ફોઝોટ, વીડિયો લઈ અન્ય યુઝર્સને બ્લેકમેઈલ કરાતા હોવાની ફરિયાદો ઉઠતા ફેસબુકે ફેસ રીકગ્નીશન સીસ્ટમ કરી બંધ, 100 કરોડ વપરાશકર્તાઓને થશે અસર
અબતક, નવી દિલ્હી
ફેસબુકે 100 કરોડ લોકોથી મોઢું ફેરવી લીધું છે..!! સોશિયલ મીડિયા જાયન્ટ ’મેટા’ ઉર્ફ ફેસબુક હવે તમને ફોટા, વીડિયો જોઈ તેની ઓળખાણ કાઢી નહીં આપે..!! જી હા, ફેસબુકે મોટો નિર્ણય કરતા જાહેરાત કરી છે કે હવે તે ફેસ રિકગ્નિશન સિસ્ટમ બંધ કરી દેશે. આનાથી કરોડો યૂઝર્સ પ્રભાવુત6 થશે. આશરે 100 કરોડ જેટલા યૂઝર્સ છે જેમણે ફેસબુકની આ ફેસ રિકગ્નિશન સિસ્ટમનો સ્વીકાર કર્યો હતો પણ હવે આ સિસ્ટમ બંધ થતાં આ તમામ વપરાશકર્તાઓના ફેસ ડેટા કંપની ડીલીટ કરી દેશે.
આ ફેસ રિકગ્નિશન સિસ્ટમથી એવું થતું હતું કે કોઈ પણ યૂઝર્સ ફેસબુક પર પોતાનો કે અન્ય સાથેનો કે અન્ય કોઈનો ફોટો, વીડિયો મૂકે એટલે તેમાં નામ સહિતની જાણકારી ટેગ થઈ જતી. અન્ય લોકો તે જાણી શકતા કે આ ફોટોમાં કોણ છે. પણ હવે ફેસબુક તમારા અપલોડ કરેલા ફોટાને અન્ય વ્યક્તિ સાથે ઓટો ટેગ નહીં કરે. ફેસબુકે આ સિસ્ટમ એટલા માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે આ ફેસ રિકગ્નિશન સિસ્ટમથી ફોટોઝ, વીડિયો ડાઉનલોડ કરી તેને અન્ય યુઝર્સને મોકલી બ્લેકમેલ કરાતા હોવાની ફરિયાદ ઉઠી હતી. આ સાથે વપરાશકર્તાઓની ગોપનીયતાના હકનું પણ શોષણ થતું હોવાના આરોપો ફેસબુક પર લાગ્યા હતા. પણ હવે ફેસબુકે કહ્યું છે કે તે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીને બંધ કરશે અને એક અબજથી વધુ લોકોના ફેસપ્રિન્ટ્સ ભૂંસી નાખશે.
જ્યારે પણ તમે ફેસબુક પર અન્ય વ્યક્તિ સાથે લીધેલો ફોટો અપલોડ કરો છો, ત્યારે ફેસબુક આપમેળે ફોટામાંની વ્યક્તિને તમારી સાથે ટેગ કરશે. ફેસબુક આ બધું તેની ફેસ ડિટેક્શન ટેક્નોલોજીની મદદથી કરતું હતું. વાસ્તવમાં, ફેસબુક તેના સર્વર પર તેના વપરાશકર્તાઓના ચહેરાને સંગ્રહિત કરે છે અને તેનો ઉપયોગ કરીને, ચહેરા શોધ તકનીકની મદદથી, તે વપરાશકર્તાના ફોટામાં હાજર લોકોના ચહેરાને શોધી અને ટેગ કરવા માટે વપરાય છે. પરંતુ આ ટેક્નોલોજી પર છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પ્રાઈવસી વાયોલેશનના વિવાદને કારણે ફેસબુકે તેને આગામી સપ્તાહમાં બંધ કરવાની જાહેરાત કરી છે. આટલું જ નહીં, ફેસબુકે તેના સર્વર પર હાજર કરોડો ચહેરાઓને પણ દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ ટેક્નોલોજીના કારણે ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા વર્ષ 2019માં ફેસબુકને 500 મિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો હતો.