અતિ ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ મોડમાં : ગોવા અને મહારાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
રાજ્યભરમાં આવતીકાલે ગુરુવારે અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. જો કે ગુજરાતની સાથે ગોવા અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી જાહેર કરીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અતિ ભારે વરસાદ પડવાનો હોય ગુજરાતમાં આવતીકાલે ગુરૂવાર માટે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. જો કે તાજેતરમાં મેઘરાજાએ ત્રણથી ચાર દિવસ સટાસટી બોલાવીને રીતસરનો કહેર મચાવ્યો હતો. હજુ પણ દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં ગત મેઘકહેરની ખાના ખરાબી સરખી થઈ નથી ત્યાં ફરી એક વખત મેઘરાજા તોફાની ઇનિંગ્સ રમવા આવી ગયા છે.
અગાઉ હવામાન વિભાગે બુધવાર અને ગુરૂવારે અતિભારે વરસાદની આગાહી કર્યા બાદ તા. ૧૭થી ૨૩ સુધી પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડવાનો હોવાની આગાહી આપી હતી. જો કે આજરોજ હવામાન વિભાગે વધુ એક આગાહી જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગુરુવારનો દિવસ ભારે રહેવાનો છે. ગુરુવારના દિવસે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેના પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે તમામ જિલ્લાઓમાં તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. જે તે જિલ્લાઓમાં અગાઉથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટિમો ફાળવવામાં આવી હતી. તે ટીમોને નીચાણવાળા વિસ્તારોમાં તૈનાત કરવાની તૈયારી હાથ ધરી દેવામાં આવી છે. અગાઉના ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ત્યારે આવતીકાલના ભારે વરસાદથી કોઈ જાનહાનિ ન થાય અને ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો જિલ્લાઓમાં હાથ ધરાઈ રહ્યા છે.
વધુમાં મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના અનેક ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. અને અનેક ડેમો ઓવરફ્લો થવાની અણીએ પહોંચ્યા છે. ત્યારે હવે વધુ વરસાદ આવ્યે આ ડેમોના દરવાજા ખોલવાની નોબત આવશે.
જેથી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાશે. માટે આ ડેમના નીચાણવાળા વિસ્તારો માટે આગામી દિવસ કપરો સાબિત થવાનો છે.
રાજકોટ જિલ્લાના ૧૨ ડેમોમાં નવા નિરની આવક
રાજકોટ જિલ્લામાં ગઈકાલે મેઘમહેરના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ ડેમોમાં નવા નિરની આવક નોંધાઇ છે. જેમાં ભાદરમાં સપાટી ૦.૫૬ ફૂટ વધી હતી. જ્યારે આજી-૧ ડેમની સપાટી ૦.૧૦ ફૂટ, આજી-૩ ડેમની સપાટી ૦.૩૩ ફૂટ, સોડવદર ડેમમાં સપાટી ૧.૯૭ ફૂટ, સુરવો ડેમમાં સપાટી ૦.૫૯ ફૂટ, ગોંડલી ડેમમાં સપાટી ૦.૯૭ ફૂટ, ન્યારી ૧ ડેમમાં સપાટી ૧.૧૫ ફૂટ, મોતીસર ડેમમાં સપાટી ૨.૯૫ ફૂટ, લાલપરી ડેમમાં સપાટી ૦.૦૭ ફૂટ, છાપરવડી-૧ ડેમમાં સપાટી ૪.૫૯ ફૂટ, છાપરવડી-૨ ડેમમાં સપાટી ૧.૯૭ ફૂટ અને ભાદર-૨ ડેમમાં સપાટી ૧.૪૮ ફૂટ વધી છે.
આ સાથે મોરબી જિલ્લામાં મચ્છું-૧ ડેમની ૦.૧૦ ફૂટ, ડેમી-૨ ડેમની ૦.૧૬ ફૂટ અને મચ્છું-૩ ડેમની ૪.૯૦ ફૂટ સપાટી વધી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વર્તુ-૨ ડેમમાં ૦.૦૭ ફૂટ સપાટી વધી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વાંસલ ડેમમાં ૦.૪૯ ફૂટ, ભોગાવો-૨ ડેમમાં ૦.૧૬ ફૂટ, નીંભણી ડેમમાં ૩.૨૮ ફૂટ સપાટી વધી છે.
રાજ્યના ૧૯૩ તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ઉંમરગામમાં ૪ ઇંચ
રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૩ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં અંદાજે ૧૦૦ જેટલા તાલુકાઓમાં વરસાદી ઝાપટા નોંધાયા છે. બાકીના તાલુકાઓમાં અડધા ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં ૪ ઇંચ જેટલો નોંધાયો છે. વડોદરાના ડભોઈમાં ૩ ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં સવા બે ઇંચ, લાખાણીમાં સવા બે ઇંચ, અમીરગઢમાં બે ઇંચ, તાપીના નિઝરમાં બે ઇંચ, અમદાવાદના ધંધુકામાં બે ઇંચ, માણાવદરમાં પોણા બે ઇંચ, વંથલીમાં પોણા બે ઇંચ, જામજોધપુરમાં દોઢ ઇંચ, મહુવામાં દોઢ ઇંચ, કોટડા સાંગાણીમાં સવા ઇંચ, ગઢડામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.
ભાદર-૨ ડેમના બે દરવાજા ખોલાયા
ધોરાજી પંથકમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતાં નવા નીર આવતા રાત્રે આઠ વાગ્યે ભાદર બે ડેમના ૨૨ દરવાજામાંથી બે દરવાજા ૧.૨૫ ફૂટ છોડાયા હતા અને ૩૨૮૮ ક્યુસેક પાણી છોડવામાં આવેલ. ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, પોરબંદર સુધી તમામ નદી કાંઠે આવતા વિસ્તારો અને ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.