કોડીનારના શખ્સે રાજકોટમાં મુથુટ ફાયનાન્સ સાથે કરી છેતરપિંડી
લોન ટ્રાન્સફરથી રકમ ખાતામાં જમા થયા બાદ મેનેજર સાથે સોનું ઉપાડવા ગયો અને ત્યાં ભીડનો લાભ લઈ સોનું લઈ ગાયબ થઈ જતા નોંધાતો ગુનો
રાજકોટમાં લોન ટેકઓવર કરવાના બહાને આરોપી (રહે. સરખડી, તા.કોડીનાર) એ રૂા.19.65 લાખની છેતરપીંડી કર્યાની એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે ભાગી ગયેલા આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
વિગતો મુજબ રાજકોટમાં સ્વપન લોક પ્લાઝામાં આવેલી મુથુટ ફાયનાન્સ કંપનીમાં રીઝયોનલ મેનેજર તરીકે નોકરી કરતા અને મુળ પશ્ચિમ બંગાળના અને હાલ નાણાંવટી ચોક પાસે આનંદ લોક એપાર્ટમેન્ટમા રહેતા સંદિપભાઈ ઘોષ(ઉ.વ. 63) એ તેની ફરિયાદમાં આરોપીમાં કોડીનારના દિવ્યેશ નાગજી રાઠોડનું નામ આપ્યું હતું અને જેમાં તેને જણાવ્યું હતું કે ,તેમની મૃથુટ ફાઇનાન્સની કંપનીની ગોંડલ રોડ પર સમૃધ્ધી ભવનના બીજા માળે શાખા આવેલી છે. જયાં ગઈ તા.23 ના રોજ દિવેશ આવ્યો હતો. જેણે શાખાના મેનેજર ધવલને કહ્યું કે લીમંડા ચોકમાં આવેલી આઈઆઈએફએલ કંપનીમાં તેણે એકાદ કિલો સોનુ ગીરવે રાખી રૂા. 38 લાખની લોન લીધી છે. જેનું વ્યાજ વધુ આવે છે. તમારી કંપનીનું વ્યાજ ઓછું છે. જેથી તમારી કંપનીમાં લોન ટ્રાન્સફર કરાવી છે. બધી વાતચીત થયા બાદ તેણે જરૂરી ડોકયુમેન્ટ અને લોનના કાગળો વગેરે આપ્યા હતા.
જેના આધારે શાખાના મેનેજર ધવલે તેને કહ્યું કે હાલમાં અમારી કંપની તમને આશરે 500 ગ્રામ સોના ઉપર રૂા.19.65 લાખની લોન ટેકઓવર કરી આપશે. બાદમાં તેની પાસેથી સિકયુરીટી પેટે ચેક પણ મેળવ્યો હતો. બધી પ્રક્રિયા બાદ દિવ્યેશની લોન ટેકઓવરની અરજી કંપનીની કોર્પોરેટ ઓફિસ દિલ્હીથી મંજુર થઈ હતી. જેથી ગઈ તા.3 ના રોજ શાખા મેનેજર ધવલે દિવ્યેશને કોલ કરી બોલાવી કહ્યું કે તમારા રૂા.19.65લાખ મંજુર થઈ ગયા છે. ત્યારબાદ તેના બેન્ક ખાતામાં આરટીજીએસથી રકમ ટ્રાન્સફર કરી આપી હતી.
આ પછી શાખાના કર્મચારી વિજયભાઈ વાળા દિવ્યેશની સાથે જમા થયેલી રકમનો ચેક આઈઆઈએફએસએલમાં જમા કરાવી ત્યાંથી સોનું છોડાવી તેની કંપનીમાં જમા કરાવવા માટે રવાના થયા હતા. કોટેચા ચોક પાસે પહોંચતા ટ્રાફિકનો લાભ લઈ દિવ્યેશ ભાગી ગયો હતો. એટલુ જ નહી તેણે પોતાનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. આ રીતે તેની કંપની પાસેથી રૂા. 19.65 લાખ લઈ ઓળવી લેતા તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.