ચક્ષુદાનનું મહત્વ વધી રહ્યું હતું. ત્યાં જ કોરોનાએ આંશિક બ્રેક મારી છે. છ્તા આજે પણ મૃત્યુ પછી ઘણા ચક્ષુદાન માટે તત્પર છે.
તેઓની મૂંઝવણ મહામારી છે. કોરોનાકાળમાં ઘણા વડીલો પોઝિટિવ થયા હતા. તેઓ મૂંઝવણમાં છે કે, મૃત્યુ પછી ચક્ષુદાન કરી શકાય કે કેમ? આ દિવ્યદ્રષ્ટિ દાનમાં સંસ્થાઓ પણ સંકળાયેલી હોય છે. ત્યારે તેઓ તજજ્ઞો પાસે માર્ગદર્શન મેળવવા આતુર હોવાથી અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના આંખ વિભાગના તબીબોએ ગાઈડલાઇન આપી છે.
અદાણી મેડિકલ કોલેજના પ્રોફે.અને જી.કે.ના આંખ વિભાગના વડા ડો. કવિતા શાહે કહ્યું કે, કોવિડ-19 પેંડેમીકમાં આંખ અને કોરોના સંદર્ભ વખતો-વખત ‘આઈ બેન્ક એસોશિયેશન ઓફ ઈન્ડિયા’દ્વારા ચક્ષુદાન માટે અપાયેલી સલાહ મુજબ જે વ્યક્તિ કોરોનાગ્રસ્ત (પોઝિટિવ) હોય અને મૃત્યુ થાય તો ચક્ષુદાન લેવાય નહીં.
બીજી પણ એવી એક માર્ગદર્શિકા છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેને કોરોના ન હોય(નેગિટિવ હોય) પણ એક મહિના પહેલા કોરોના હતો તો પણ ચક્ષુદાન સ્વીકારી શકાય નહીં. એવું તેમણે જણાવ્યુ હતું. જો આ મહામારી કોઈને પણ સ્પર્શી ન હોય તો કોઈપણ વ્યક્તિ ચક્ષુદાન કરી શકે છે.