- દ્વારકામાં બે વર્ષની બાળકીને પછાડી દઈને મોતને ઘાટ ઉતારી દેવાઈ
Gujarat News : જેના ખંભે બેસીને દુનિયાને જોવાની અને પારખવાની હોય તે જ પિતા ક્રૂરતાની હદ વટાવી માસુમને મોતને ઘાટ ઉતારી દે તો આ સંસારમાં કોની ઉપર ભરોષો કરવો તે સવાલ ઉઠે છે. ભારતીય સમાજ વ્યવસ્થામાં બાળક સંપૂર્ણપણે માતા-પિતા પર નિર્ભર હોય છે અને બાળકને વિશ્વાસ હોય છે કે, તેની ઉપર આવતા તમામ વિઘ્નો સામે તેના પિતા ઝીલી લેશે પણ પિતા જ જીવન સામેનો વિઘ્ન બની જાય તો શું કરવું? છેલ્લા 24 કલાકમાં આ પ્રકારના બે અલગ અલગ બનાવો સામે આવ્યા છે. અમદાવાદ બાદ દ્વારકામાં બે વર્ષની માસુમ બાળકીને સગા પિતાએ જ મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવ્યો છે.
પિતા જ બન્યો યમરાજ
પ્રાપ્ત વિગત અનુસાર પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણની ભૂમિ દ્વારકામાં ગત તા. 29 ફેબ્રુઆરીની સાંજે સાડે સાત વાગ્યાની આસપાસ ઇસ્કોન ગેટ વિસ્તારમાં ઝુપ્પડપટ્ટીમાં રહેતા અને ભીક્ષાવૃત્તિ કરતા શખ્સે પોતાની બે વર્ષની માસુમ બાળકી રોશની પરમારને પછાડી દેતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ બન્યા બાદ આસપાસના લોકો એકત્રિત થઇ જતાં માસુમ બાળકીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ પ્રાથમિક સારવાર મળે તે પૂર્વે જ બાળકીનું મોત નીપજ્યું હતું.
મામલામાં દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઈ. પટેલની ટીમે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. હાલ મામલામાં એવુ પણ જાણવા મળી રહ્યું છે કે, હેવાન પિતાની પત્ની ભાગી ગઈ હોય પોતે બાળકીનું વહન ન કરી શકે તેમ હોય જેના લીધે આ ક્રૂરતાભર્યું પગલું લીધાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ પોલીસે નિર્દય પિતાને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.