જામજોૂધપુરના અમરાપર ગામેથી રાજકોટમાં દૂધની સપ્લાય કરતા વાહન ચાલકે દૂધ ભેળસેળયુક્ત હોવાની કરી કબૂલાત: 1400 લીટર દૂધના જથ્થાનો ડમ્પીંગ યાર્ડ ખાતે નાશ
રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રના અન્ય ગ્રામ્ય પંથકમાંથી આરોગ્ય માટે જોખમકારક એવા દૂધ ઘુસાડવામાં આવતું હોવાનું પર્દાફાશ થયો છે. કોર્પોરેશનને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા 1400 લીટર ભેળસેળયુક્ત દૂધનો જથ્થો પકડાયો છે.
કોર્પોરેશનના ફૂડ વિભાગને મળેલ માહિતી અન્વયે શહેરમાં ભેળસેળ યુક્ત દૂધ સપ્લાય થતું હોવાની માહિતી મળતા કોઠારીયા રોડ પર બે દિવસ થી વહેલી સવારના વોચ ગોઠવી ડેઝીગ્નેટેડ ઓફિસર એ. એન. પંચાલ, ફૂડ સેફ્ટી ઓફિસર આર. આર. પરમાર, ફૂડ સેફ્ટી ઓફિસર કે. જે. સરવૈયા તથા ટીમ દ્વારા કોઠારીયા મેઇન રોડ, આજીડેમ પોલીસ સ્ટેશન પાસેથી બોલેરો ગાડી વાહન નં. ૠઉં 10 ઝડ 5961 ને અટકાવી પોતાની માલિકીના વાહનમાં દૂધને સપ્લાય કરતાં કારાભાઈ દેવાયતભાઇ મુછાળ (રબારી) (રહે: ડોલા તળાવ નેસ, ગામ, અમરાપર, તા. જામજોધપુર, જી. જામનગર) ની પૂછપરછ કરતાં તેઓ છેલ્લા દોઢ માસથી લોઠડા ગામમાં દૂધને સપ્લાય કરવા જતા હોવાનું જણાવેલ તથા હાલ વાહનમાં રહેલ બે ટાંકામાં આશરે 1400 લી. મિક્સ દૂધ (લુઝ) હોવાનું જણાવેલ. ડિપાર્ટમેંટ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાનને સ્થળ પર હાજર રાખી, વાહનમાં રહેલ ટાંકામાંથી દૂધના નમૂના મિલ્કોસ્કેન થી તપાસતા દૂધનો જથ્થો ભેળસેળયુક્ત માલૂમ પડતા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી જથ્થામાંથી ‘મિક્સ દૂધ (લુઝ)’ નો નમૂનો લેવામાં આવેલ. વિશેષમાં ફૂડ બિઝનેસ ઓપરેટર કારાભાઈ દેવાયતભાઇ મુછાળની પૂછપરછ કરતાં તેઓએ દૂધનો જથ્થો ભેળસેળ યુક્ત હોવાનું સ્વીકાર કરેલ. બાદમાં સદરહુ ભેળસેળયુક્ત દૂધનો જથ્થો બજારમાં વેંચાણ ન થાય તે હેતુથી ફૂડ બિઝનેસ ઓપરેટરની સહમતીથી ‘મિક્સ દૂધ (લુઝ)’ ના આશરે 1400 લી. જથ્થાને ડમ્પિંગ યાર્ડ ખાતે નાશ કરવામાં આવ્યો છે.