મીઠાઈના બોકસ પર બેસ્ટ બીફોર ડેઈટ અથવા યુઝ બાય ડેઈટ ફરજિયાત દર્શાવવા વેપારીઓને અપાયું માર્ગદર્શન: નિયમનો ભંગ કરનાર સામે ૨ લાખ સુધીના દંડની જોગવાઈ
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના નવા નિયમ મુજબ લુઝ મીઠાઈ વેચનાર વેપારીએ મીઠાઈના બોકસ પર બેસ્ટ બીફોર ડેઈટ લખવી ફરજિયાત છે. દરમિયાન આજે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મીઠાઈના વેપારીઓને ત્યાં વ્યાપક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત મીઠાઈના બોકસ પર બેસ્ટ બીફોર ડેઈટ નહીં લખનાર ૪૫ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના હુકમ અને ગાઈડલાઈન મૂજબ લુઝ મીઠાઈના વેંચાણ સમયે યુઝ બાય ડેઈટ અથવા બેસ્ટ બીફોર ડેઈટ લખવું ગત ૧લી ઓકટોબરથી ફરજિયાત કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના કોટેચા ચોકમાં ધારેશ્ર્વર ડેરી, કાલાવડ રોડ પર જયસીયારામ ભગત પેંડાવાલા, પટેલ ડેરીફાર્મ, ગોકુલ ડેરી ફાર્મ, ગાયત્રી ડેરી ફાર્મ, યુનિવર્સિટી રોડ પર ભારત ડેરી, રામકૃષ્ણ ડેરી, ભવાની ડેરી, ખોડીયાર ફરસાણ એન્ડ સ્વીટ, જલારામ સોસાયટીમાં રામકૃપા ડેરી, ગુંદાવાડી પોલીસ ચોકી પાછળ, શ્રી રામવિજય ડેરી, કેનાલ રોડ પર મહેશ વિજય ડેરી, ન્યુ પટેલ વિજય ડેરી, શ્રદ્ધા ડેરી, ચામુંડા ડેરી, દૂધસાગર રોડ પર મહાદેવ ડેરી, ચુનારાવાડમાં ગજાનંદ ડેરી, મહાલક્ષ્મી ડેરી, રાધેશ્યામ ડેરી, કુવાડવા રોડ પર મહાલક્ષ્મી ડેરી, ગોવિંદબાગ મેઈન રોડ પર ગાયત્રી ડેરી, શક્તિ ડેરી, મહાકાળી ફરસાણ, પેડક રોડ પર સીતારામ વિજય પટેલ ડેરી, ભાવનગર રોડ પર ક્રિષ્ના ડેરી, મારૂતી ડેરી, પેડક રોડ પર ન્યુ ભારત સ્વીટ માર્ટ, જય જલારામ સ્વીટ, પટેલ વિજય ડેરી, ચામુંડા ડેરી, મોરબી રોડ પર પટેલ વિજય સ્વીટ, કાંતા વિકાસ ગૃહ રોડ પર વૃંદાવન ડેરી, ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્ર્વર ડેરી, વાણીવાણી રોડ પર મહેશ વિજય ડેરી, ગાયત્રીનગર મેઈન રોડ જલીયાણ ફરસાણ, શક્તિ ફરસાણ, નિલકંજ ડેરી ફાર્મ, પીપળીયા હોલ રોડ પર આકાશ કેટરર્સ, હસનવાડીમાં તિરૂપતિ ડેરી, શિવમ ડેરી અને બોલબાલા માર્ગ પર સીતારામ ડેરી સહિત કુલ ૪૫ ડેરીમાં ચેકિંગ દરમિયાન નવા નિયમ મુજબ મિઠાઈ બોકસ કે ચોકી પર પેકિંગ ટેગીંગ કરવા નોટિસ ફટકારવામાં આવી હતી.
જો કોઈ વેપારી ટ્રે કે ચોકીમાં મીઠાઈનું વેચાણ કરતો હોય તો તેને પણ ચોકી કે ટ્રે પર બેસ્ટ બીફોર ડેઈટ ફરજિયાત પણે દર્શાવી પડશે. મીઠાઈનું ઉત્પાદન કયારે કરવામાં આવ્યું તે દર્શાવવું ફરજિયાત નથી પરંતુ સ્વૈચ્છીક છે. પરંતુ જો ક્યાં સુધી મીઠાઈનો ઉપયોગ કરી શકાશે તેને તીથી લખવામાં નહીં આવી હોય તો નિયમનો ભંગ કરનાર સામે ફૂડ સેફટી ઓફિસર સબ સ્ટાન્ડર્ડ અન્વયે હેડજ્યુડીકેટીંગની કાર્યવાહી કરશે અને વેપારી પાસેથી ૨ લાખનો દંડ પણ વસુલ કરવા સુધીની જોગવાઈ રાખવામાં આવી છે.