ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા, આગામી 10-15 વર્ષમાં વિશ્વની ટોચની ત્રણ આર્થિક શક્તિઓમાં સામેલ થશે
નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને આગામી 10-15 વર્ષમાં વિશ્વની ટોચની ત્રણ આર્થિક શક્તિઓમાં સામેલ થવાની અપેક્ષા છે. અહીં ભારત-યુએસ બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઈવેન્ટમાં બોલતા નાણામંત્રીએ કહ્યું કે વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ પડકારજનક છે અને ભારતીય અર્થતંત્ર વૈશ્વિક આર્થિક વિકાસની અસરથી મુક્ત નથી. સાથે જ તેમણે કહ્યું કે ભારતમાં મોંઘવારી વધવાનું મુખ્ય કારણ વિશ્વભરમાં થઈ રહેલી ઘટનાઓ છે.
તેઓએ ઉમેર્યું કે પડકારો હોવા છતાં, ભારત દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ, જાહેર રોકાણ, મજબૂત કોર્પોરેટ બેલેન્સ શીટ, ગ્રાહકો અને વ્યવસાયોનો વિશ્વાસ અને કોવિડના ઘટતા જોખમની મદદથી વિકાસના માર્ગ પર આગળ વધવામાં સફળ રહ્યું છે.તેમણે કહ્યું કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ઉભરી આવ્યું છે. તે તાજેતરમાં બ્રિટનને પાછળ છોડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને આગામી 10-15 વર્ષમાં વૈશ્વિક સ્તરે ટોચની ત્રણ આર્થિક શક્તિઓમાં સામેલ થવાની અપેક્ષા છે.
યુએસ-ભારત વેપાર અને રોકાણ તકોની બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારતમાં ફુગાવાના પડકારો બાહ્ય પરિબળો દ્વારા પ્રેરિત છે. તેમણે કાર્યક્રમમાં પ્રશ્ન-જવાબ સત્રમાં જણાવ્યું હતું કે, આજે મોંઘવારીનો આંકડો મેનેજ કરવા યોગ્ય છે. પડકારોનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલની આયાત છે. અમે અમારી કુલ ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 85 ટકા આયાત કરીએ છીએ. બાહ્ય પરિબળો ફુગાવા પર દબાણ લાવી રહ્યા છે. આપણે આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે. સીતારમણે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને નાણા મંત્રાલય બંને ફુગાવાને પહોંચી વળવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
કાર્યક્રમમાં હાજરી આપનાર યુએસ નાણા મંત્રી જેનેટ યેલેને કહ્યું કે આ સમયે વૈશ્વિક આર્થિક પરિદ્રશ્ય ખૂબ જ પડકારજનક છે. તેમણે કહ્યું કે ઉંચો ફુગાવાનો દર હાલમાં ઘણા વિકસિત અને વિકાસશીલ દેશો માટે એક પડકાર છે. વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો આ સમસ્યાનો સામનો કરવાનો પ્રયાસ કરી રહી છે. યેલેને કહ્યું, યુક્રેન પર રશિયાનો હુમલો પણ મોંઘવારીનું મુખ્ય કારણ છે. જેના કારણે ઉર્જા અને ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થયો છે. ઘણા ઊભરતાં બજારો છે, જ્યાં દેવું અને વ્યાજ દરો ઊંચા છે. આવી સ્થિતિમાં ઉર્જા અને ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાથી તેમાંથી કેટલાક માટે દેવાનું દબાણ વધી ગયું છે અને તેના કારણે સંકટ ઉભું થઈ રહ્યું છે. ઉલ્લેનીય છે કે યેલેન હાલ ભારતના પ્રવાસે છે.