વાણીમાં મીઠાસની જેમ જ જીવનમાં મીઠાસ પણ જરૂરી છે. ખાંડ આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે તે આપણે સૌ જાણીએ છીએ. ભારત સરકારે દેશમાં ખાંડની કિંમત સ્થિરતા અને દેશની ખાંડ મિલોની નાણાકીય સ્થિતિને સંતુલિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે ૨૦૨૨-૨૩ની ખાંડ મોસમ માટે સરકારે ૬૦ લાખ ટન્સ ખાંડની નિકાસ પરવાનગી આપી છે.
મળતી માહિતી મુજબ ખાદ્ય મંત્રાલયે કહ્યું કે આવતા વર્ષે 31 મે 2023 સુધી 60 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે. છેલ્લી ત્રણ સુગર માર્કેટિંગ સિઝનમાં સરેરાશ ખાંડ ઉત્પાદનના 18.23 ટકા નિકાસ ક્વોટા તરીકે નિર્ધારિત કરવામાં આવ્યા છે. શુગર મિલોની માગણીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નિકાસ કવોટા જાહેર કરાયા હતા.
ત્યારે વાત કરીએ ગુજરાતની તો ખાંડ ઉદ્યોગની માટે મોટી સંખ્યામાં સુગર મિલો ગુજરાતમાં કાર્યરત છે.
હાલ શેરડીની કાપણીની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે ભારત સરકાર તરફથી સમગ્ર ભારતની શુગરમિલ માટે નિકાસ કરવાની છુટ આપી છે. દક્ષિણ ગુજરાતની સુગરમિલો માટે ખાંડ નિકાસનો માર્ગ મોકળો બન્યો છે. ૧.૯૩ લાખ મેટ્રિક ટન ખાંડ નિકાસનો માર્ગ મોકળો બન્યો છે. ઉત્પાદનના ૧૮.૨ ટકા લેખે ખાંડ નિકાસ કરવા સરકાર દ્વારા ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે. ત્યારે સરકારે ખાંડ નિકાસની પરવાનગી આપતાં સુગરમિલોને સારા ભાવ મળવાની આશા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં સેવાઈ રહી છે.
સરકારના આ હિતકારી નિર્ણયથી ખેડૂતોને થશે સીધો ફાયદો: ખેડૂત આગેવાન
ભારત સરકારના ખાંડ નિકાસ માટેના હિતકારી નિર્ણય બાબતે ખેડૂત આગેવાન જયેશ પટેલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘ભારત સરકાર તરફથી સમગ્ર ભારતની શુગરમિલ માટે સરકારે ૬૦ લાખ ટન નિકાસ કરવાની છુટ આપી છે. ગુજરાતના ખેડૂતોને આ બબાતે ઘણો ફાયદો થશે. હાલમાં જે રીતે શુગરમિલોના ઉત્પાદન ખર્ચ વધી રહ્યા છે, કર્મચારીઓ માટે પગાર ખર્ચ વધી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા નિકાસને પરવાનગી આપવામાં આવી છે તેનો સીધો લાભ ખેડૂતોને થશે અને ખંડના ભાવ વધશે.’