10 લાખથી વધુ લોકો હજુ પ્રિકોશન ડોઝ લેવામાં બાકી: બુસ્ટર ડોઝનો ચાર્જ વસૂલવાનું શરૂ કરાયાં બાદ વેક્સિનેશન સેન્ટરો પર ઉડે ઉડે

વૈશ્વિક મહામારી કોરોનાને હરાવવા માટેનું એકમાત્ર હથિયાર વેક્સિનેશન છે. શહેરમાં 13 લાખથી પણ વધુ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધાં બાદ પ્રિકોશન ડોઝ લેવામાં ભારે આળસ દાખવી રહ્યાં છે. 10 લાખથી વધુ લોકો હજુ પ્રિકોશન ડોઝ લેવામાં બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, બુસ્ટર ડોઝનો ચાર્જ વસૂલવામાં આવતો હોવાના કારણે લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.

રાજકોટમાં 14,51037 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જ્યારે 13,25,546 લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ લીધાં છે. બંને ડોઝ લીધાં બાદ નવ મહિનાનો સમય વિત્યા પછી પ્રિકોશન ડોઝ આપવામાં આવે છે. આજ સુધીમાં માત્ર 3,13,082 લોકોએ જ બંને ડોઝ ઉપરાંત પ્રિકોશન ડોઝ લીધો છે. હજુ 10 લાખ જેટલા લોકો બુસ્ટર ડોઝ લેવામાં બાકી છે. જે પૈકી કેટલાંકને હજુ બીજો ડોઝ લીધાને નવ મહિનાના સમય થયો ન હોવાના કારણે તેઓ પ્રિકોશન ડોઝ માટેની લાયકાત ધરાવતા નથી.

બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા 75 દિવસ સુધી બુસ્ટર ડોઝ મફ્તમાં આપવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો હોવાના કારણે લોકો થોડા ઉદાસીન હોવાનું મનાઇ રહ્યું છે. બીજી તરફ જે લોકો પ્રથમ અને બીજા ડોઝની લાયકાત ધરાવે છે તેવા પણ હજ્જારો લોકો વેક્સિનનો ડોઝ લેવા માટે આવતા નથી. વિશ્ર્વના કેટલાંક દેશોમાં ફરી કોરોનાએ હાહાકાર મચાવી દેવાનું શરૂ કર્યું છે. ત્યારે શહેરીજનો કોરોના વેક્સિનના ત્રણેય ડોઝ લઇ સુરક્ષિત થાય તેવી અપિલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.