આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે કનેક્શન ધરાવતા પટનાના એન્જીનિયરિંગ છાત્રએ ફંડ એકત્ર કરી તેને ક્રિપ્ટોના માધ્યમથી સિરીયા ખાતેના આતંકી સંગઠનને મોકલ્યુ!
હવે આતંકી સંગઠનો ક્રિપ્ટોના માધ્યમથી ફંડની આપ-લે કરી રહ્યાનો ધડાકો થયો છે. એનઆઈએએ પટનામાંથી આતંકી સંગઠન સાથે કનેક્શન ધરાવતા એન્જીનિયરિંગના છાત્રને તાજેતરમાં પકડી પાડ્યો હતો. આ શખ્સે ફંડ એકત્ર કરીને ક્રિપ્ટોના માધ્યમથી આતંકી સંગઠનને મોકલ્યું હોવાનું ખુલ્યું છે.
એનઆઈએએ આરોપી મોહમ્મદ મોહસીન અહેમદ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 120બી, 204 અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 (યૂએપીએ) ની કલમ 17, 18, 39 અને 40 હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. એક સત્તાવાર નિવેદન અનુસાર, એનઆઈએ દ્વારા પોતાની રીતે કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અહેમદે આઈએસઆઈએસ માટે ફંડ એકઠું કર્યું હતું અને તેને ક્રિપ્ટોકરન્સી દ્વારા સીરિયા સ્થિત આઈએસઆઈએસ ઓપરેટિવ્સને મોકલ્યું હતું.
ચાર્જશીટમાં ઘણી જગ્યાએ તપાસ એજન્સીએ સાબિત કર્યું છે કે આરોપી ભારતમાં આઈએસઆઈએસ માટે કામ કરતો હતો. ખાસ કરીને અહીંના યુવાનોને ભગાડીને તે તેમને આ આતંકી સંગઠન માટે કામ કરવા માટે તૈયાર કરતો હતો. આ સાથે આરોપી સીરિયામાં બેઠેલા આ આતંકી સંગઠન માટે ભારતમાંથી મોટી રકમ પણ મોકલતો હતો. આ રકમ ક્રિપ્ટો કરન્સીના રૂપમાં મોકલવામાં આવી રહી હતી. ઉપરાંત, મોહમ્મદ મોહસીન અહેમદ, જે હેન્ડલર તરીકે કામ કરતો હતો, તે ભારતીય યુવાનોને કટ્ટરપંથી વિચારધારાના ગુલામ બનાવી રહ્યો હતો.
મોહમ્મદ મોહસીન યુવાનોને કટ્ટર બનાવી સંગઠન સાથે જોડવાનું કામ કરી રહ્યો હતો
એનઆઈએને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોહમ્મદ મોહસીન અહેમદે આઈએસઆઈએસ હેન્ડલર અને અન્ય લોકો સાથે મળીને ભારતીય યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને તેમને આઈએસઆઈએસ માટે ભરતી કરવાના ઉદ્દેશ્ય સાથે આઈએસઆઈએસ વિચારધારાનો પ્રચાર કરવાનું કાવતરું ઘડ્યું હતું.
મેટાવર્સ સ્પેસમાં આતંકવાદી સંગઠનોનો પ્રવેશ ચિંતાનો વિષય
મેટાવર્સ સ્પેસમાં આતંકવાદી સંગઠનોનો પ્રવેશ ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું, “આતંકવાદીઓ કટ્ટરપંથી સામગ્રી ફેલાવવા માટે ડાર્કનેટનો ઉપયોગ કરી રહ્યા છે, તેમની ઓળખ છુપાવીને નાણાકીય વ્યવહારો માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે તે એક પડકાર છે ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ એસેટનો ઉપયોગ પણ તેમના દ્રારા મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે. આ ડાર્કનેટ પ્રવૃત્તિઓની પેટર્નને સમજવી અને ટ્રેકિંગ કરવું અને મેપિંગ કરવું એ હવે સરકારની ટોચની પ્રાથમિકતા છે.”