રાખવા તેમણે કપટ પૂર્વક રાજકીય ચોગઠા ગોઠવવાના ચાલુ કર્યા. દેશમાં ભારતનાં ચૂંટણી કમિશ્નર પદે શેષાન આવ્યા પહેલા આદર્શ આચાર સંહિતા શું કહેવાય તે કોઈ જનતા તો ઠીક રાજકારણીઓને પણ ખબર નહતી. તે અગાઉની ચૂંટણીઓમાં ખૂબ ઘાલમેલ થતી સભા રેલીઓ માટે કોઈ ખાસ નિયમો પાબંદી નહતી ગમે તે સમયે ગમે ત્યાં માઈકનાં ભુંગળા ઠોકીને દેકારો ચાલુ થઈ જતો આખી રાત સુધી ચૂંટણી મીટીંગો ચાલતી અને અર્ધી રાત સુધી સભાઓ ચાલતી સરઘસો રેલીઓમાં વાહનોની સંખ્યાની કોઈ લીમીટ મર્યાદા નહતી વગર મંજૂરીએ જ લગભગ દરેક સભા સરઘસો નીકળતા. એક સાથે એકસો બુલેટની ઢગઢગ કરતી રેલી નીકળે તો તેટલી જ સંખ્યામાં એક સાથે એમ્બેસેડરો નીકળે તમામ ઉપર ચિત્ર વિચિત્ર ચૂંટણી બેનરો લાગ્યા હોય રોડ અને દિવાલો ઉપરતો એક બીજા પક્ષોએ એવું ચિતરામણ કર્યું હોય કે રોડ અને દિવાલ વચ્ચે કોઈ ભેદ જ ન દેખાય અને ચૂંટણી પ્રતિકો તો ઠીક પણ જે સુત્રો લખ્યા હોય તે પણ હેરત પમાડે તેવા હોય અને પોલીસતો દિવસ અને રાત દોડતી જ રહેતી.

વળી સતાધારી પક્ષ વહીવટી તંત્રમાં ચૂંટણી પહેલા જ પોતાના માનીતા અને કહ્યાગરા અધિકારીઓની નીમણુંક કરી દેતા જેથી જે તે વિસ્તારમાં પોતાના ધાર્યા નાટક કરવા કરાવવામાં વાંધો આવે નહી ખાસ તો થાણા અમલદાર અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ પોતાના મેળના હોય તેનું ધ્યાન રખાતુ આથી સૌ પ્રથમ સતાધારી પાર્ટી પોતાના જે બાહુબળીયા કાર્યકરો (ખરેખર તો તેઓ ગુનેગાર જ રહેતા)નો હરીફ પક્ષ ના જે નામાંકીત અને પ્રતિષ્ઠિત આગેવાનો હોય તેમને પોતાની તરફ ખેંચી લેવા કે ઘેર બેસાડી દેવા શામ (સમજાવટ) અને દામ (પૈસા)થી જો માન્યા ન હોય તો તેમને ભેદ ની રીતે (દાદાગીરી મારકૂટ) સમજાવવા આવા બાહુબળીયા કાર્યકરોને તેમની પાછળ હુડકાવતા જેઓ તમામ પ્રકારની નિમ્નકક્ષાની પધ્ધતિઓ અખત્યાર કરી અરે છેવટે ટાંટીયા પણ ભાંગી ભંગાવીને પોતાની પાર્ટી માટે ધાર્યું કરાવતા અને આવા બનાવો બનતા તો ખરા પણ કેટલાક પોલીસ દફતરે પણ નોંધાતા ખાસ તો મારામારી ખૂન ખરાબાની હોળીઓ તો જાહેર થયા સિવાય રહે જ નહિ?

બીજુ તે સમયે મત આપવા માટે બેલેટ પેપર રહેતા જેથી આવા બાહુબળીયા કાર્યકરો અમુક ગામોકે વિસ્તારોના રહીશોને મતદારોને મત આપવા જવાની જ મનાઈ ફરમાવીદેતા અને પછી આજ બાહુબળીયા કાર્યકરો અમુક ચોકકસ પક્ષના ઉમેદવાર માટે ચૂંટણી મથકમાં જઈ જેટલી વ્યંકિતઓનું મતદાન બાકી હોય તેટલા વતી મત પત્રકો ઉપર સીકકા મારવાનું ચાલુ કરીદેતા અને અડધા કલાકથી પણ ઓછા સમયમાં સીકકા મારવાનું કામ પુરૂ કરી દેતા અને બાકીનું કામ ચૂંટણી સ્ટાફ થર થરતા હાથે પૂરૂ કરતો.

ત્રીજુ મત ગણતરી વખતે આ બાહુબળીયા કાર્યકરો જે મતોની ગણતરી થઈ ગઈ હોય અને તે મત પત્રકોની થોકડીઓ એક બાજુ મૂકાઈ ગઈ હોય તેમાંથી પોતાની પાર્ટીને મળેલા મતોની થોકડીઓ ચોરી છુપીથી (આમ તો દાદાગીરીથી જ) ઉપાડીને ફરી ને જે મતોની ગણતરી બાકી હોય તે મત પત્રકો સાથે ભેળવી દેતા. તે સમયે ચૂંટણી કમિશન દ્વારા રાજકીય પક્ષો ઉપર ખર્ચના હિસાબો અંગે કોઈ પધ્ધતિ સરનું નિયમન ન હતુ તેથી પૈસા પાત્ર પાર્ટી કે ઉમેદવાર ચૂંટણી જીતવા માટે ત્રણે રીતો શામ એટલેકે સમજાવટથી અધિકારીઓની ગોઠવણી કરી દામ: પૈસાથી હરીફ પક્ષના કાર્યકરો, મતદારોને ફોડવા, ખાણી પીણીની મહેફીલો મુજરા ગોઠવતા અને તેમાં હરીફ ઉમેદવારના ટેકેદારોને લલચાવી કર્મચારીઓને પણ લલચાવી તેમને ફોડવા કારસા થતા અને આ બે શામ અને દામથી જે માને નહિ તેને ભેદ: એટલે કે ભય અને દામ, શારીરીક હુમલા કરી, સીમ ખેતરેકે ધંધામાં નુકશાન કરી કરાવી ને પણ પોતાનું ધાર્યંુ ધરાહાર કરાવવા પ્રયત્નો કરતાઅને ગમે તે ભોગે ચૂંટણી જીતવા કાયદેસરનો જંગ જ લડતા

સહકારી સંસ્થાઓમાં ચૂંટણીની પ્રક્રિયામાં ચૂંટણીનું જાહેરનામુ તથા તેને લગતી બાકીની પ્રક્રિયા જે તે મંડળીના મંત્રી કરતા હોય છે. આ સહકારી મંડળીઓ જીલ્લા રજીસ્ટ્રારને આધિન હોય છે. આ સહકારી મંડળીઓના તમામ રજીસ્ટરો જેવી કે સભાઓની મીનીટ બુકો, હિસાબ રજીસ્ટરો, હાજરી બુકો વિગેરે ઉપર પાના નંબર સાથેના જીલ્લા રજીસ્ટ્રારના સહી સીકકા થયેલા હોય છે.તે રજીસ્ટરોમાં પછી કોઈ ફેરફાર થઈ શકતો નથી આ સહકારી મંડળીની ચૂંટણી માટે મંડળીના મંત્રી દ્વારા વાર્ષિક સાધારણ સભા કે આમ સભામાં તમામ સભ્યોને બોલાવવામા આવેછે અને તેમાં ચૂંટણીની પ્રક્રિયા થાય છે.

તેવામાં માંગરોળ તાલુકાના મોટા ગામ જુથળની સહકારી મંડળીની ચૂંટણી જાહેર થઈ સતા પરિવર્તન, જનમાનસ પરિવર્તન અને કડક અમલદાર શાહીને કારણે માંગરોળના માજી ધારાસભ્યએ ચીલાચાલુ ચૂંટણી વ્યુહ ને બદલે એટલે કે શામ-દામ અને ભેદને બદલે બીજા રસ્તા શોધવા લાગ્યા કેમકે જયદેવે અમુક બાહુબળીયાઓને અગાઉ જ જણાવી દીધેલું કે જો કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવું કોઈ પણ કૃત્ય થયું તો એકાદ આરોપી પકડાયો તો પછી ગમે તે ચમરબંધીને મુકીશ નહિ મારે તો પકડાયેલ આરોપીના નિવેદનમાં કાવત્રામાં સામેલ વ્યકિતઓ ભલે પછી તેઓ બીજા ગામે હોય તેના નામ લખી ચૂંટણીના સંજોગો પક્ષીય અને બીજા જે તે સંજોગો મૂકીને એફઆઈઆર માં જ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦નો ઉમેરો કરી બાકીનાનો હારડો કરી ધરપકડ કરવાની રહેશે. તે વ્યકિત ભલે ગમે તે હોય !

જયારે આવા એટલે કે રાજકારણીની ભાષામાં ઉદંડ અધિકારીની નિમણુંક થાય એટલે આ અધિકારી છેલ્લે જે જગ્યાએથી બદલાઈને આવ્યો હોય તે જગ્યાના પોતાના પક્ષના આગેવાનોથી પણ રાજકારણીઓ આવા અધિકારીની માહિતીતો મેળવી જ લેતા હોય છે જેથી ખોટા ભરાઈ જવું પડે નહિ. તે રીતે માંગરોળના રાજકારણીઓએ પણ જયદેવની કર્મકુંડળી અમરેલીથી મેળવી જલીધી.

છતા રાષ્ટ્રીય પાર્ટીએ તેમના પક્ષના સક્ષમ અને વિશાળ પ્રતિભા ધરાવતા ‚દલપૂરના રહીશ પ્રતાપસિંહ રાઠોડને જયદેવ પાસે મોકલી જયદેવનું મન જાણવા કે જાસૂસી માટે મોકલ્યા કે પોલીસ કઈ હદે જઈ શકે તેમ છે. પરંતુ જયદેવે પ્રતાપસિંહને ચા પાણી પાઈને વાતચીત કરી તેમના આવવાનો હેતુ અને ઈચ્છા જાણી લીધા. આમ તો સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ આવી સહકારી મંડળીઓની ચૂંટણીમાં કાંઈ રસ ધરાવતા નથી.

હોતા પરંતુ રાષ્ટ્રવાદી પાર્ટી દ્વારા અગાઉથી જ પોલીસમાં અરજી અપાયેલ હતી કે જુથળ મંડળીની વાર્ષિક સાધારણ સભામાં હરીફ પક્ષ દાદાગીરી અને ગુંડાગીરી અપનાવશે તેથી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા. આથી જયદેવે પ્રતાપસિંહની વાત ઉપરથીજ કેવો બંદોબસ્ત રાખવો તેનું તારણ કાઢી લીધું અને તેમને જણાવ્યું કે જો કોઈએ કાંઈ એવું કૃત્ય કર્યું કે જેથી કાયદો અને વ્યવસ્થા જોખમાય તો હું જુથળ ગામે જાતે જ હાજર રહેવાનો છું અને જે કોઈ આરોપી પકડાયો તો પછી બાકીના બીજા બહારગામ બેઠેલા અને ડખો કરાવનારને પણ એફ.આઈ.આર.માં સામેલ કરી દઈશ કાયદાની અમલવારીમાં હુ જરાય ઓછો નહિ ઉત‚ !

પ્રતાપસિંહે આ સંદેશો પાર્ટીના નેતાઓ અને માજી ધારાસભ્ય ને આપ્યો કે આ વખતે કામકાજ કઠણ છે. આથી પાર્ટીન નેતાઓએ બીજો રસ્તો કાઢવા મનોમંથન ચાલુ કર્યું કે આ જુથળ મંડળીની ચૂંટણીના બંદોબસ્તમાં ફોજદાર જયદેવ જ હાજર ન રહે તેવું કાંઈક ગોઠવવું જોઈએ કાંઈક પ્રબંધ કરવો જોઈએ.

આમ ને આમ જુથળ મંડળીની વાર્ષિક સાધારણ સભાનો દિવસ આવી ગયો સાધારણ સભા જુથળ ખાતે મંડળીના મકાનમાં જ રાત્રીના નવ વાગ્યે રાખેલી હતી. જોગાનું જોગ કે કોઈ અન્ય કારણસર તે જ દિવસે માંગરોળમાં લઘુમતી રીક્ષા વાળાને કોઈ બહુમતી મોટર સાયકલ વાળા સાથે સામાન્ય બોલાચાલીમાંથી ઝઘડો થયો અને ડખો આવ્યો પોલીસ સ્ટેશનમાં જયદેવે આ મામલો તો સંભાળી લીધો પરંતુ આ બાબત કોમી હોય નિયમ મુજબ ઉચ્ચ અધિકારીઓ ને જાણ કરી.

માંગરોળ સીપીઆઈ પોલીસ સ્ટેશનમાં આવ્ય વિજીટ કરી, કોમી બનાવની હકિકતથી વાકેફ થયા જગ્યા ઉપર જઈ પક્ષકારોને મળ્યા. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં આવીને જયદેવને કહ્યું તમે માંગરોળની પરિસ્થિતિ સંભાળજો હું જુથળની સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં જઈ બંદોબસ્ત રાખીશ. જયદેવને પણ રાજકીય ગુનાખોરી કરતા આ ક્રીમીનલ ગુનાખોરી સાથે કામ લેવું વધુ પસંદ હતુ તેથી તેણે કહ્યું ‘તેતો ઉતમ પણ જો જો જુથળ માટે ખૂબ રજૂઆતો થયેલ છે.અને બંને પક્ષો પોત પોતાની તૈયારીમાં છે.’ આથી સીપીઆઈ એ કહ્યું હું તો આ ગામને વર્ષોથી બરાબર જાણુ છું’

આમ જયદેવે માંગરોળમાં જ મુકામ કર્યો અને સીપીઆઈ મંડળીની આમ સભા બંદોબસ્તમાં જુથળ ગયા પરંતુ બીજે દિવસે સવારના નવેક વાગ્યે જુથળ ગામનાં રાષ્ટ્રવાદી પાર્ટીના આગેવાનો લેખીત ફરિયાદ લઈને આવ્યા કે તેમની મંડળીના મંત્રી વાર્ષિક સાધારણ સભામાંથી મનસ્વી રીતે ચૂંટણીની કોઈ કાર્યવાહી કર્યા સિવાય જ મંડળીના રજીસ્ટરો લઈ પોતાના ઘેર ચાલ્યા ગયા છે.

આથી જયદેવે તેમને પૂછયું કે ત્યાં બંદોબસ્તમા સીપીઆઈ સાહેબ હતા તેમને વાત કરેલી? આથી આ લોકોએ કહ્યું કે સીપીઆઈ સાહેબને જે તે વખતે રાત્રે જ રજૂઆત કરતા તેમણે કહેલ કે તે તેની અને મંડળીની વહિવટી બાબત છે તે અંગેની ફરિયાદ તમે જૂનાગઢ જીલ્લાનાં જીલ્લા રજીસ્ટ્રાર (મંડળી)ને કરો. તમારે તો જો કાંઈ બબાલ હોય કે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ર્ન હોય તો જણાવો. ‘આ વાત સાંભળીને જયદેવને નવાઈ એ વાતની લાગી કે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડયા પછી મંત્રી આવું કઈ રીતે કરી શકે? સિવાય કે મંત્રી ગાંડો થઈ ગયો હોય કે દા‚ પી ગયો હોય આથી જયદેવે બીટ જમાદારને મંડળીના મંત્રીને બોલાવવા કહ્યું આથી સાચી હકિકત શું છે તે જાણી શકાય. જમાદાર જુથળ જઈ ને મંત્રીને રાષ્ટ્રવાદી પાર્ટી દ્વારા થયેલ રજૂઆતની વાત કરી તેને માંગરોળ જયદેવ પાસે લઈ આવ્યા.

મંત્રીએ જયદેવને જણાવ્યું કે સાહેબ આ તો રાજકારણીઓ છે સત્તાધારી પાર્ટી છે તેથી ગમે તેવા આક્ષેપો કરે, પણ ખરેખર તો ગઈકાલે વાર્ષિક સાધારણ સભામાં સભાસદોએ સર્વાનુમતે બીન હરીફ જ કારોબારી સભ્યોને ચૂંટી કાઢયા છે. વાર્ષિક સાધારણ સભાની મીનીટ બુકમાં આ બીન હરીફ ચૂંટણીના ઠરાવો થયેલા છે. અને તે ઠરાવોમાં તમામ સભાસદોની સહીઓ પણ છે અને તે અંગે મેં રાત્રે અગીયાર વાગ્યે જ આ વાર્ષિક સાધારણ સભાએ કરેલા ઠરાવોથી જૂનાગઢ જીલ્લા રજીસ્ટ્રારને ટેલીફોન કરી વાકેફ પણ કર્યા હતા.

જયદેવ પણ નવાઈ પામ્યો કે ખરેખર કોણ સાચુ? પરંતુ હાલના તબકકે તો આ પ્રશ્ર્ને કોઈ ફોજદારી ગુન્હો જણાતો નહિ હોય મંત્રીને એમ કહી જવા દીધા કે પોલીસ બોલાવે ત્યારે નિવેદન માટે આવી જજો. થોડીવારમાં પાછા રાષ્ટ્રવાદી પાર્ટીના આગેવાનો આવતા જયદેવે તેમને મંત્રીએ કહેલી વાત જણાવી કે વાર્ષિક સાધારણ સભામાં દરેક સભાસદોએજ સહીઓ કરી સભ્યોને બીન હરીફ ચૂંટી કાઢેલ છે.

તેની આ સાધારણ સભાની મીનીટ બુક રજીસ્ટરમાં થયેલા ઠરાવોની નોંધો પણ છે !આથી આ લોકોએ કહ્યું કે ‘સાહેબ આવી કોઈ કાર્યવાહી જ થયેલ નથી અમે સહકારી મંડળીએ ગયા ત્યાં દરવાજામાં જ મંત્રી હાજરી રજીસ્ટર લઈને બેઠા હતા અને તમામ સભ્યોને સભાસદોને તેમણે કહેલ કે પહેલા આ હાજરી રજીસ્ટરમાં સહીઓ કરતા જાવ પછી આગળની કાર્યવાહી આથી અમો તમામ સભા સદોએ તે રજીસ્ટરમાં સહીઓ કરીને મંડળીમાં ગયેલા અને તમામ સભાસદો આવી જતા મંત્રી તે રજીસ્ટર લઈને કયાંક આડા અવળા થઈ ગયેલા અને મળેલા જ નહિ તેથી પટાવાળાને તેના ઘેર તપાસ કરવા મોકલતા પટ્ટા વાળાએ આવીને કહેલું કે મંત્રી કહે છે કે જે થવાનું હતુ તે થઈ ગયું હવે તમારેથી જે થાય તે કરી લો!

આથી જયદેવે આ નેતાઓને પુછયું કે સભાસદો જે રજીસ્ટરમાં સહીઓ કરીને મંડળીમાં જતા હતા તે રજીસ્ટર શાનું હતુ હાજરી રજીસ્ટર કે ઠરાવની મીનીટ બુકનું રજીસ્ટર તે ખાત્રી કરેલી? તેથી તેમણે કહ્યુંં કે ના સાહેબ તેતો જોયેલું નહિ આથી જયદેવને ખ્યાલ આવી ગયો કે રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓ અને મંડળીના મંત્રીએ આયોજન પૂર્વક કાવત્રુ કરીને મંડળીના તમામ સભા સદોને ઉલ્લુ જ બનાવ્યા લાગે છે.

ખરેખર તો મંત્રીએ કાવત્રા મુજબ કપટ કરીને હાજરી રજીસ્ટરને બદલે ઠરાવના મીનીટ રજીસ્ટરમાં ઠરાવ માટે બે પાના કોરા રાખી તે રજીસ્ટરમાં સભાસદોની સહીઓ લીધેલી અને પછી ઘેર જઈ આ ઠરાવ મીનીટ બુકમાં આગળ કોરા રાખેલા પાના ઉપર રાષ્ટ્રીય પાર્ટીના સભ્યોને બીન હરીફ ચૂંટી કાઢયાનો ઠરાવ મત્રીએ જાતે જ લખી નાખેલો કાયદા મુજબ તો આ બાબત હવે ખોટી કેમ ઠેરવી શકાય?

આવો ગ્રેટ ઈલેકશન ચીટીંગનો બનાવ બનતા સતાધારી રાષ્ટ્રવાદીપાર્ટી તો ઘા ખાઈગઈ ખાસ તો તેમની વહીવટી અણ આવડત ખૂલી પડી જતા ગાંધીનગર કક્ષાએ પડઘા પડયા ફોજદારી ગુન્હો નોંધાયો પણ બનેલા સહકારી મંડળીના મંત્રીએ તો બીજે જ દિવસે થયેલ ઠરાવની નકલો સાથે જીલ્લા રજીસ્ટ્રારને થયેલ બીનહરીફ ચૂંટણીનો વિગતવારનો અહેવાલ રીપોર્ટ મીનીટ બુકના ઠરાવની ઝેરોક્ષ નકલો સાથે મોકલી દીધેલો અને બહુ જ બબાલ અને દેકારો થતા મંત્રી ભૂગર્ભમાં ચાલ્યો ગયો આરોપીઓ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે ગયેલા તો સામે રાષ્ટ્રીય પાર્ટી પણ દિવાની રાહે કોર્ટમાં ઘસી ગયેલી પરંતુ આ કાયદાકીય યુધ્ધતો જયદેવની માંગરોળથી બદલીથઈ ત્યાં સુધી ચાલુ જ હતુ.

પરંતુ રાષ્ટ્રવાદી પાર્ટીના અનેક આક્ષેપો સાથે એક આક્ષેપ એવો પણ હતો કે ચૂંટણીના દિવસે માંગરોળમાં જે રીક્ષાવાળા સાથે ઝઘડાનો બનાવ બનેલો તે રાષ્ટ્રીય પાર્ટીએ ઈરાદા પૂર્વક ઉભો કરેલો હતો અને માંગરોળના ફોજદારને ખોટી રીતે ધંધે લગાડીને રાષ્ટ્રીયપાર્ટીએ પોતાનું કામ ઉતારી લીધું હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.