મોદી મંત્ર-1 : અર્થતંત્રનો વિકાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દૌસા ખાતેથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના પહેલા ફેઝ
દિલ્હી-દૌસા-લાલસોટનો કરાવ્યો શુભારંભ, દિલ્હીથી જયપુર હવે 5ની બદલે 3 કલાકમાં જ પહોંચી શકાશે
દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો એક્સપ્રેસ વે પરિવહનને બનાવસે સરળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દૌસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના પહેલા ફેઝ દિલ્હી-દૌસા-લાલસોટનો શુભારંભ કરાવ્યો હતો.પહેલા ફેઝ પછી હવે બીજા અને ત્રીજા ફેઝની શરૂઆત પણ આ જ વર્ષે થશે. આ એક્સપ્રેસ વે રાજકીય રાજધાનીથી આર્થિક રાજધાનીને જોડશે અને દેશની દિશા અને દશા બદલી દેશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. એક્સપ્રેસ વે 93 પીએમ ગતિ શક્તિ ટર્મિનલ, 13 બંદરો, આઠ મોટા એરપોર્ટ અને આઠ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક તેમજ આગામી ગ્રીનફિલ્ડ એરપોર્ટ જેવા કે જેવર એરપોર્ટ, નવી મુંબઈ એરપોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટને પણ જોડશે. આ રીતે તે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મુંબઈ વચ્ચે કનેક્ટિવિટી વધારશે હાઇવેના નિર્માણમાં જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં 150 કિમીથી વધુની ઝડપે વાહનો ચલાવી શકાય છે, જોકે અહીં સ્પીડ લિમિટ 120 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.
પ્રથમ તબક્કાના 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનને 12,150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ હાઈવે ખુલ્લો મુકાતા દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય 5 કલાકથી ઘટીને 3 કલાક થઈ જશે. તેનાથી સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને પણ મોટો વેગ મળશે.
હાલમાં જયપુરથી દિલ્હી પહોંચવામાં સાડા છથી સાત કલાકનો સમય લાગે છે. એક્સપ્રેસ-વેથી આ મુસાફરી માત્ર 3 કલાકની હશે. આ આખો એક્સપ્રેસ વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.જે આ તમામ રાજ્યોના પરિવહનને સરળ બનાવી દેશે.
એક્સપ્રેસ વે ઉપર હશે આટલી સુવિધાઓ
ટ્રોમા સેન્ટર: રેસ્ટ એરિયામાં ટ્રોમા સેન્ટર છે. જ્યાં તબીબો 24 કલાક ડ્યુટી કરશે. સ્ત્રી-પુરુષ માટે અલગ વોર્ડ છે. અહીં આઈસીયુ વોર્ડ, ઓપરેશન થિયેટર પણ છે. અને એમ્બ્યુલન્સની પણ સેવા છે.
ચાર્જિંગ પોઈન્ટ: ઇ વાહનોને પ્રોત્સાહન મળે એટલે રેસ્ટ એરિયામાં અલગ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જે 24 કલાક કાર્યરત રહેશે. ચાર્જિંગ સ્ટેશન માટે અલગથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
પેટ્રોલ પંપ: રેસ્ટ એરિયાની બંને બાજુએ પેટ્રોલ પંપ બનાવવામાં આવ્યા છે. કારણ કે દિલ્હીથી હાઇવે પર આવ્યા પછી ઈન્ટરચેન્જ પર જ પાછા આવી શકાય.
રેસ્ટોરન્ટ: રેસ્ટ એરિયાની બંને બાજુ અલગ-અલગ રેસ્ટોરાં ખોલવામાં આવશે. સાઉથ ઈન્ડિયનથી લઈને ચાઈનીઝ ફૂડ અહીં મળી શકે છે. બાળકોને રમવા માટે ફન પાર્ક પણ બનાવવામાં આવશે.
ગ્રામીણ હાટ: અહીં ગ્રામીણ હાટ પણ બનાવવામાં આવી છે. જેમાં હેન્ડીક્રાફ્ટની વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. નાના કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓને ખરીદીને અહીં લાવવામાં આવશે.
સર્વિસ સ્ટેશન: જો તમારી કાર અકસ્માતમાં બગડી જાય કે નુકસાન થાય તો અહીં અલગ સર્વિસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યા છે. જેથી કોઈને મુશ્કેલી ન પડે.
દરેક જિલ્લામાં માત્ર એક જ એન્ટ્રી પોઇન્ટ અને એક જ એક્ઝિટ પોઇન્ટ
એક્સપ્રેસ-વે પર દરેક જિલ્લામાં માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ રાખવામાં આવ્યો છે. અહીં પરત ફરતી વખતે માત્ર ટોલ વસૂલવામાં આવશે. માર્ગમાં હાઇવે પર ક્યાંય પણ અવરોધ નહીં આવે. ત્યાં કોઈ સ્પીડ બ્રેકર નહીં હોય અને એક્સપ્રેસ-વે એટલો ઉંચો બનાવવામાં આવ્યો છે કે રખડતા પશુઓ પણ ન આવે. દૌસાથી અમે એક્સપ્રેસ-વે દ્વારા દિલ્હી તરફની મુસાફરી શરૂ કરી.
બીજા તબક્કામાં માર્ચમાં વડોદરા-અંકલેશ્વર હાઇવે ખુલ્લો મુકાશે
સોહનાથી દૌસા સુધીનો 225 કિલોમીટરનો એક્સપ્રેસ વેનો પ્રથમ તબક્કામાં ખુલ્લો મુકવામાં આવ્યો છે. મોદીએ ગઈકાલે તેનું ઉદ્ઘાટન કર્યું. બીજા તબક્કામાં 100 કિમીનો વડોદરા-અંકલેશ્વર હાઇવે માર્ચ 2023માં અને 211 કિમીનો ઝાલાવાડા-એમપી હાઇવે જૂન 2023માં ખુલ્લો મુકવામાં આવશે. અત્યાર સુધીમાં 1355 કિલોમીટર લાંબા હાઇવેમાંથી 738 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે.
દિલ્હીથી મુંબઇની મુસાફરીના સમયમાં અડધો અડધ ઘટાડો થશે
એક્સપ્રેસ વે નિર્માણ સાથે, દિલ્હી અને મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર 12 ટકા ઓછું થઈ જશે. મુસાફરીના સમયમાં પણ 50 ટકાનો ઘટાડો થશે. પહેલા જ્યાં મુસાફરીમાં 24 કલાકનો સમય લાગતો હતો, હવે 12 કલાકનો સમય લાગશે. આ એક્સપ્રેસ વે છ રાજ્યોમાંથી પસાર થશે – દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનો તેમાં સમાવેશ થાય છે.
રખડતા પ્રાણીઓનું જોખમ નહિ રહે
એક્સપ્રેસ-વે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ભારતમાં એવો કોઈ હાઇવે નથી કે જ્યાં રખડતા પ્રાણીઓના કારણે અકસ્માત ન થતા હોય. પ્રાણીઓ એક્સપ્રેસ-વેમાં પ્રવેશી ન શકે એ માટે એક્સપ્રેસ-વેની બંને તરફ વિશાળ રેલિંગ લગાવવામાં આવી છે. આ સિવાય એક્સપ્રેસ-વેની ઉંચાઈ સામાન્ય હાઇવે કરતા વધુ હોવાથી પ્રાણીઓ ચઢી શકતા નથી.
દાહોદ, ગોધરા, વડોદરા અને સુરત થઈને એક્સપ્રેસ વે નિકળશે
એક્સપ્રેસ વેથી ગુજરાતના અર્થતંત્રમાં પણ અનેક ફાયદા થવાના છે. પરિવહન પણ ખૂબ સરળ બનવાનું છે. આ એક્સપ્રેસ વેનો ગુજરાતનો રૂટ જોઈએ તો એક્સપ્રેસ વે દાહોદ, ગોધરા, વડોદરા અને સુરતને આવરી લેશે. આ બધા જિલ્લામાં એક એન્ટ્રી પોઇન્ટ અને એક એક્ઝિટ પોઇન્ટ હશે.