કાંદા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા મહુવા એપીએમસીના ચેરમેનને વડાપ્રધાનને લખ્યો પત્ર

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાંથી પરદેશ નિકાસ થતા કાંદા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. અત્યારે કાંદા ઉપરની નિકાસબંધી ખેડૂતોને અન્યાય કરનાર અને અસહય તેમજ અયોગ્ય છે જે તત્કાલ અસરથી હટાવવા મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ વડાપ્રધાનને પત્ર લખી માંગ ઉઠાવી છે. મુદાસર કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ હાલમાં બજારમાં આવતા કાંદા સંગ્રહ કરાયેલા કાંદા આવે છે. ખેતરમાંથી સીધા નથી આવતા જેની વજનઘટ અને બગાડને કારણે કીલોદીઠ પડતર રૂ.૨૦ જેટલી થાય છે.

હાલમાં થોડા ભાવો વધ્યા છે, જેનું કારણ સંગ્રહમાં કાંદામાં થઇ રહેલો બગાડ તેમજ દક્ષિણનાં રાજયમાંથી આવનાર નવા કાંદાને વરસાદથી થયેલ નુકશાન કારણરૂપ છે ત્યારે વરસાદથી ખેડૂતોને થતા નુકશાન જેટલા ભાવો સ્વાભાવીક પણે વધતા તે કુદરતી અને ખેડૂતોનાં હકમાં છે.

સંગ્રહમાં રાખવામાં આવતા કાંદા પૈકી ૭૫% કાંદા ખેડૂતોનાં છે, જેમણે એપ્રિલથી લઇને ઓગસ્ટની ૧૫ તારીખ સુધી પડતર કરતા અરધી કિંમતે વેચીને ખુબ મોટુ નુકશાન કર્યુ છે. ત્યારે તેમને મળવાપાત્ર ભાવો થયા તેવા સમયે નિકાસબંધી લાદવામાં આવી છે જે સંપૂર્ણપણે અયોગ્ય છે.

આ વરસે એપ્રિલથી લઇ ઓગસ્ટની ૧૫ તારીખ સુધી નુકશાની કરીને ખેડૂતોએ દેશને સસ્તી ડુંગળી ખવડાવી છે. જયારે ખેડૂતોને નુકશાન થતુ ત્યારે સરકાર પોષણક્ષમ ભાવો આપી શકી નથી, જેથી પણ થોડા વધુ ભાવો ખેડૂતોને મળે ત્યારે નિકાસબંધી કરી ભાવો ઘટે ત્યારે ખેડૂતોને કોઇ રક્ષણ આપવામાં નથી આવતુ તો પછી વધે ત્યારે નિકાસબંધી કરવી તે ખેડૂતો સાથેનો સીધો અન્યાય છે.

નિકાસબંધી કરવાથી દેશનાં કાયમી વિદેશ ગ્રાહકો પણ ભારતની ડુંગળી લેવાની વીમુખ થઇ શકે, જેનાથી ભવિષ્યમાં મોટુ નુકશાન થાય. ૨-૩ વરસે એકાદ વખત ત્રણેક મહિના માટે લોકોને થોડી મોંઘી ડુંગળી ખાવાથી જો ખેડૂતોનું હિત થતુ હોય તે બાબત જનતાએ તથા સરકારે પણ સહજ રીતે સ્વીકારવી જોઇએ. ડુંગળીનાં ઘટતા વધતા ભાવોને યોગ્ય રીતે નિયમન કરવા ડુંગળી નિતિ બનાવવી બહુ જરૂરી હોવાનુ પત્રના અંત જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.