શેરી,ચોક, કારખાના વિસ્તારના પશુ-પંખી, શ્ર્વાન માટે સૌ નગરજનો પોતાની રીતે પણ તેને ભોજન કરાવે, કરૂણા ફાઉન્ડેશન કે એનિમલ હેલ્પલાઈન બધે જ ના પહોંચી વળે, લોકો મદદ કરે
લોક ડાઉનના પગલે અત્યારે સૌથી કપરી સ્થિતિ પશુ-પંખી કે શ્ર્વાન જેવાની છે. જેને ખાવાની તકલીફ પડી રહી છે. કારખાના વિસ્તાર કે જુદી જુદી બહારની બાંધકામ સાઈટ કે જયા પહેલા લોકો હતા તેથી શ્ર્વાનને તકલીફ નહોતી પણ આજે બધા ચાલ્યા જવાથી શ્ર્વાનો પંખીઓ ખોરાક માટે કયા જાય તે લાગણીસભર પ્રશ્ર્ન છે.
કોરોના સામે કરૂણા સભર કામગીરી કરતી સંસ્થાએ શહેરનાં તેમજ આસપાસના ૨૦ જેટલા ચબુતરામાં ૨૨૦૦ કિલો ચણ (બાજરી-મકાઈ વિગેરે) વિવિધ ૬ ટીમ દ્વારા વિતરણ વ્યવસ્થા કરાય છે. દિવસ-પાંચની કામગીરીમાં વિવિધ વિસ્તારોનાં ૯૦૦ જેટલા શ્ર્વાનોને ભોજન કરાવેલ હતુ.
ચબુતરામાં પાણી, માછલીઓ માટે ૬૦ કિલો ‘ફીશફૂડ’ પણ અપાયું હતુ આ સાથે ગૌશાળા પાંજરાપોળમાં પણ ઘાસની વ્યવસ્થા કરાય હતી. સમગ્ર રાજકોટમાં આ નોખી-અનોખી સેવામાં અર્હમ યુવા સેવા ગ્રુપ, વર્ધમાનનગર યુવક ગ્રુપ સહિતની સંસ્થાનો આર્થિક સહયોગ મળ્યો છે.
આ વિશિષ્ટ સેવા કાર્યોમાં સતત દોડતા મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણીની ટીમે ડે બાય ડે આયોજન કરી નિયમિત સવારથી જ આવા મુંગા અબોલ જીવ માટે ભોજન-ખોરાકની વ્યવસ્થા કરાય છે. હાઈવે-સીમ, વગડામાં રહેતા પશુ પંખી, શ્ર્વાનોની કફોડી સ્થિતિ થઈ ગઈ છે. નગરજનોને પણ વિનંતી કે તમારી આસપાસ શ્ર્વાન-પંખીઓ જોવા મળે તો તેને ચણ-ખોરાક-પાણી આપીને તેની મુશ્કેલીમાં રાહત આપીને સેવાયજ્ઞ કરજો.