દેશનાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા હવે સોશિયલ મીડિયા અત્યંત મદદરૂપ સાબિત થશે વિશ્વમાં પ્રથમ વખત જીએસટી, એકસાઈઝ અંગેની ડિમાન્ડ નોટિસ માટેનું વર્ચ્યુઅલ હિયરીંગ વોટસએપ મારફતે કરાશે
હાલની પરિસ્થિતિને જોતા દેશનાં અર્થતંત્રને વેગવંતુ બનાવી શકાય તે માટે અનેકવિધ ઉપાયો કરવામાં આવી રહ્યા છે જયારે બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે જે ધંધા-રોજગારો બંધ થયા છે તેને કેવી રીતે બેઠા કરી શકાય તે પણ અત્યારનાં દેશ માટે ચિંતાનો વિષય બની ગયો છે. હાલ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ કયાંકને કયાંક નાના ઉધોગો અને દુકાનદારોની વ્હારે આવ્યું હોય તેવું લાગે છે. ફેસબુક આવનારા દિવસોમાં નાના ઉધોગો અને દુકાનદારોને પોતાની ખુદ કી દુકાન ખોલવા માટે મદદરૂપ થશે અને અર્થતંત્રને વેગવંતુ બનાવવા અત્યંત મદદરૂપ થાય તેવું પણ માનવામાં આવે છે. વિશ્ર્વ આખામાં અત્યારનાં ધંધા-રોજગારોની સ્થિતિ અત્યંત કફોડી સાબિત થઈ છે ત્યારે ફેસબુક જે રીતે કાર્ય કરી રહ્યું છે તેનાથી નાની દુકાનદારો અને નાના ઉધોગોને જાણે એક આશાનું કિરણ દેખાયું હોય તેવું પણ સામે આવ્યું છે.
કોરોનાનાં કહેર બાદ હાલ ઉધોગો માટે સ્થિતિ અત્યંત કથળેલી જોવા મળી રહી છે ત્યારે એકમાત્ર ડિજિટલ પ્લેટફોર્મ જ આ ઉધોગને બેઠો કરવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. કોરોનાનાં કહેર વચ્ચે રીટેલ ઉધોગને ઘણીખરી અસર તો પહોંચી જ છે ત્યારે હવે જો આ ઉધોગો ડિજિટલ માધ્યમ તરફ આગળ આવે તો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ મદદરૂપ સાબિત થઈ શકે છે અને ફેસબુકને પણ ઘણીખરી કમાણી થવાનો પણ ચાન્સ મળશે. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બાદ કરતા એકમાત્ર ફેસબુક જ ઈ-કોમર્સ ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવવા માટે સફળ થયું છે ત્યારે હવે ફેસબુક એડ મારફતે ઓનલાઈન શોપ ઉભી કરશે જેનો સીધો જ લાભ નાના ઉધોગકારો અને દુકાનદારોને મળવાપાત્ર રહેશે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગામી દિવસોમાં ૧૬૦ મિલીયન જેટલા નાના અને લઘુ ઉધોગો સોશિયલ મીડિયા પર પોતાનો વ્યવસાય ચલાવશે ત્યારે આવનારો સમય સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કરી નાણા કમાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવું પણ માનવામાં આવે છે. ફેસબુક પર પ્રકાશિત થતી એડમાં આવતા પ્રોડકટોને વિડીયો બ્રોડકાસ્ટ મારફતે વેચાણ કરવામાં આવે તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે. આ સમયગાળા દરમિયાન લોકો જયારે સોશિયલ ડિસ્ટન્સીંગ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે એકમાત્ર ફેસબુક જ લોકો સુધી પહોંચી તેમનાં વ્યવસાયને સુદ્રઢ બનાવવા માટે કાર્ય કરે છે.
ઈનડાયરેકટ ટેકસ જેવા કે જીએસટી અને એકસાઈઝ માટે જે ડિમાન્ડ નોટીસ કરદાતાઓને આપવામાં આવેલી છે તેનો નિકાલ કરવા માટે હાલ સરકાર મથી રહી છે ત્યારે સરકારી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સીબીઆઈસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ દ્વારા જે કરદાતાઓને ડિમાન્ડ નોટીસ પાઠવવામાં આવેલી હોય તો તેને લઈ ઉદભવિત થતા પ્રશ્ર્નનાં નિકાલ માટે હવે કરદાતાઓએ ઓફિસ આવવાની જરૂર નથી તેઓ વોટસએપનાં વિડીયો કોલીંગ મારફતે તેમની નોટીસ અંગે માહિતી મેળવી શકશે અને જીએસટીનાં અધિકારીઓને પણ કોઈપણ પ્રકારે પુછતાછ કરવી હોય તો તે વોટસએપ વિડીયોનો ઉપયોગ કરી તે માહિતી એકત્રિત કરી શકશે. આ પહેલ જે સીબીઆઈસી દ્વારા હાથ ધરવામાં આવી છે તે વિશ્ર્વમાં પ્રથમ વખત થઈ હોવાનું પણ સામે આવ્યું છે જે આવનારા સમયમાં કરદાતાઓ માટે અત્યંત મદદરૂપ સાબિત થશે.