એસ્ટ્રોન સોસાયટી, રાજનગર ચોક, પર્ણકુટીર રોડ અને જલારામ હોસ્પિટલ રોડ પાસે ઘેઘુર વૃક્ષો કાંપી નખાયા
રાજકોટમાં ગ્રીનરીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ઉનાળાની સીઝનમાં અનેકવાર રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બની રહે છે. મહાપાલિકાના શાસકો દ્વારા વૃક્ષારોપણ માટે મસમોટી વાતો ચોક્કસ કરવામાં આવે છે પરંતુ જમીની હકીકત કંઇક અલગ જ છે. શહેરમાં આમ પણ વૃક્ષોનું પ્રમાણ ઓછું છે. આવામાં તાજેતરમાં શહેરના વોર્ડ નં.8માં 500 મીટરના અંતરમાં અલગ-અલગ 9 સ્થળોએ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતા પર્યાવરણપ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના પોશ ગણાતા એવા વોર્ડ નં.8ના અલગ-અલગ વિસ્તારોમાં કોઇ શખ્સ દ્વારા 500 મીટરના વિસ્તારમાં 9 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યુ છે. રાજનગર ચોક, પર્ણકુટીર રોડ, એસ્ટ્રોન સોસાયટી રોડ પર ભાજપ કાર્યાલય પાસે ચાર વૃક્ષો, જલારામ હોસ્પિટલ રોડ અને અમિન માર્ગ પર નવ વૃક્ષો કાપી નાખવામાં આવ્યુ છે. આ અંગે ગાર્ડન શાખાની કોઇ મંજૂરી લેવામાં આવી ન હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે. ગાર્ડન શાખાના અધિકારીઓએ જણાવ્યાનુસાર વોર્ડ નં.8માં અલગ-અલગ ત્રણ સ્થળોએ નડતરરૂપ વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી હતી. વિસ્તારમાં નવ સ્થળોએ વૃક્ષ કપાઇ ગયા હોવાની વાતથી ખૂદ અધિકારીઓ પણ અજાણ હોવાનું જાણવા મળી રહ્યુ છે.