રાજ્ય સરકાર પાસે 15 હજાર ડોઝની માંગણી સાંજ સુધીમાં 12 હજાર ડોઝ આવી જશે
છેલ્લા એક પખવાડીયાથી શહેરમાં ક્ધજક્ટિવાઇટીઝના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આંખ આવવાના કેસ સતત વધી રહ્યા હોવાના કારણે શહેરમાં હવે આંખના ટીપાંની પણ અછત સર્જાવા લાગી છે. કોર્પોરેશનના તમામ આરોગ્ય કેન્દ્રોમાં આજે સવારે આંખના ટીપાંનો જથ્થો ખાલી થઇ જતા દર્દીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. રાજ્ય સરકાર પાસે 15 હજાર ડોઝની માંગણી કરવામાં આવી છે. જે પૈકી સાંજ સુધીમાં 12 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે.
ગત 17 જુલાઇથી લઇ આજસુધીમાં શહેરમાં કોર્પોરેશનના ચોંપડે આંખ આવવાના 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ એવા કેસ છે કે દર્દી સારવાર કે દવા લેવા માટે કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્ર ખાતે ગયો હોય ખાનગી હોસ્પિટલ કે માત્ર મેડિકલ સ્ટોર્સમાંથી આંખના ટીપાં લઇ સારવાર મેળવી લેનારા દર્દીઓની સંખ્યા અલગ-અલગ છે. શહેરમાં એકપણ ઘર એવું નહિં હોય કે જ્યાં આંખ આવવાનો કેસ નોંધાયો ન હોય. આ ખૂબ જ ચેપી રોગ હોવાના કારણે ઝડપથી ફેલાઇ છે.
શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થી ક્ધજક્ટિવાઇટીઝના ભોગ બની રહ્યા છે. કોર્પોરેશન પાસે આંખના ટીપાંના 12 હજાર ડોઝનો જથ્થો ઉપલબ્ધ હતો. છેલ્લા એક સપ્તાહથી કેસમાં વધારો થઇ રહ્યો હોવાના કારણે આજે સવારે તમામ આરોગ્ય કેન્દ્રો પર એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા કે હાલ આંખના ટીપાંનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓને આપી શકાશે નહિં. સવારથી આરોગ્ય કેન્દ્ર ખાતે ગયેલા દર્દીઓને ધરમનો ધક્કો થયો હતો.
દરમિયાન આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસે આંખના ટીપાંના 15 હજાર ડોઝની માંગણી કરવામાં આવી છે. જો કે, હાલ રાજ્યભરમાં ક્ધજક્ટીવાઇટીઝના કેસોમાં સતત વધારો થઇ રહ્યો હોવાના કારણે સરકારે તમામ સ્થળોએ ટીપાં પહોંચાડવા પડે છે. છતાં રાજકોટને સાંજ સુધીમાં 12 હજાર ડોઝની ફાળવણી કરી દેવામાં આવે તેવી બાંહેધરી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વેક્સિનના ડોઝની ફાળવણી સમયે પણ સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવતી હતી. પરંતુ પર્યાપ્ત માત્રામાં કોરોનાના વેક્સિનના ડોઝ ફાળવવામાં આવતા ન હતા. ક્ધજક્ટીવાઇટીઝના ડોઝ ફાળવવામાં પણ સરકાર આવું નહિં કરે તેવી દહેશત પણ સ્ટાફને સતાવી રહી છે. હાલ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અને દવા લેવા આવતા ક્ધજક્ટીવાઇટીઝના દર્દીઓને ખાનગી મેડિકલ સ્ટોર્સમાંથી આંખના ટીપાં લેવાની ફરજ પડી રહી છે.