મમતા બેનર્જી અકસ્માતના નામે સહાનુભુતિનું રાજકારણ રમતા હોવાનો વિરોધીઓનો આક્ષેપ: ભાજપે સીબીઆઈ તપાસની કરી માગ
પં.બંગાળમાં ચૂંટણી જવર ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે ત્યારે બંગાળના વાઘણ ગણાતા મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે આરપારની લડાઈ મંડાઈ ચૂકી છે. તેવા સંજોગોમાં મમતા બેનર્જી પર થયેલા કથીત હુમલામાં કોનો હાથ છે તે પ્રશ્ર્નએ ચર્ચાની આંધી ચલાવી છે. વિરોધીઓએ આ કથીત અકસ્માતને પણ સહાનુભુતિનું નાટક ગણાવ્યું હતું. મમતા બેનર્જીને નડેલા અકસ્માતને રાજકીય રીતે હુમલો ગણવામાં આવી રહ્યો છે ત્યારે પં.બંગાળમાં ચૂંટણી ઘમાસાણ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે મમતા બેનર્જી પર આવી પડેલ આ સંકટને કાવતરૂ ગણવામાં આવી રહ્યું છે. નંદીગ્રામમાં જ્યાં મમતા બેનર્જીને રાખવામાં આવ્યા છે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોએ મમતા બેનર્જી સાથેના આ આકસ્મીક સંજોગોને વિરોધીઓનું કાવતરુ ગણાવી બંગાળમાં ઉગ્ર દેખાવો શરૂ કરી દીધા છે. બીજી તરફ ભાજપે આ અકસ્માતને સહાનુભુતિ મેળવવા માટેનું ષડયંત્ર ગણાવી સીબીઆઈ તપાસની માંગ કરી છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી અને ટોચના નેતાઓએ હોસ્પિટલમાં સતત હાજરી આપી છે અને આ અકસ્માત રાજકીય કાવતરું હોવાનું તેમણે જણાવ્યું હતું. અત્યારે બંગાળમાં એક તરફ ચૂંટણીનું રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે ત્યારે જ મમતા બેનર્જી સાથે સર્જાયેલી આ દુર્ઘટનાએ રાજકીય રૂપ લઈ લીધું છે.