રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકામાં ૧૪ ઈંચ સુધી વરસાદ: સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ
રાજ્યભરમાં આજે અને કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી: તંત્ર એલર્ટ
જોડીયા-ટંકારામાં ૧૫ ઈંચ, મોરબી-અંજારમાં ૧૩ ઈંચ, મુળી-વાંકાનેરમાં ૧૨ ઈંચ, હળવદ-લખતરમાં ૮ ઈંચ અને રાજકોટમાં ૬॥ ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં હાલ સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તો જાણે અતિવૃષ્ટિના એંધાણ થવાના હોય તેમ વરસાદ ધમરોળી રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૧ તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો ૯૪.૫૭ ટકા વરસાદ વરસી ચૂકયો છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે નદી, નાળા, ડેમો છલકાઈ ગયા છે. નદીઓમાં પુરની સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓના રસ્તાઓ પણ પાણી-પાણી થઈ ગયા છે. એક દિવસમાં જ રાજ્યમાં ૨૫૧ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના જોડીયામાં ૧૫ ઈંચ, ટંકારામાં ૧૨ ઈંચ, બેચરાજીમાં ૧૦ ઈંચ, ઉમરાપાડામાં ૯ ઈંચ અને સરસ્વતીમાં સવા આઠ ઈંચ અને મોરબીમાં ૧૦ ઈંચ ખાબક્યો છે. રાજકોટમાં પણ ગઈકાલ સવારથી સર્વત્ર મેઘમહેર જામી છે. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો રાજકોટમાં પણ ૬ થી ૭ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલે બે દિવસ રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૩૦ કલાકથી રાજ્યભરમાં અવિરત મેઘમહેર થતાં રાજ્યના ૮ સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. અનેક લોકો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી હતી. જો કે, તંત્ર એલર્ટ હોય એનડીઆરએફની ટીમ દ્વારા મોટાભાગના લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં ગઈકાલ સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને રામનાથપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી થઈ ગયું છે. રામનાથ નદી બે કાંઠે વહેવા લાગી છે. લગભગ ૨૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં પણ આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટના તમામ તાલુકામાં તેમજ મોરબી, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર સહિતના તમામ ગામોમાં ભારે વરસાદ ખાબક્યો છે અને જાણે અતિવૃષ્ટિના એંધાણ થઈ રહ્યાં છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘો જાણે મહેરબાન થયો હોય તેમ મોરબી અને જોડીયામાં તેમજ ગીર-સોમનાથમાં પણ ભારે વરસાદથી અનેક લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબીના ટંકારામાં અને જામનગરના જોડીયામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદ વરસતા મોરબી અને જામનગર જિલ્લાના ગામો જાણે જળ મગ્ન થઈ ગયા હોય અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. મોરબીમાં ધોધમાર વરસાદથી શનાળા રોડ, રવાપર રોડ, રામચોક, દરબારગઢ, નાની બજાર, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરના લાયન્સનગર અને રણછોડનગર વિસ્તારમાં તો ઘરમાં વરસાદી પાણી ભરાયા હતા. તો હળવદ તાલુકામાં વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થયા હતા. હળવદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જિલ્લાના માળીયા મિયાણામાં પણ મેઘરાજા મન મુકી વરસ્યા હતા. હરિપર, કેરાળી ગામના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હતો. હરિપરથી મોરબી જવાનો એકમાત્ર માર્ગ બંધ થતા રાહદારીઓ મુશકેલીમાં મુકાયા હતા. માળીયા તાલુકા ઘોળધ્રોઈ નદી બે કાંઠે વહેતા, સુલતાનપુ, ચીખલી, રાપર ગામને સાવચેત રહેવા સુચના આપી છે. મોરબીમાં વરસેલા ધોધમાર વરસાદથી મચ્છુ-૨ ઓવરફલો થયો છે. મચ્છુ-૨ના ૧૨ દરવાજા ૪ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ મચ્છુ ડેમમાંથી ૬૯૬૧૬ ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ રહી છે.
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલથી વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાનો મુકામ છે. સૌથી વધુ વરસાદ જામનગરના જોડિયામાં ૧૫ ઈંચ જેટલો વરસ્યો હતો. જામનગર જિલ્લાના કાલાવડમાં ૨ ઈંચ, જામજોધમુરમાં ૧ ઈંચ, જામનગર શહેરમાં પોણા પાંચ ઈંચ, ધ્રોલમાં ૫ ઈંચ અને લાલપુરમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો છે અને આજે સતત બીજા દિવસે પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથમાં પણ ફરીથી વરસાદ તૂટી પડ્યો છે. ગીરગઢડામાં આભ ફાટવા જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ૪ ઈંચથી વધુ વરસાદ પડતા રૂપેણ નદીમાં ભારે પુર આવ્યું હતું. નદીમાં પાણી આડાફાટી ખેતરોમાં ઘુસ્યા હતા. જેથી ખેતરોમાં પણ ભારે નુકશાની જોવા મળી હતી. ગીર સોમનાથના ગીર ગઢડા અને જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ભરાયા હતા. જેને લઈ અરણેજ, દેવડી, કાંટાળા, ઘાટવડામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો અનેક ગામમાં નદીઓ વહેતી થઈ હતી જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા હતા. આ ઉપરાંત વાત કરીએ તો ગીરમાં ધોધમાર વરસાદને કારણે સાંગાવાડી નદી, સોમત નદી અને રૂપેણ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. સોમત નદી ગાંડીતુર બની વહેતા સોમનાથ કોડીનાર રોડ બંધ કરવાની ફરજ પડી હતી. ઉપરવાસમાં પણ વરસાદ અવિરત હોવાથી રાવલ ડેમ અને મછુન્દ્રી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે.
મેઘરાજાની જમાવટ: રાજ્યમાં સીઝનનો ૧૦૨.૭૩ ટકા વરસાદ
સૌરાષ્ટ્રમાં ૧૩૪.૮૧ ટકા અને કચ્છમાં ૧૮૮.૦૪ ટકા વરસાદ
રાજ્યમાં અવિરત મેઘકૃપા યથાવત છે. અત્યાર સુધીમાં રાજ્યના તમામ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં સીઝનનો કુલ ૧૦૨.૭૩ ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં સીઝનનો ૧૮૮.૦૪ ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં ૮૭.૪૪ ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ૯૦.૨૧ ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૬.૮૮ ટકા વરસાદ જ્યારે સૌરાષ્ટ્રમાં ૧૩૪.૮૮ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૬.૯૮ ટકા અત્યાર સુધીનો વરસાદ વરસી ચૂકયો છે. સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. શનિવારે રાત્રીથી શરૂ થયેલો વરસાદ રવિવારે બપોર સુધી ચાલુ રહેવા પામ્યો હતો. આ વખતે ઉત્તર ગુજરાતના તમામ ૫૧ તાલુકામાં ૧૨ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. કડીમાં વિક્રમ સર્જક ૧૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. બેચરાજીમાં ૯ ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. મધ્ય ગુજરાતના મહિસાગરમાં તથા જૂનાગઢના ગીરમાં પણ ૧૦-૧૦ ઇંચ વરસાદ થવા પામ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૩૪ ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે. હવે સરેરાશથી માત્ર ૨ ઇંચ વરસાદની જરૂર છે. આ કારણે ધરતીપુત્રો પણ ગેલમાં આવી ગયા છે.