શિયાળુ પાકનું ઉત્પાદન વિપુલ માત્રામાં આવવા ઉપરાંત સરકારે મોટાભાગના પાકોમાં ટેકાના ભાવો નિશ્ર્ચિત કર્યા હોય જગતાતને વધારે આર્થિક ફાયદાની સંભાવના
ચાલુ વર્ષે મોડેથી આવેલા ચોમાસાએ પાછોતરી જમાવટ બોલાવી હતી. જેથી, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ૧૪૮ ટકા સુધીનો વરસાદ નોંધાયો હતો. અતિવૃષ્ટિની આ સ્થિતિના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન તો થયું હતું પરંતુ સાથો સાથ અનેક ફાયદાઓ પણ થયા હતાં. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના ડેમોમાં દોઢથી બે વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયો છે. ઉપરાંત પાણીના ભૂસ્તર ઉંચા આવતા આગામી બે વર્ષ સુધી સિંચાઈ માટે પાણીની તંગી નહીં રહે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. અતિવૃષ્ટિના કારણે રાજ્યમાં શિયાળુ પાકના વાવેતરમાં ૨૭ ટકા જેવો ધરખમ વધારો થવા પામ્યો છે. જેટલી શિયાળુ પાકના ઉત્પાદન મબલખ માત્રામાં આવવાની સંભાવના છે. રાજ્ય સરકારે મગફળી સહિતના મોટાભાગના પાકોમાં ટેકાના ભાવો જાહેર કર્યા હોય ખેડૂતોને આ વિપુલ પાક ઉત્પાદનની ભારે આર્થિક લાભ થવાની સંભાવના કૃષિ નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે.
રાજ્યના કૃષિ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવાયું છે કે શિયાળુ પાકના ગત વર્ષના ૨૫.૭૫ લાખ હેકટરના વાવેતર સામે આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ૩૨.૭૨ લાખ હેકટર જમીનમાં વાવેતર થયું છે. જેથી, શિયાળુ પાકના વાવેતરમાં આ વર્ષે ૨૭ ટકા જેવો ભારે વધારો થવા પામ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં શિયાળુ પાકના વાવેતરની સરેરાશ ૩૧.૧૯ લાખ હેકટર રહેવા પામી છે. જેમાં આ વર્ષે ૪ ટકાનો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે શિયાળુ પાકની વાવણી ઓકટોબરમાં શરૂ થાય છે અને ડિસેમ્બરમાં પાકની લણણી થાય છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ લંબાતા શિયાળુ પાકની વાવણી નવેમ્બર સુધી લંબાઈ હતી. જેથી આ પાકનું ઉત્પાદન જાન્યુઆરીમાં આવવાની સંભાવના છે. ખેતીવાડી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે શિયાળુ પાકમાં ચણા, જીરૂ, ઘઉં અને મકાઈના વાવેતર વિસ્તારમાં વધારો થવા પામ્યો છે. ડુંગળી ભાવે પણ છેલ્લા થોડા સમયથી ઉંચા હોય ખેડૂતોને ડુંગળીનું વાવેતર પણ વધારે કર્યું છે. ગત વર્ષે ડુંગળીનું વાવેતર ૨૪,૮૭૩ હેકટર જમીનમાં થયું હતું જે આ વર્ષે વધીને ૩૨,૬૯૪ હેકટર જમીનમાં થયું છે. જો કે, જમીનમાં વધારે માત્રામાં રહેલા ભેજના કારણે ડુંગળી સહિતના શિયાળુ પાકની ગુણવત્તા પર અસર પડવાની સંભાવના છે. જીરૂના વાવેતરમાં ગત વર્ષે ૩.૨૧ લાખ હેકટર હતું. તેમાં ૨૦ ટકાનો વધારો થઈને આ વર્ષે ૪.૧૭ લાખ હેકટર જમીનમાં વાવેતર થયું છે.
બટેટાના ભાવ હાલમાં વધારે હોવા છતાં ખેડૂતોએ બટેટાનું વાવેતર કરવામાં વધારે રસ દાખવ્યો નથી. જેથી ગત વર્ષે બટેટાનું વાવેતર ૧.૧૩ લાખ હેકટર હતું. તેમાં સામાન્ય વધારો થઈને આ વર્ષે ૧.૨ લાખ હેકટર જમીનમાં થયું છે.
તીડના આક્રમણથી પાકને થયેલી નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવાશે: મુખ્યમંત્રીની જાહેરાત
૨૭ ટીમો દ્વારા ૧૮૧૫ હેક્ટરમાં દવાનો છંટકાવ કરાયો
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, તાજેતરમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં થયેલા તીડના આક્રમણના પગલે ખેડૂતો માટે ઉભી થયેલી સમસ્યા સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત ચિંતિત છે. રાજ્ય સરકારે તીડ નિયંત્રણ માટે દવા છંટકાવ સહિતના તમામ પગલાઓ તાકીદે લીધા છે. વિજય ભાઈ રૂપાણી એ એમ પણ જાહેર કર્યું કે તીડના આ હુમલાથી ખેડૂતોને પાક કે ખેતી સંદર્ભમાં થયેલા નુકશાનની સામે રાજ્ય સરકાર નુકસાનીનો સરવે કરીને સંભવ સહાય આપશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તીડના આક્રમણને ખાળવા રાજ્ય સરકારે સંખ્યાબંધ પગલાં લીધા છે. તીડના ટ્રેકિંગ માટે કુલ ૨૭ ટીમોની રચના કરવામાં આવી છે જેના થકી તીડનું લોકેશન મેળવી ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમ સાથે શેર કરવામાં આવે છે. ખેતીવાડી ખાતાની ટીમો તથા ભારત સરકારના લોકસ્ટ કંટ્રોલ ઓફિસ મારફતે મેલાથીઓન ૯૬% દવાનો છંટકાવ કરીને મોટા પાયે તીડ નિયંત્રણ કરવામાં આવ્યું છે. ખેતીવાડી ખાતાની ફિલ્ડની ટીમો દ્વારા તીડની હાજરી અંગે સતત ટ્રેકિંગ કરવામાં આવે છે. અને રાત્રે જ્યાં તીડનું ઝુંડ સેટલ થાય તેનું લોકેશન ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમને આપવામાં આવે છે જેથી વહેલી સવારે દવાનો છંટકાવ કરી તેનું નિયંત્રણ થઈ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના ૧૧ તાલુકાઓના ૯૫ ગામોમાં તીડની હાજરી જોવા મળી હતી. લોકસ્ટ કંટ્રોલ ટીમની મદદથી કુલ ૧૮૧૫ હેક્ટરમાં જંતુનાશક દવા મેલાથીઓન ૯૬%નો છંટકાવ કરી તેનું નિયંત્રણ કરવામાં આવ્યું છે. તીડના ટોળા ખેતરોમાં બેસે નહિ તે માટે ખેડૂતોને થાળી, નગારા વગાડવા, અવાજો કરી બેસતા રોકવા માટેના પ્રયત્નો કરવાની જાગૃતિ દાખવવા પણ મુખ્યમંત્રી એ ખેડૂતો ને અનુરોધ કર્યો છે. રાત્રિના સમયે દવા છંટકાવ કરવામાં આવે તો અસરકારક નિયંત્રણ મેળવી શકાતું નથી. આથી સવારે પાંચથી છ વાગ્યા આસપાસ દવા છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવે છે. તડકા ની શરૂઆત થતા દસ વાગ્યાની આસપાસ ઉડવાની શરૂઆત કરે છે જેથી તેના નિયંત્રણ માટે ચાર કલાક જેટલો સમય મળે છે અને આ સમયમાં દવા છાંટી તેનું નિયંત્રણ કરવામાં આવે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્ય મંત્રીએ કહ્યું કે તીડના નિયંત્રણ માટેની આ દવાનો હેલિકોપ્ટર થી છંટકાવ થઈ શકતો નથી તેથી ૨૦ જેટલા ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર મારફત ખેતરોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી એ જણાવ્યું કે તીડ ના ટોળા પવન ની ગતિ મુજબ દિશા બદલતા હોય છે એ સંદર્ભ માં આ ઉપદ્રવ હજુ થોડા દિવસ રહેવાની શક્યતા છે. સમગ્ર તંત્ર તેના નિયંત્રણ માટે કાર્યરત છે. જિલ્લા તંત્રને તેના નિયંત્રણ અંગેની કામગીરી કરવા માટે તમામ પ્રકારની શક્યતાઓને ધ્યાનમાં લઇ યોગ્ય લાગે તે કામગીરી કરવા મંજૂરી આપવામાં આવી છે. તીડનો આ પ્રકોપ કુદરતી છે અને તેના નિયંત્રણ માટેના પ્રયત્નો ચાલુ છે. આ સમયે આપણે ખેડૂતો સાથે રહીએ અને કૃષિને સંભવિત નુકશાનથી બચાવી શકાય, એમ તેમણે ઉમેર્યું હતું.