કંડલા એરપોર્ટ પર લઘુત્તમ તાપમાનનો પારો 7.5 ડિગ્રી નોંધાયુ: પોરબંદરનું તાપમાન 11.4 ડિગ્રી
જમ્મુ-કાશ્મીર સહિત દેશના ઉત્તરી રાજ્યમાં પડેલી હિમવર્ષાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. કચ્છનું નલીયા આજે 3.8 ડિગ્રી સેલ્શીયસ સાથે કાતીલ ઠંડીમાં ઠુંઠવાઇ ગયું હતું. અમરેલીનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અને રાજકોટનું લઘુત્તમ તાપમાન 10.3 ડિગ્રી નોંધાયુ હતું. આગામી બે દિવસ હજી કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે.
કચ્છના નલીયાનું તાપમાન ગઇકાલે 4.6 ડિગ્રી નોંધાયુ હતું. આજે નલીયાના લઘુત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આજે નલીયામાં સિઝનનો સૌથી ઠંડો દિવસ રહેવા પામ્યો હતો. નલીયાનું લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યુ હતું. નલીયાવાસીઓ કાતીલ ઠંડીમાં રિતસર ઠીંગરાઇ ગયા હતાં. રાજકોટમાં પણ આજે લઘુત્તમ તાપમાનનો પારો પટકાયો હતો. રાજકોટનું તાપમાન આજે 10.3 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 54 ટકા અને પવનની સરેરાશ ઝડપ 8 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. સવારે 8:30 કલાકે શહેરનું તાપમાન 12.4 ડિગ્રી નોંધાયુ હતું. ગઇકાલની સરખામણીએ આજે લઘુત્તમ તાપમાનમાં પોણો ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો.
સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય શહેરોના લઘુત્તમ તાપમાન પર નજર કરવામાં આવે તો અમરેલીનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્શીયસ, પોરબંદરનું તાપમાન 11.4 ડિગ્રી, કંડલા પોર્ટએરપોર્ટનું તાપમાન 7.5 ડિગ્રી, કંડલા પોર્ટ પરનું તાપમાન 10.5 ડિગ્રી, ડિસાનું તાપમાન 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 14 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 14.8 ડિગ્રી નોંધાયુ હતું. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હાલ બરફ વર્ષા થઇ રહી છે. જેના કારણે કચ્છમાં તિવ્ર કોલ્ડ વેવ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કાતીલ ઠંડી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. આવતીકાલે પણ કોલ્ડવેવ યથાવત્ રહેશે.