સ્ત્રીના ચહેરા પર સૌથી વધારે ધ્યાન દોરતી કોઈ બાબત હોય તો એ છે ભ્રમર. ભ્રમરનો આકાર ચહેરાને વિશિષ્ટતા પ્રદાન કરે છે. સુંદરતાની અભિવ્યક્તિમાં એનું યોગદાન અવગણી ન શકાય. ભ્રમરનો આકાર તમારી આંખોને વાચા આપે છે. થોડા સમય પહેલાં દક્ષિણ ભારતીય અભિનેત્રી પ્રિયા પ્રકાશનો ભ્રમરને ઊંચી-નીચી કરી આંખો મટકાવતો વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ પોપ્યુલર થયો હતો. ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં પણ ચહેરાના હાવભાવ પ્રગટ કરવા ભ્રમરનો સહારો લેવામાં આવે છે અને આ માટે ખાસ તાલીમ લેવી પડે છે.
ચહેરાના આકારમાં વિશિષ્ટ સ્થાન ધરાવતી અને આંખોની સુંદરતામાં વધારો કરતી ભ્રમર હાલમાં ચર્ચાનો વિષય બની છે. ઇન્સ્ટાગ્રામ પર ફિશટેલ સ્ટાઇલની આઇબ્રોએ યુવતીઓમાં ગજબનું આકર્ષણ ઊભું કર્યું છે. આ સ્ટાઇલમાં ભ્રમરને કમાન જેવો આકાર આપી બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે અને પછી એક બાજુથી માછલીની પૂંછડીના આકારની જેમ ઉપરની તરફ વાળવામાં આવે છે. આ પ્રકારની સ્ટાઇલથી વાસ્તવમાં ચહેરો વિચિત્ર દેખાય છે. એના કારણે બ્યુટીજગતમાં ઊહાપોહ મચી ગયો છે. કેટલીક યુવતીઓને આ વિચિત્ર સ્ટાઇલ કૂલ અને બોલ્ડ લાગે છે તો કેટલાક લોકોએ મોં મચકોડ્યું છે. સૌંદર્ય-નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારની ભ્રમર બનાવી યુવતીઓએ ચહેરાની સુંદરતા સાથે ચેડાં ન કરવાં જોઈએ.
ઇન્સ્ટાગ્રામ પર ફિશટેલ આકારની આઇબ્રો ધરાવતો ફોટો શેર કરવાની હોડ શરૂ થઈ છે. મોટા ભાગની યુવતીઓ ફોટોશોપની સહાયથી આવી ભ્રમર બનાવે છે. જોકે કેટલીક ફેશનઘેલી યુવતીઓએ તેમની ભ્રમરને ફિશટેલ લુક આપવાની હિંમત પણ દાખવી છે તો વળી કેટલીક યુવતીઓએ કમાન જેવી ભ્રમરને વચ્ચેથી વિભાજિત કરી ઉપરની તરફ પેન્સિલ વડે પૂંછડી બનાવવાની યુક્તિ શોધી કાઢી છે. આર્ક એટલે કમાન અને ફિશટેલ એટલે માછલીની પૂંછડી. જેમ દરેક પ્રકારની હેરસ્ટાઇલ બધાને સારી નથી લાગતી એવી જ રીતે ભ્રમરનો આકાર પણ વ્યક્તિના ચહેરાના આકારને અનુરૂપ હોય તો જ સુંદર દેખાય.
ભ્રમરને ખાસ આકાર આપવા માટે વધારાના વાળ દૂર કરવાની સાચી રીત કઈ કહેવાય? ભ્રમરના વાળને પણ શું ટ્રાન્સફોર્મેશનથી ઉગાડી શકાય ખરા? લેઝર પદ્ધતિથી ભ્રમરને કાયમી ધોરણે ચોક્કસ આકાર આપી શકાય? આઇબ્રો-કરેક્શન અને આઇબ્રો-ટેટૂ શું છે તેમ જ આ પ્રકારની ટ્રીટમેન્ટમાં કેવી તકેદારી રાખવી જોઈએ એ જાણી લો.
પાતળી અને ખૂબ જ ઓછા વાળ ધરાવતી ભ્રમરને આપણે સહજતાથી લઈએ છીએ, પરંતુ ભ્રમરના વાળનો જથ્થો વધી જાય તો તરત જ બ્યુટી-પાર્લરની મુલાકાત લેવી પડે છે. એનું કારણ એ કે ચહેરા પર વાળ વધી જાય તો તરત જ ધ્યાનમાં આવે છે. આંખોની ઉપર આવેલા થોડા અમથા વાળ તમારી ઇમેજ બદલી શકે છે. ભ્રમરથી ચહેરાની સુંદરતામાં કેવો ફરક પડે છે.
તમે ગમે તેટલો મેકઅપ કરીને સુંદર દેખાવાનો પ્રયાસ કરો, પણ જો આઇબ્રોનાં ઠેકાણાં નહીં હોય તો ચહેરો સારો નહીં જ લાગે. આઇબ્રોને મેકઅપથી પણ છુપાવી ન શકાય. એ પ્રોપર શેપમાં હોવી જ જોઈએ. ઇન્ડિયામાં આઇબ્રો પર વેક્સિંગ કરવાનું ચલણ જ નથી. અહીં થ્રેડિંગથી આકાર આપવામાં આવે છે. આંખોની આસપાસની ત્વચા સંવેદનશીલ હોય છે. તેથી થ્રેડિંગ ચાલતું હોય એ દરમ્યાન ગ્રિપ છૂટવી ન જોઈએ. ગ્રિપ છૂટી જાય તો આંખની આસપાસ કટ આવી જાય કે લોહી પણ નીકળે. જોકે એક્સપર્ટ હોય તેમને આ બાબતનો તરત જ ખ્યાલ આવી જાય એટલે કસ્ટમરના હાથની ગ્રિપ છૂટે તો તરત જ થ્રેડિંગ માટે વાપરવામાં આવતા દોરાની ઢીલ મૂકી દે એટલે ચહેરા પર ખરોંચ પણ ન આવે. હાલમાં ફિશટેલ આઇબ્રો પોપ્યુલર બની છે એ વાત સાચી, પણ આ પ્રકારની આઇબ્રોનો ક્રેઝ ટીનેજ ગર્લ્સ પૂરતો જ મર્યાદિત છે. મહિલાઓ આર્ક સ્ટાઇલને વધારે પસંદ કરે છે. ફિશટેલમાં આગળના વાળને ઉપર તરફ વાળવામાં આવે છે અને પાછળનો ભાગ પાતળો રાખવામાં આવે છે.
આર્ક સ્ટાઇલમાં આઇબ્રોને ઉપરની તરફ પોઇન્ટ આપવામાં આવે છે. મોટા ભાગની મહિલાઓ બોલીવુડ સ્ટાઇલ જ અપનાવે છે અને એને જ બરકરાર રાખે છે. વારંવાર સ્ટાઇલ ચેન્જ કરવાનો ક્રેઝ ટીનેજ ગર્લ્સમાં જ છે. આપણે ત્યાં ઘટ્ટ અને આગળથી જાડી દેખાતી આઇબ્રોને સદાબહાર કહી શકાય.
ભ્રમરમાં હેર-ટ્રાન્સફોર્મેશન માત્ર સેલિબ્રિટીઝ સુધી જ સીમિત છે. બીજું એ કે ભ્રમરના વધારાના વાળ દૂર કરી એને ચોક્કસ આકાર આપવા લેઝર પદ્ધતિનો ઉપયોગ ખાસ લોકપ્રિય નથી. હકીકતમાં તો લેઝરથી અણગમતા વાળ રિમૂવ કરવામાં આવે છે, ઉગાડવામાં નથી આવતા એમ જણાવતાં એલિયન ટેટૂ સ્ટુડિયોના આર્ટિસ્ટ સની ભાનુશાલી કહે છે, આઇબ્રોમાં લેઝર પદ્ધતિ કામ નથી આવતી અને લોકો કરાવતા પણ નથી. આઇબ્રોને આકર્ષક બનાવવા માટે ટેટૂનું ચલણ વધારે છે.
૨૫થી ૩૫ વર્ષની યુવતીઓમાં ટેટૂ બનાવવાની ફેશન છે, પરંતુ સામાન્ય રીતે ટેટૂ બનાવવાનો આગ્રહ એ લોકો જ રાખે છે જેમની આઇબ્રોમાં ખામી હોય. જેમ કે કોઈ અકસ્માતમાં આઇબ્રોના વાળ નીકળી ગયા હોય તો તેમની પાસે ટેટૂ જ એકમાત્ર વિકલ્પ બચે છે. યુવતીઓને પોતાની આઇબ્રોથી સંતોષ થતો નથી. તેમને લાંબી અને ઘટ્ટ આઇબ્રોનો મોહ હોય છે. તેમના મગજમાં એક વાત બેસી ગઈ હોય છે કે તેમની આઇબ્રો ચહેરાને અનુરૂપ નથી એટલે ટેટૂ દ્વારા એને એન્લાર્જ કરવાની માગણી કરે છે. આઇબ્રો-ટેટૂ બનાવવા આવતા ક્લાયન્ટ્સને અમે એમ જ કહીએ છીએ કે શક્ય હોય ત્યાં સુધી આર્ટિફિશ્યલ આઇબ્રો કરાવવાથી દૂર રહો. આઇબ્રો-ટેટૂ બનાવવાથી દર મહિને આઇબ્રો કરાવવાની ઝંઝટથી બચી જવાય છે. એના કારણે પણ યુવતીઓમાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે. અમે તેમને સલાહ આપીએ છીએ કે જો કુદરતી રીતે તમારી આઇબ્રોમાં વાળ છે તો એની સાથે ચેડાં કરવાની શું જરૂર છે? કાઉન્સેલ કર્યા બાદ પણ જો તેમના ગળે વાત ન ઊતરે તો જ ટેટૂ બનાવી આપવામાં આવે છે.
આઇબ્રો સારી નથી એ વાસ્તવમાં તો સાઇકોલોજિકલ પ્રોબ્લેમ છે. આ પ્રકારનાં ટેટૂ બનાવી આપવાં એ જવાબદારીનું કામ છે, દરેક આર્ટિસ્ટને આવી જવાબદારી આપી ન શકાય. તાલીમબદ્ધ આર્ટિસ્ટ જ કામ હાથમાં લે છે. આમાં મશીનનું પ્રેશર ઓછું કરી કામ કરવું પડે છે. આઇબ્રોલૃ-ટેટૂ ચહેરાની સુંદરતામાં વધારો કરવાનો સૌથી સસ્તો અને સલામત માર્ગ છે. એથી એની લોકપ્રિયતામાં વધારો થયો છે. મારી પાસે મહિને ત્રણથી ચાર યુવતીઓ આઇબ્રો-ટેટૂ બનાવવા આવે છે. આ ઉપરાંત પુરુષોમાં પણ આ પ્રકારનાં ટેટૂનો ક્રેઝ છે. જોકે પુરુષો ત્યારે જ ટેટૂ કરાવે છે જ્યારે તેમની આઇબ્રોમાં કોઈ ખામી હોય.
આઇબ્રો-ટેટૂ ઝીણવટભર્યું કામ છે. હકીકતમાં તો શરીરના અન્ય ભાગ કરતાં અહીં કામ ઓછું હોય છે, પણ બધા આર્ટિસ્ટ આ કામ ન કરી શકે એટલે નિષ્ણાતના હાથ નીચે જ કામ થાય. આ માટે તમારું ડ્રોઇંગ સારું હોવું જોઈએ અને એકાગ્રતા જોઈએ. આઇબ્રો-ટેટૂનો ટ્રેન્ડ છેલ્લા થોડા સમયથી પોપ્યુલર બન્યો છે એનું કારણ છે કોઈ પણ વ્યક્તિના ચહેરા પર સૌથી પહેલી નજર આઇબ્રો પર જ પડે છે. હવે જો તમારી આંખની ઉપર આઇબ્રોમાં વાળ જ ન હોય તો ચહેરો કેવો દેખાય? મારી પાસે એક કેસ આવ્યો હતો, જેમાં છોકરીનો ચહેરો ખૂબ જ સુંદર હતો; પણ આઇબ્રોમાં વાળ ઓછા હોવાના કારણે તે ખૂબ જ હતાશ હતી. તેના ફ્રેન્ડ્સ ચીની કહીને બોલાવતા હતા એ તેને ગમતું નહોતું.
આઇબ્રો-ટેટૂ બનાવ્યા બાદ તેનો આત્મવિશ્વાસ વધ્યો હતો. આઇબ્રો-ટેટૂ કરાવવા આવતા ક્લાયન્ટ્સનું પહેલાં તો મેડિકલ ચેકઅપ કરાવેલું હોવું જોઈએ. ડાયાબિટીઝ કે અન્ય ગંભીર બીમારીનાં લક્ષણ જણાય એવી વ્યક્તિને હું ટેટૂ બનાવી આપવાની ચોખ્ખી ના પાડી દઉં છું. ડોક્ટરની સલાહ વગર ટેટૂ બનાવવાથી આડઅસર થવાની શક્યતા વધી જાય છે. શરીરના અન્ય ભાગમાં જ્યારે ટેટૂ કરવાનું હોય ત્યારે અમે ક્લાયન્ટ્સ સાથે વાત કરીને જાણી લઈએ કે તેમને કોઈ બીમારી કે કોઈ વસ્તુની ઍલર્જી નથીને, પરંતુ આઇબ્રો-ટેટૂ માટે તો તબીબી તપાસનો આગ્રહ રાખવો જ પડે. તેમની સલાહ વગર ગમે એટલા પૈસા ઑફર થાય આઇબ્રોને હાથ લગાવવામાં આવતો નથી.
આઇબ્રો પાસે કોઈ જખમ હોય તો પણ ના પાડી દઈએ. તબીબી ચકાસણી બાદ જ આર્ટિસ્ટ કામ શરૂ કરે છે. ચહેરાનો આકાર અને કેવા પ્રકારની આઇબ્રો જોઈએ છે એ બાબતમાં વાતચીત કર્યા બાદ નાની જગ્યામાં ટેટૂ બનાવવામાં આવે છે. એક વાર ટેટૂ બન્યા બાદ એને એન્લાર્જ કરી શકાય, પણ રિમૂવ ન કરી શકાય એટલે વધારે ઘટ્ટ આઇબ્રો બનાવવાનો આગ્રહ ન રાખવા સૂચવીએ છીએ જેથી ભવિષ્યમાં ફેશન બદલાય તો એમાં વધારે કામ કરી શકાય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com