કેમ્બ્રીજ એનાલીટીકાએ લોકોના ડેટાનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાના ધડાકા બાદ નવી વિગતો ખુલ્લી
તાજેતરમાં બ્રિટીશ પોલીટીકલ ક્ધસલ્ટન્સી સાથે જોડાયેલી કેમ્બ્રીજ એનાલીટીકા નામની કંપનીએ ૫ કરોડથી વધુ ફેસબુક યુઝર્સના ડેટા એકઠા કરી તેનો દુરઉપયોગ કર્યો હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અલબત આ આંકડો ૫ કરોડ નહીં પરંતુ ૮.૭ કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ મામલે ફેસબુકના ચીફ ટેકનોલોજી ઓફિસર માઈક શ્રોપફરે કહ્યું હતું કે, અમે માનીએ છીએ કે અમેરિકાના ૮.૭ કરોડ લોકોની ફેસબુક વિગતો ખોટી રીતે શેર થઈ ગઈ છે. આવી ઘટના ફરી ન બને તે માટે નવું પ્રાઈવેસી ટુલ્સ ફેસબુક દ્વારા બનાવાયું છે જે ત્રીજા પક્ષ પાસે જતી વિગતો ઉપર કડક નિયંત્રણ રાખી શકશે.
અહીં ઉલ્લેખનીય છે કે, ફેસબુકના યુઝર્સનો ડેટા મેળવી કેમ્બ્રીજ એનાલીટીકાએ ખોટી રીતે ઉપયોગ કર્યો હતો. કૌભાંડમાં અમેરિકામાં વસતા ૫ કરોડથી વધુ લોકોના ડેટાનો ટ્રમ્પના ચુંટણી પ્રચારમાં ઉપયોગ થયો હતો. ડેટાના માધ્યમથી લોકોની રાજકિય માનસિકતા ઉપર અસર પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પના પ્રચાર-પ્રસારમાં આ ડેટાનો ખોટી રીતે ઉપયોગ થયા હોવાની વાત બહાર આવતા ફેસબુક ઉપરથી લોકોનો વિશ્ર્વાસ ઘટી ગયો છે. પરિણામે વિશ્ર્વાસ ફરીથી સ્થપાય તે માટે ફેસબુક નવા-નવા સુરક્ષા સાધનો વિકસાવી રહ્યું છે.