સગાઇ બે વર્ષ બાદ તોડી નાખતા યુવક-યુવતી ભાગી જતાં કુહાડી અને લોખંડના એન્ગલથી હુમલો
જામનગરના ગુલાબનગર પાસે આવેલા સોમનાથ સોસાયટીમાં પ્રેમ પ્રકરણના કારણે યુવકના પિતા અને યુવતીના મામા વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા બંને ગંભીર રીતે ઘનવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે સામસામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુલાબનગર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા રિક્ષા ચાલક જગદીશભાઇ જીવણભાઇ ડાભી નામના કોળી પ્રૌઢના ભાણેજ રવિ મગનભાઇ પાટડીયાએ પાડોશી યુવતી પૂનમ સાથે ભાગીને પ્રેમ લગ્ન કરતા પૂનમના પિતા અશોકભાઇ મનજીભાઇ આરઠીયા ઉશ્કેરાયા હતા અને માથામાં કુહાડી મારી હત્યાની કોશિષ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે ગુલાબનગર વિસ્તારના સોમનાથ સોસાયટીમાં રહેતા અને કડીયા કામ કરતા અશોકભાઇ મનજીભાઇ આરઠીયાના માથામાં જગદીશ જીવણ ડાભીએ માથામાં લોખંડનો એન્ગલ મારતા ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે હોસિપ્ટલમાં દાખલ કરાયા છે.
અશોકભાઇ ડાભીની પુત્રી પૂનમબેનની બે વર્ષ પહેલાં રવિ મગન પાટડીયા સાથે સગાઇ કરવામાં આવી હતી પરંતુ રવિ મગન યોગ્ય ન જણાતા સગાઇ ફોક કરી લગ્નની ના કહી હતી. આથી રવિ અને પૂનમ ભાગી ગયા હતા અને તેઓએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. પૂનમને ભગાડવામાં રવિના મામા જગદીશ ડાભીએ મદદ કરી હોવાની શંકાના કારણે હુમલો થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
છે. પી.એસ.આઇ. જે.એસ.ગોવાણીએ બંને સામે હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.