કોરોનાના કેસમાં થઈ રહેલા સતત ઘટાડાને કારણે છૂટછાટો વધારવા પણ નિર્ણય અપાય તેવી સંભાવના
અબતક, ગાંધીનગર
આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં મહત્વના મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવશે.જેમાં ખાસ કરીને મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ખાલી બેઠકો પણ ચુંટણી યોજાવા જઈ રહી છે તેના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત હવે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કેસ નોંધાયો નથી ત્યારે છૂટછાટો વધારવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને રાજ્યમાં રાત્રીના 1 થી સવારે 5 વાગ્યા સુધીનો જ કર્ફયુ રાખવામાં આવે તેવી પુરી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, તહેવારોને પણ ધ્યાને રાખીને પણ છુટછાટો અપાય તેવી પુરી શકયતા છે.
આ ઉપરાંત રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે રાજ્ય કેટલા ટકા વરસાદ પડ્યો તેમજ વરસાદની આગાહી અને વરસાદથી પ્રભાવિત જિલ્લાઓ તથા ઓછો વરસાદ કે નહિવત વરસાદ પડ્યો હોય તેવી જિલ્લાઓની પણ ચર્ચા કરવામાં આવી શકે છે. જો કે આજથી રાજ્યમાં ત્રણ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના છે અને હવામાન વિભાગ દ્વારા પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપી છે. જેને લઈ જે વિસ્તારમાં ભારે વરસાદ આવે ત્યાં અગાઉથી જ એનડીઆરએફની ટિમો તૈનાત કરવા તંત્ર સજ્જ છે જેની કેબિનેટમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
ચાલુ વર્ષે રાજ્યમાં હજુ 41 ટકા વરસાદની ઘટ છે અને ગુજરાતમાં 207 પૈકી માંડ ત્રણ ડેમો અત્યારે સંપૂર્ણ ભરાયેલા છે. જેમાં દક્ષિણ ગુજરાતના 13 પૈકીનું એક ડેમ તથા સૌરાષ્ટ્રના 141 પૈકી 2 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 48.45 ટકા પાણીનો જથ્થો અત્યારે સંગ્રહાયેલો છે.
જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ 40.03 ટકા પાણીનો જથ્થો બચ્યો છે, આખા ગુજરાતમાં ડેમોના પાણીને લઈ હાલ દક્ષિણ ગુજરાતની સ્થિતિ સારી છે, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં અત્યારે 60.40 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 42 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ પાણી મામલે આ વખતે સ્થિતિ ખરાબ છે. ત્યારે જો વરસાદ ખેંચાય તો પાણી કઈ રીતે પહોંચાડવું તેની પણ સમીક્ષા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.