ઈક્વિલાઇઝેશન ચાર્જ અને રેમિટન્સની અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવાઈ
નવા આવકવેરા પોર્ટલમાં તકનીકી ખામીઓને કારણે કનડગત થતા ઈ-ફાઈલિંગ મુદ્દતમાં વધારો કરવા કરદાતાઓ માંગણી કરી રહયા હતા
સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેકટ ટેક્સીસ- સીબીસિટીએ વધુ એક વખત કર સંબંધિત પાલન માટેની સમયમર્યાદા વધારી છે. ઈ-ફાઈલિંગ, ‘ઇક્વિલાઇઝેશન’ ચાર્જ અને રેમિટન્સની મુદ્દત વધી છે. અંતિમ તારીખ 30 જૂન હતી જે વધારી 31 જુલાઈ થયા બાદ હવે 31 ઓગસ્ટ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે ઇક્વલાઇઝેશન ફી એ ભારતમાંથી વિદેશી સર્વિસ પ્રોવાઇડર્સની આવક પરનો ટીડીએસ છે. નાણાકીય વર્ષ 2020-21 માટે ફોર્મ -1માં ઈકવલાઈઝેશનની વિગતો ભરવા વધુ એક માસનો સમય મળશે. જે કરદાતાઓ માટે મોટી રાહતરૂપ છે. એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે કરવામાં આવેલા રેમિટન્સના સંદર્ભમાં અધિકૃત ડીલરો દ્વારા રજૂ કરાયેલા ફોર્મ 15CC માં ત્રિમાસિક નિવેદનો હવે 31 ઓગસ્ટ સુધી દાખલ કરી શકાશે. આ વિગતો રજૂ કરવાની મૂળ તારીખ 15 જુલાઈ હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ જણાવ્યું છે કે કરદાતાઓ અને અન્ય પક્ષોએ માંગ કરી હતી કે અમુક ફોર્મના ઇલેક્ટ્રોનિક ભરણને લગતા મુદ્દાઓને ધ્યાનમાં રાખી સમયમર્યાદા વધારવામાં આવે જેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં, ઇ-ફાઇલિંગ માટેની સુવિધાઓની ઉણપને ધ્યાનમાં રાખીને, સીબીડીટીએ પેન્શન ફંડ અને સરકારી સંપત્તિ ભંડોળ દ્વારા માહિતી સંબંધિત ઇલેક્ટ્રોનિક ફાઇલિંગની નિયત તારીખો વધારવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નવા આવકવેરા પોર્ટલમાં તકનીકી ખામીઓને કારણે, કરદાતાઓને નિયમોનું પાલન કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને ઘણા કરદાતાઓ નિયત તારીખમાં પાલન કરી શક્યા ન હતા. જો કે હવે સમયમર્યાદા વધારવાથી કરદાતાઓને ઘણી રાહત મળશે. તે જ સમયે, તે આવકવેરા પોર્ટલમાં તકનીકી ખામીઓને કારણે અગાઉની સમયમર્યાદાનું પાલન ન કરવા બદલ શિક્ષાત્મક કાર્યવાહીથી પણ બચશે.