વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
શિવાય ટેકનોકાસ્ટના ગૌતમભાઈ એ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે હાલ વૈશ્ર્વીક સ્તર પર જે રીતે ઉદ્યોગોની સ્થિતિ જોવા મળી છે. તેનાથી ઉદ્યોગકારોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નિકાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગોને રો-મટીરીયલની સ્થિતિ અત્યંત કષ્ટદાય નિવડી છે. લોકો કેવી રીતે પોતાનો ઉદ્યોગ કેવી રીતે ચલાવશે તે પ્રશ્ર્નો ઉદભવ્યા છે. ભારત પાસે રો-મટીરીયલની સ્થિતિ સારી છે. પણ પરીવહનના અભાવે માંગને પૂરી કરીશકતા નથી જેથી ઓર્ડર ચાઈના તરફ વધી જવાનો ડર લાગી રહ્યો છે. ત્યારે બીજી તરફ ઉદ્યોગોને પરપ્રાંતીય મજૂરોનો પ્રશ્ર્ન પણ વિશાળ પ્રમાણમાં સતાવો. જયારે બીજી તરફ પરિવહનની સમસ્યા અને નાણાંકીય અછત ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય બની રહેશે. સરકાર ઉદ્યોગોને ધમધમતા કરવા ટેકસમાં રાહત આપે તો ઉદ્યોગકારોની નાણાંકીય સ્થિતિ સુધરશે અને ઉદ્યોગોને પારાવાર મુશ્કેલીના સામનાથી બચી શકશે હાલના તબકકે લોકડાઉન પૂર્વે ઉદ્યોગોની સ્થિતિ સારી થતી હતી પરંતુ આર્થિક રીતે મંદ પાડી દીધો છે.