- 18 માર્ચના રોજ ગુમ થયેલી 10 વર્ષીય સગીરાનો 5 દિવસ બાદ મળ્યો’તો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ
સુરતના પલસાણામાં આવેલી શિવદર્શન રેસિડેન્સીમાં 10 વર્ષની બાળકી 18 માર્ચના રોજ ગુમ થઈ હતી. જેના 5 દિવસ બાદ બાળકીની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. બાળકીના મૃતદેહનું સુરત સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવતા જાણવા મળ્યું કે, ગુમ થયાના બીજા દિવસે જ સગીરાની હત્યા કરવામાં આવી હતી. હત્યા પહેલા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેના શરીર અને પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાનો પણ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી બે નરાધમોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુરતમાંથી 10 વર્ષીય માસૂમ ગત 18 માર્ચના રોજ ગુમ થઈ ગયા બાદ 23 માર્ચના રોજ શનિવારે તેનો મૃતદેહ તેના ઘરથી 300 મીટર દૂરથી મળી આવ્યો હતો. રવિવારના રોજ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકીની ગુમ થયાના બીજા દિવસે હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.
સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, આ બાળકીનું પેનલ ડોક્ટરો દ્વારા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જે અંદાજે અઢી કલાક જેટલો સમય ચાલ્યું હતું. જેમાં બાળકીના શરીર પર 8થી 10 જેટલા ઉઝરડા અને ચકામાં જેવી ઇજાનાં નિશાન મળી આવ્યાં છે. જ્યારે ગળા પર પણ ઈજાના થયેલી હતી
બાળકી મૂળ આસામની અને હાલ તાતીથૈયા શિવદર્શન સોસાયટીમાં તેની માતા અને સાવકા પિતા સાથે રહેતી હતી. ફળિયામાં રમી રહી હતી તે દરમિયાન ગુમ થતાં કડોદરા પોલીસની ટીમ દોડતી થઈ હતી. સમગ્ર પ્રકરણમાં અપહરણની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ બનાવી આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા, રેલવે ટ્રેક, બંધ બિલ્ડિંગ, નહેર તેમજ ખેતરાડી વિસ્તારોમાં ભારે તપાસ કરી હોવા છતાં કોઈ માહિતી મળી નહોતી. બાળકીના અપહરણને લઈ કોઈ પણ પ્રકારની માગણી પણ કરવામાં આવી નથી. જેથી પોલીસને તપાસમાં કોઈ કડી મળી નહોતી. તાતીથૈયાની આજુબાજુમાં આવેલાં તમામ ગામડાઓ અને હાઇવે ઉપરના અને અન્ય આંતરિક રસ્તાઓના સીસીટીવી પણ ચેક કર્યા હતા પણ પોલીસને સફળતા મળી નહોતી
બાળકીના પીએમ રિપોર્ટમાં બાળકી સાથે રેપ અને બાદમાં ગળું અને મોં દબાવી હત્યા કરી દીધાનું સામે આવતા પોલીસે તપાસ ઝડપી કરી હતી. પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યા, ગેંગરેપ તેમજ પોક્સો એક્ટ હેઠળની કલમ નોંધી હતી.
ઝડપાયેલા દીપક શિવદર્શન કોરી (ઉં.વ. 23) અને અનુજ સુમન પાસવાન (ઉં.વ. 23) બન્ને પરપ્રાંતીય શખસો ભોગ બનનાર બાળકીની સોસાયટીમાં જ રહેતા હતા. બન્ને નજીકના શેરડીના ખેતરમાં બેસવા ગયા હતા અને બેઠા હતા તે દરમિયાન બાળકી આંબલી ખાવા માટે આવી હતી. બન્નેએ બાળકી પર નજર બગાડી નજીકમાં બોલાવી ખેતરમાં ખેંચી લીધી હતી અને મોં દબાવતા બાળકીએ બૂમાબૂમ કરતા ત્રણ ચાર તમાચા પણ મારી દેતા બાળકી ગભરાઈ ગઈ હતી. બન્નેએ વારાફરતી બાળકી પર રેપ કર્યો હતો અને બાળકી નજીકમાં રહેતી હોવાથી જીવતી જવા દે તો પોતાને ઓળખી જાય જેથી બન્નેએ બાળકીની હત્યા કરી દેવાનું નક્કી કર્યું હતું. આથી મોઢું દબાવી હત્યા કરી લાશને ઝાડી ઝાંખરામાં સંતાડી દીધી હતી. બન્ને શખસો પોતાના પર શક ન જાય એટલે પોલીસની ગતિવિધિ પર પણ નજર રાખતા હતા.
પોલીસે 20 ટીમો બનાવી 100 સીસીટીવી કેમેરા તપાસ્યા : 600 થી વધુ ઘરોમાં સર્ચ
પોલીસે આ ગંભીર ઘટનાની તપાસ પ્રોબેશન આઈપીએસ પ્રતિભાને સોંપી છે. તેમની આગેવાનીમાં કડોદરા જીઆઈડીસી સુરત જિલ્લા એસઓજી અને એલસીબીની કુલ 20 ટીમો કાર્યરત કરાઈ હતી. આ ટીમ દ્વારા બાળકી જે વિસ્તારમાં રહેતી હતી તે વિસ્તારમાં ફરીને શકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. 100 જેટલા સીસીટીવી કેમેરા, 600થી વધુ ઘરોમાં સર્ચ કર્યું હતું. સર્ચિંગ દરમિયાન કેટલાક શખસોની પૂછપરછ હાથ ધરી ગુનો ઉકેલવા રાત-દિવસ એક કર્યાં હતાં. તે દરમિયાન બે શંકાસ્પદ શખસો મળી આવતા પોલીસે બંને શખસોની પૂછપરછ કરતા બન્ને ભાંગી ગયા હતા અને સગીરા સાથે રેપ કરી હત્યા કરી દીધી હોવાનું કબલ્યું હતું.
આંબલી ખાવા ગયેલી સગીરાને નરાધમોએ ખેતરમાં ખેંચી જઈ આચર્યું’તું દુષ્કર્મ
ઘટનાના દિવસે બંને શેરડીના ખેતરમાં બેઠા હતા અને દરમિયાન સગીર બાળકી ત્યાં આંબલી ખાવા આવી હતી. એવામાં બંનેએ નજર બગાડીને સગીરાને બોલાવી ખેતરમાં ખેંચી લીધી હતી અને મોં દબાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે સગીરા બંનેને ઓળખી જશે તેવા ડરે તેની હત્યા કરી નાખી હતી અને લાશને ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હતી. આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે પોલીસની ગતિવિધિઓ પર પણ નજર રાખી રહ્યા હતા.