હવે કોરોના મહામારી લોકોના સ્વાસ્થ્ય કે “દેશના સ્વાસ્થ્ય” પર હાવી નહીં થઈ શકે…. કારણ કે દેશનું સ્વાસ્થ્ય એટલે અર્થતંત્ર અને ભારતનું અર્થતંત્ર હવે વિકાસ તરફ ફરી દોડતું થઈ ગયું છે. ભારતીય અર્થતંત્ર કોવિડ-19ની વૈશ્વિક મહામારીમાંથી ઉગરી હવે માત્ર વિકાસ નહીં પણ ટકાઉ વિકાસ સાથે આગળ ધપી રહ્યું છે. કોરોનાના કપરાકાળની અસરને પાછળ છોડી ભારત હવે ફરી નવી ઊંચાઈઓને હાંસલ કરવા માટે વેગવંતુ બન્યું છે. આ પાછળ સરકાર અને રિઝર્વ બેંકના સમન્વયી નિર્ણયો, રાહતો અને રાજકોષીય પગલાંઓ જવાબદાર છે. તાજેતરમાં નાણાંમંત્રી સીતારામને “નિર્મલ અર્થતંત્ર” માટે મોટી જાહેરાતો કરી છે. જેમાં દેશના સ્વાસ્થ્ય એટલે કે વેગવંતા અર્થતંત્ર માટે મોટા આર્થિક એલાનની સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ ખાસ ભાર મુક્યો છે.
“નિર્મલ” અર્થતંત્ર માટે નાણાંમંત્રી સીતારામનની મોટી જાહેરાતો; સ્વાસ્થય, ટુરીઝમ સહિતના ક્ષેત્રે રાહતોની વણઝાર
મજબૂત અર્થતંત્ર માટે આધાર ગણાતી એવી આયાત-નિકાસની તુલા પર પણ મહત્વનું ધ્યાન અપાયું છે. વિદેશી ફંડોળ વધારી ભારતનો જીડીપી ગ્રોથ ડબલ ડિજિટમાં કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે નિકાસ પર વધુ ભાર મુકાયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 સુધીના નાણાકીય વર્ષમાં જીડીપી દર 9.5 ટકાથી 10 ટકાની વચ્ચે રહેવાનો અનુમાન સેવાયો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે કે વર્ષ 2022 સુધીના નાણાકીય વર્ષમાં ભારતની નિકાસ રૂપિયા 30 લાખ કરોડે પહોંચાડવા સરકારે વ્યૂહરચના ઘડી છે. જો કે કોરોના મહામારીના સમયમાં પણ ભારતની વિવિધ ક્ષેત્રની નિકાસ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી છે. જેમાં ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, જેમ્સ અને જવેલરી સહિત ખેતપેદાશોનો સમાવેશ છે.
નિકાસકારોની સંસ્થા ધ ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્ષપોર્ટ ઓર્ગેનાઇઝેશન- એફઆઈઈઓએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ માટે 400 બિલિયન ડોલર એટલે કે 30 લાખ કરોડ નિકાસનો લક્ષ્યાંક સેવ્યો છે જે ઘણો મહત્વાકાંક્ષી છે. આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા કંપનીઓએ આક્રમક માર્કેટિંગ વ્યૂહરચના અપનાવવાની અને જ્યાં જગ્યા છે તેવા નવા બજારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જરૂરી છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (એફઆઈઇઓ)ના પ્રમુખ એ. સાક્તીવેલે કહ્યું કે બ્રિટન, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને યુએસ સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) નિકાસને વેગ આપવા માટે મોટી મદદ કરશે. તેમણે કહ્યું કે આ કરારો માર્કેટિંગને વેગ આપી શકે છે અને વિદેશી રોકાણ આકર્ષવામાં પણ મદદ મળશે.
સાક્તીવેલે વધુમાં જણાવતાં કહ્યું કે આ માટે વિયેતનામ પાસેથી દરેક દેશે પાઠ શીખવા જોઈએ. રોકાણકારોને આકર્ષવામાં વિયેતનામની જેમ વિશ્વભરની કંપનીઓ જે રીતે ઉત્પાદન પ્લાન્ટ ખસેડી રહી છે તેના બાકીના વિશ્વ સાથે તેનો અસરકારક એફટીએ છે. તે ખૂબ જ પ્રોત્સાહક છે કે ભારત સરકાર પણ ઘણા વ્યવસાયિક ભાગીદારો સાથે મળીને આ દિશામાં આગળ વધી રહી છે. વર્તમાન નાણાકીય વર્ષના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે, સરકાર અને કંપનીઓ બંને મળીને માર્કેટિંગ વ્યૂહરચનાને દેશ માટે આક્રમક બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.