કોરોનાનાં કારણે ફેસબૂક અને રિલાયન્સ વચ્ચેની વાતચીત મોકુફ : ૧૦ ટકાનો હિસ્સો ખરીદવાની વાત
સોશિયલ મીડિયાનો વપરાશ સમગ્ર વિશ્ર્વમાં ખુબ જ વધુ થતો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે બીજી તરફ લોકો ફેસબુકનો ઉપયોગ ખુબ જ વધુ કરી રહ્યા છે અને ફેસબુક ઉપર લોકોનો વિશ્ર્વાસ પણ રહેલો હોય તેવું લાગે છે તો બીજી તરફ રિલાયન્સ જીઓએ પોતાનો પગદંડો સમગ્ર ભારતમાં જમાવ્યો છે જેનાથી અનેકવિધ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને તેની માઠી અસરનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
આ પ્રસંગે આધારભુત સુત્રોનાં જણાવ્યા અનુસાર ફેસબુક કરોડો ડોલર ખર્ચી રિલાયન્સ જીઓનો હિસ્સો ખરીદવાની પેરવીમાં હોય તેવું લાગી રહ્યું છે. હાલ કોરોના વાયરસનાં કારણે આ અંગેની વાતચીત થોડા સમય માટે મોકુફ રાખવામાં આવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક રિલાયન્સ જીયોનો ૧૦ ટકાનો હિસ્સો ખરીદવાની પેરવી કરી રહ્યું છે. આ બંને કંપનીઓનાં જોડાણથી અનેકવિધ નવી ઉપલબ્ધીઓને ભારત દેશ સર કરશે તેવું પણ માનવામાં આવે છે.
૨૧મી સદીમાં લોકો જે રીતે સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ કરી રહ્યા છે તેની સામે સર્વિસ આપતી કંપનીઓ જેવી કે આઈડિયા, વોડાફોન, એરટેલ જેવી કંપનીઓને ઘણી ખરી અસર પહોંચવા પામી છે જેનું એકમાત્ર કારણ રિલાયન્સ જીયો હોવાનું જ સામે આવ્યું છે. રિલાયન્સે ડિઝિટલાઈઝેશનની સાથો સાથ જીયો નામક કંપની સ્થાપિત કરી અનેકવિધ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને તેની માઠી અસરનો સામનો કરવા માટે મજબુર કર્યું છે. અન્ય કંપનીઓ જે પ્લાન ગ્રાહકોને આપતા હતા તેનાથી સસ્તા પ્લાનનો પણ રિલાયન્સ જીયો દ્વારા આપવામાં આવ્યા છે. જીયો ટેલીવિઝન જેવા અનેકવિધ સેવાઓને આપી જીયોએ પોતાનું વર્ચસ્વ અને આધિપત્ય સ્થાપિત કર્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રિલાયન્સ જીયોનો હિસ્સો ખરીદવા માટે ફેસબુકની વાત જે વાયુવેગે ફેલાઈ છે તેનાથી એ વાતની સ્પષ્ટતા થાય છે કે, વૈશ્ર્વિક સ્તર પર રિલાયન્સે પોતાનું આગવું સ્થાન ઉભુ કર્યું છે અને લોકો તેની તરફ ઝુકી પણ રહ્યા છે. સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક રિલાયન્સ જીયોનો હિસ્સો ખરીદવાની પેરવીમાં છે પરંતુ કોરોના વાયરસનાં કારણે હાલનાં તબકકે મોકુફ રાખવામાં આવી છે.