ભારતમાં જંગલી પ્રાણીઓની ઘણી દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. ઘણા ખરા એવા વન્ય જીવો છે જે માત્ર એશિયા અને એમાં પણ ખાસ ભારતમાં જ જોવા મળે છે. જે પ્રાણીને જોવા માટે લોકોની આંખો તડપતી હોય છે, એવો દીપડો તાજેતરમાં ભારતમાં જોવા મળ્યો છે.
આ કોઈ સામાન્ય દીપડો નથી, કે જેનો રંગ પીળો, કેસરી હોય આ છે ‘ગુલાબી’ રંગનો દીપડો. જી હા, જોયો છે ક્યારેય ગુલાબી રંગનો દીપડો ? દક્ષિણ આફ્રિકામાં જોવા મળતો આ દીપડો ભારતમાં તાજેતરમાં પ્રથમવાર જોવા મળ્યો છે.
આ દીપડો દક્ષિણ રાજસ્થાનની અરવલ્લી પહાડીઓના રાણકપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં પહેલીવાર સ્ટ્રોબેરી લેપર્ડ એટલે કે પિંક વર્ઝન દીપડો રાજસ્થાનમાં જોવા મળ્યો છે. રાણકપુર અને કુંભલગઢમાં રહેતા સ્થાનિક લોકોએ પણ જણાવ્યું કે તેઓએ તેમના વિસ્તારમાં ઘણી વખત મોટી જંગલી બિલાડી જોઈ છે. જેનો રંગ ગુલાબી છે. વન્યજીવ નિષ્ણાતોના મતે તે અતિ દુર્લભ દીપડો છે. અત્યાર સુધી ભારતમાં ફક્ત તેના વિશે સાંભળ્યું છે. પણ હાલ રાજસ્થાનના અરવલ્લી રેન્જમાં તે ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે.
જો ક્લાઉડ ડિસોઝાના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો, આ અગાઉ વર્ષ 2012 અને 2019માં દક્ષિણ આફ્રિકામાં આ પ્રકારનો ગુલાબી ચિત્તો જોવા મળ્યો હતો. હાલ જે અરવલ્લી પહાડીઓના રાણકપુર વિસ્તારમાં દીપડો જોવા મળ્યો છે તેનો દુર્લભ ફોટો ઉદયપુર સ્થિત વન્યજીવ સંરક્ષક અને ફોટોગ્રાફર હિતેશ મોટવાણીએ પોતાના કેમેરામાં કેદ કર્યો છે. વન્યજીવ સંરક્ષણવાદી અને WCCB સભ્ય અનિલ રોજર્સે આ અંગે જણાવ્યું કે અરવલ્લીની ગિરિમાળામાં ગુલાબી દીપડાને જોવો એ ગર્વની સાથે સાથે ચિંતાનો પણ વિષય છે.
ઉદયપુરના વન્યજીવ સંરક્ષક અને ફોટોગ્રાફર હિતેશ મોટવાણીએ જણાવ્યું કે તેમણે આ તસવીરો કેપ્ચર કરી છે. તેણે કહ્યું કે આ માટે તે ચાર દિવસ સુધી મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે તેણે આ દીપડો જોયો. આ પિન્ક લેપર્ડની ઉંમર 5થી 6 વર્ષ હોવાનું મનાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અગાઉ દક્ષિણ આફ્રિકામાં ગુલાબી રંગનો ચિત્તો જોવા મળ્યો હતો. આનુવંશિક પરિવર્તનને કારણે આ ચિત્તાનો રંગ બદલાય છે. પરંતુ તે તદ્દન દુર્લભ છે. ભારતમાં વર્ષ 1910માં સૌપ્રથમ સફેદ દીપડો જોવા મળ્યો હતો.